'તારો થયો' અને 'માલિક ની વાર્તા' આવી આમને-સામને

વર્ષના પહેલા મહિનાના આ બીજા ફિલ્મી ક્લેશમાં દર્શકોને મળશે એક રોમેન્ટિક ફિલ્મ અને બીજી મળશે સસ્પેન્સ કોમેડી ફિલ્મ



જાન્યુઆરી 2025ના પહેલા અઠવાડિયામાં ‘વિક્ટર 303’ અને ‘કાશી રાઘવ’ ના ક્લેશ બાદ હવે ત્રીજા અઠવાડિયામાં પણ બે ફિલ્મો એકસાથે રિલીઝ થઈ રહી છે. આ બે ફિલ્મોમાંની એક ફિલ્મ હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્યની રોમેન્ટિક ફિલ્મ છે જેનું નામ છે ‘તારો થયો’ અને બીજી અનંગ દેસાઈ, મોનલ ગજ્જર, મૌલિક ચૌહાણ, રાજીવ મેહતાની ફિલ્મ છે જેનું શીર્ષક છે ‘માલિક ની વાર્તા’ જે આજે થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. 



 

સૌથી પહેલા લીલા મોહન પ્રોડક્શન દ્વારા રજૂ કરવામાં આવેલી ફિલ્મ ‘તારો થયો’ ની વાત કરીયે તો મોટી ઉંમરે કરવામાં આવતા પ્રેમના એકરારને આ ફિલ્મ સારી રીતે વ્યક્ત કરી રહી છે. સુપરસ્ટાર હિતેન કુમાર સાથે જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યની જોડી મોટા પડદે જોવા મળશે. આ બે કલાકારો ઉપરાંત ફિલ્મમાં વ્યોમા નંદી, સની પંચોલી, સોનું ચંદ્રપાલ, રિવા રાચ્છ, નમન ગૌર, વિસ્તાપ ગોટાલા, ફિરોઝ ઈરાની, હિતેશ રાવલ, જીગ્નેશ મોદી અને જાન્હવી પટેલ અભિનય કરતા જોવા મળશે જ્યારે હિતુ કનોડિયા મહેમાન કલાકાર તરીકે જોવા મળશે. ધર્મેશ પટેલ દિગ્દર્શીત ફિલ્મ ‘તારો થયો’ ની વાર્તા કાજલ ઓઝા વૈદ્યે લખી છે. રિપુલ શર્મા અને અભિજીત વાઘાણીએ તૈયાર કરેલા મ્યુઝિકમાં ઓસમાણ મીર, રિપુલ શર્મા, ઉવર્ષી રાદડિયા, નિશા કાપડિયા, ભૃગુ પરાશર, રિંકલ સોની, નવલ બારૈયા અને સોહમ નાયકનો સ્વર માણવા મળશે. 

ફિલ્મના ટ્રેલરને જોઈને ખબર પડે છે કે કેદાર (હિતેન કુમાર) પોતાના સ્વભાવ વિરુદ્ધનું વર્તન કરતા મિતાલી (કાજલ ઓઝા વૈદ્ય) સાથે આખો દિવસ પસાર કરવા લાગે છે. ખબર પડે છે મિતાલીને ભૂલવાની બિમારી છે એટલે કે અલ્ઝાઇમર છે જેને લીધે તે પોતાને અને પોતાના પરિવારજનોને, પોતાના પ્રિયજનોને સમય આવતા ભૂલી જશે. જેની સાથે મિતાલીએ સુખ દુઃખની દરેક ક્ષણો જીવી છે, માણી છે એ પ્રિયજનોને એ ભૂલવા નથી માંગતી અને આ કપરી પરિસ્થિતીમાં તેને સાથ આપવા તેનો કેદાર દરેક પ્રકારના પ્રયાસ કરતો જોવા મળે છે. સાચો પ્રેમ કરનારા ભલે ગમે તેટલું લડે ઝઘડે પણ અંતે તો એ લોકો એકમેકના પ્રેમમાં જ પાછા પડી જતા હોય છે. દુનિયા જેને ગાંડપણ કહેતી હોય છે એ બે પ્રેમીઓ વચ્ચે પ્રેમની ભાષા અવ્યક્ત મૌન બનીને શ્વસી રહેતું હોય છે અને આ ભાષા સમજવામાં અથવા સમજાવવામાં પ્રેમી પંખીડાઓ ક્યારેક કાચા પડે છે તો ક્યારેક પાછા પડી જાય છે. યુવાવસ્થાના પ્રેમની સફર વટાવ્યા બાદ પ્રૌઢાવસ્થામાં થતી પ્રેમની આ ચડતી-પડતી ફિલ્મ એટલે ‘તારો થયો’. જેમ દાળમાં મીઠાનું પ્રમાણ જરૂરી હોય એ પ્રમાણે ફિલ્મ ‘તારો થયો’ માં દરેકે દરેક કલાકારનું પાત્ર પ્રમાણમાં સૌમ્ય અને માપસર દર્શાવવામાં આવ્યું હોવાને લીધે ફિલ્મ આપણી પોતાની લાગે છે. આ ઉપરાંત ઓસમાણ મીરના સ્વરમાં ગવાયેલું ગીત ‘સાથ છૂટે ના, હાથ છૂટે ના’ ફિલ્મનો સાર વ્યક્ત કરતું લાગણીશીલ ગીત છે જેનું સંગીત દર્શકોને આકર્ષવામાં અગ્રણી ભૂમિકા ભજવે છે. 



