દર્શકો ગુજરાતી ફિલ્મોને ક્યારે પ્રાધાન્ય આપશે?
ટોલીવૂડની જેમ આપણી પ્રજા પણ ઢોલીવૂડમાં બનેલી ફિલ્મોને પ્રાધાન્ય આપતી થાય એ અત્યંત જરૂરી છે
એક સવાલ અવારનવાર પૂછવામાં આવતો હોય છે કે ગુજરાતી જનતા ખરેખર કેવા પ્રકારનો કોન્ટેન્ટ જોવા ઈચ્છે છે. જેના જવાબમાં મોટાભાગે કહેવાય છે કે ગુજરાતી પ્રજા ફેમિલી સાથે બેસીને જોઈ શકાય એવો કોમેડી, એક્શન, સસ્પેન્સ, થ્રિલર વગેરે કોન્ટેન્ટ જોવા અને માણવાની શોખીન છે. આ ઉપરાંત વળી બીજો પણ એક સવાલ કરવામાં આવે છે કે કઈ ભાષામાં તેમને આ કોન્ટેન્ટ જોવા ગમે છે? આ અતિશળ સરળ લાગી રહેલા પ્રશ્નનો જવાબ ઢોલીવૂડ માટે ક્યાંક આશ્ચર્યજનક હોઈ શકે છે. ગુજરાતી પ્રજાને પોતાની ભાષા કરતા અન્ય ભાષાની ફિલ્મોને ખાસ કરીને બોલીવૂડને પહેલા પ્રાધાન્ય આપે છે અને ગુજરાતી પ્રજાની આ જ આદતને લીધે ઢોલીવૂડના વિકાસમાં ક્યાંય બાધા આવી રહી છે એમ ચોક્કસ કહી શકાય છે.
આ વાતને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીયે તો ધારોકે એક દિવસમાં બે ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એક ફિલ્મ બોલીવૂડના મેગાસ્ટારની છે અને બીજી ફિલ્મ ઢોલીવૂડના મેગાસ્ટારની છે. આ બંને અલગ અલગ ભાષાની ફિલ્મો એક સાથે, એક જ દિવસે રિલીઝ થઈ રહી હોવા છતાં ગુજરાતી પ્રજા પહેલા બોલીવૂડની ફિલ્મને પ્રાધાન્ય આપશે અને પછી ગુજરાતી ફિલ્મોને. આ એક એવું નગ્નસત્ય છે જેને દરેક વ્યક્તિ, દરેક ફિલ્મમેકર સ્વીકારે છે પણ એ દિશામાં કામ કરવા માટે જૂજ વ્યક્તિઓ જ આગળ આવી રહી છે.
બોલીવૂડની ફિલ્મો કે એમાં કામ કરતા કોઈપણ વ્યક્તિ કે કલાકાર સામે કોઈને કશો મતભેદ નથી પરંતુ પોતાની માતૃભાષામાં બનતી ફિલ્મોને પણ યોગ્ય ન્યાય આપવાની જવાબદારી જે-તે ભાષાના નાગરિકોની જ છે. ઉદાહરણાર્થે કહીયે તો સાઉથની ફિલ્મોનો દબદબો આજે બોલીવૂડ સ્ટાર્સ કરતા અનેકગણો વધારે છે. ચિંરવીજ, નાગાર્જુન અને રજનીકાંતથી માંડી અલ્લુ અર્જુન, પ્રભાસ જેવા કલાકારોની લોકપ્રિયતાથી આપણે સૌ કોઈ પરિચીત છીએ. દક્ષિણ ભારતની જનતા બોલીવૂડની ફિલ્મો અને એના કલાકારો કરતા પોતાની પ્રાદેશિક ફિલ્મોને પહેલા પ્રાધાન્ય આપે છે. વળી, ઘણીવાર એવું પણ બન્યું છે કે સાઉથ ફિલ્મોના દબદબાને લીધે બોલીવૂડની ફિલ્મોને સાઉથના માર્કેટમાં જોઈએ એટલા થિયેટર્સ એટલે કે શૉ પણ નથી મળ્યા. આવી પરિસ્થિતી શા માટે આપણે ઢોલીવૂડ માટે નથી સર્જી શકતા?
![]() |
| મોનલ ગજ્જર |
સામાપક્ષે એ વાત પણ ભૂલવા જેવી નથી કે આપણી ગુજરાતી ફિલ્મોમાં એક બોલીવૂડ કે ટોલીવૂડના કલાકારને સામેલ કરવા પણ ફિલ્મમેકરે ઘણી મહેનત કરવી પડે છે. અનેક ગુજરાતી ફિલ્મોમાં બોલીવૂડના કલાકારોએ અભિનય કર્યો છે જેમાં અમિતાભ બચ્ચન જેવા મહાનાયકનો પણ સમાવેશ થાય છે. તેમ છતાં ફિલ્મ ધાર્યા પ્રમાણે સફળતા મેળવી શકી નથી. શા માટે આપણી ભાષામાં એવી મોટા પાયે, મોંઘા બજેટવાળી ફિલ્મો નથી બનતી જે 200-500 કરોડ રૂપિયાનો બિઝનેસ કરે? શા માટે અન્ય ભાષાના કલાકારો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા પડાપડી નથી કરતા? શું ગુજરાતી ફિલ્મ ક્ષેત્રમાં એવા દિવસો આવી શકે છે કે અન્ય ભાષાની ફિલ્મોને થિયેટર્સ મેળવવા એડવાન્સમાં બુકિંગ કરવી પડે? આવા અનેક પ્રશ્નો અતિમહાત્વાકાંક્ષી લાગી શકે છે પણ એક લાંબાગાળા બાદ ફરી પાછી બેઠી થયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પોતાનો દબદબો વધારવા, પોતાનો પગ પેસારો કરવા આટલું તો મહાત્વાકાંક્ષી બનવું જ જોઈએ કે તેઓ પોતે પોતાની ફિલ્મોને અન્ય કોઈ ભાષાની ફિલ્મો સામે ઉણી ન સમજે અને પોતે પોતાનું વિશ્વ સર્જી શકે.
આ મહાત્વાકાંક્ષાને પૂરી કરવાની જવાબદારી માત્ર ફિલ્મમેકર્સની નથી, દર્શકોની પણ છે. પાઇરાઇડટેડ ફિલ્મ કે ઓટીટી પર ફિલ્મ જોવા કરતાં થિયેટર્સમાં ફિલ્મ જોવી વધારે હિતાવહ છે. અન્ય ફિલ્મ્સને, એના કલાકારોને, એના કોન્ટેટન્ટને પસંદ કરવો સારી વાત છે પણ પોતાની માતૃભાષામાં બનેલી ફિલ્મને પહેલા પ્રાધાન્ય આપવાની જવાબદારી પણ આપણી જ બને છે, વળી એક ફિલ્મની બોક્સ ઓફિસ પરની સફળતા અને એ જ ફિલ્મની જનમાનસના મનમાં મળેલી સફળતામાં પણ ઘણો ભેદ હોય છે, એ વાત વિસરવા જેવી નથી.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com



Comments
Post a Comment