સામાપક્ષે શિવાય મોશન પિક્ચર ‘માલિક ની વાર્તા’ નામની એક સસ્પેન્સ કોમેડી ફિલ્મ લઈને થિયેટર્સમાં આવ્યા છે. આ ફિલ્મમાં મોનલ ગજ્જર, અનંગ દેસાઈ, રાજીવ મેહતા, સુનીલ વિશ્રાણી, ચેતન દૈયા, મૌલિક ચૌહાણ, મોના થીબા કનોડિયા અને હિતુ કનોડિયા મુખ્ય ભૂમિકા અદા કરતા જોવા મળશે. ફિલ્મની વાર્તા એક એવા માલિકની આજુબાજુ ફરે છે જે અવારનવાર એક યુવાન છોકરી સાથે લગન કરે છે અને સુહાગરાતની રાત્રે તેનું ખૂન કરી નાખે છે. સ્વાભાવિક છે કે ફિલ્મની આ વાર્તામાં દુલ્હનના પાત્રમાં મોનલ ગજ્જર અભિનય કરતી જોવા મળશે જ્યારે ફિલ્મની શરૂઆતમાં માલિકના પાત્રમાં અનંગ દેસાઈ દુલ્હા તરીકે જોવા મળશે. આ દુલ્હન સુહાગરાતની રાત્રે  મરતી નથી અને ફિલ્મની વાર્તામાં મજેદાર ટર્ન અને ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે આ માલિકનો સેક્રેટરી (રાજીવ મેહતા) તેમની માલકિન સાથે મળીને માલિકને મારી નાખવાની આખી યોજના બનાવે છે. આ યોજનાને પગલે પહેલા તો માલિક મરી ગયેલા બતાવે છે પણ પછી એ જીવતા બતાવે છે. બીજીબાજુ પોતાને માલિકીન બનેલી સ્ત્રીનો વાસ્તવિક પતિ ગણાવતો એક પુરૂષ (મૌલિક ચૌહાણ) પણ વાર્તામાં આવી પહોંચે છે. ત્રીજીબાજુ ચેતન દૈયાનું પાત્ર પણ પોતે માલિક હોવાની વાત કહે છે. આ બધી ખીચડીમાં પોલીસ કર્મચારી તરીકે હિતુ કનોડિયા અને હવાલદારનારૂપમાં સુનીલ વિશ્રાણી એ વાતનો તાળો મેળવવાનો પ્રયાસ કરે છે કે ખરેખરો માલિક છે કોણ? 



ટોટલ સસ્પેન્સ કોમેડીનો આ ધમાકેદાર ડોઝ દર્શકોને પેટ પકડીને હસાવવા અને ટેન્શન ફ્રી કરવા માટે પૂરતો થઈ શકે છે. વળી, ‘માલિક ની વાર્તા’ ફિલ્મમાં મલ્હાર ઠાકરનો વોઈસ ઓવર પણ દર્શકોને માણવા મળી રહેશે. મિલન દેવમણી અને ડૉ. કે.આર. દેવમણી દ્વારા લિખીત આ ફિલ્મમાં અહસન અહમદનું સંગીત છે જેમાં અનુપ જલોટા, નિશા ઉપાધ્યાય, અરવિંદ વેગડા, સંજય ઓઝા, અમજદ બગાડવા જેવા દિગ્ગજ ગાયકોનો સ્વર માણવા મળશે. એક બાજુ ગુજરાતી ફિલ્મી કલાકારો ગુજરાતી દર્શકોને થિયેટર્સમાં જઈને ફિલ્મ જોવાનો આગ્રહ કરી રહ્યા છે જેથી ફિલ્મોને અને ફિલ્મમેકર્સની મહેનતને પૂરતો ન્યાય મળી શકે અને એ માટે છેલ્લા કેટલાક દિવસથી સોશ્યલ મિડીયામાં ચર્ચા-વિચારણાઓ પણ થઈ રહી છે અને બીજીબાજુ થોકબંધ ફિલ્મો એક જ મહિનામાં રિલીઝ થઈ રહી છે. એવામાં એ જોવું રસપ્રદ રહેશે કે દર્શકો પાછલા અઠવાડિયામાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોને વધારે પ્રાધાન્ય આપે છે કે દર અઠવાડિયે રિલીઝ થઈ રહેલી નવી ગુજરાતી ફિલ્મોને?? ફિલ્મની વાતને એક ક્ષણ માટે પણ સાઇડમાં મૂકીને કહી શકાય કે દર્શકો જે પણ ગુજરાતી ફિલ્મ જુએ એની સામે કંઈ વાંધો નથી, બસ આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ન્યાય મળે એ મહત્ત્વનું છે. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com



Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં