વર્ષ 2024 ઢોલીવૂડ માટે કેવું રહ્યું??

કુલ 73 માંથી આંગણીના વેઢે ગણી શકાય એટલી ફિલ્મો સફળતાના શિખરો સર કરી શકી હતી.



ઢોલીવૂડ માટે વર્ષ 2024 નું સરવૈયું કાઢવા બેસીયે તો ખબર પડશે કે આ વર્ષે ઢોલીવૂડને લગતા અનેક નવા રેકોર્ડ્સ બન્યા છે અને ખૂબ નવી વાર્તાઓ સાથે ફિલ્મો બનાવવામાં આવી છે. ફિલ્મની સફળતા અને નિષ્ફળતાને બાદ કરતા ઢોલીવૂડ માટે એ સારી વાત છે કે ન માત્ર 2024 માં પણ 2023 માં પણ અનેક નવા વિષયો સાથે ફિલ્મો બની હતી જે દર્શકોને આકર્ષવામાં સફળ રહી હતી. વર્ષ 2024 માં કુલ 73 ગુજરાતી ફિલ્મો રિલીઝ કરવામાં આવી હતી.





જાન્યુઆરી 2024 ની શરૂઆત યશ સોનીની ‘ડેની જીગર’ નામની ફિલ્મથી થઈ હતી. આ એક સ્પૂફ ફિલ્મ હતી જે ગુજરાતી સિને જગતમાં પહેલીવાર બનાવવામાં આવી હતી. જોકે દર્શકોનો ફેવરેટ યશ સોની આ ફિલ્મમાં હોવા છતાં ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી અને ફિલ્મમેકર્સે રાજીખુશીથી દર્શકોના આ નિર્ણયને સ્વીકાર્યો હતો. જોકે આ જ મહિનામાં માનસી પારેખ અને રોનક કામદારની સુપરહિટ ફિલ્મ ‘ઈટ્ટા-કિટ્ટા’ રિલીઝ થઈ હતી જે 2024 ની પહેલી સફળ ફિલ્મોમાં પોતાનું નામ સામેલ કરી શકી. આ ફિલ્મને આલોચકો પાસેથી પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. ‘મારા પપ્પા સુપરહીરો’ નામની ફિલ્મ સાથે ‘ઈટ્ટા-કિટ્ટા’ નો ક્લેશ થયો હતો. 



 

વર્ષ 2023 ના ફેબ્રુઆરી જેમ વર્ષ 2024 નો ફેબ્રુઆરી મહિનો પણ ઘણો રોચક રહ્યો હતો કેમ કે પહેલા અઠવાડિયામાં ‘હેલ્લારો’ ના મેકર્સ નવલકથાકાર અશ્વિની ભટ્ટની નવલકથા ‘કમઠાણ’ પરથી એ જ નામની ફિલ્મ લઈને આવ્યા હતા અને બીજા અઠવાડિયામાં મલ્હાર ઠાકર અને પૂજા જોશીની જોડી ‘લગન સ્પેશિયલ’ નામની ફિલ્મ લઈને આવી હતી જ્યારે ત્રીજા અઠવાડિયામાં વિજયગીરી બાવા મલ્ટીસ્ટારર ઐતિહાસિક ફિલ્મ ‘કસૂંબો’ લઈને આવ્યા હતા અને છેલ્લા અઠવાડિયામાં હિતુ કનોડિયા અને નીલમ પંચાલની ફિલ્મ ‘નાસૂર’ રિલીઝ થઈ હતી. નોંધનીય છે કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પણ ‘કૉન્ગ્રચ્યુલેશન્સ’, ‘હું ઈકબાલ’, ‘કર્મા’, ‘વશ’, ‘આગંતુક’ અને ‘ચલ મન જીતવા જઈએ 2’ જેવી જબરદસ્ત ફિલ્મો રિલીઝ થઈ હતી.



 

2024 ના માર્ચ મહિનામાં મલ્હાર ઠાકરની વર્ષની બીજી ફિલ્મ ‘વેનિલા આઇસક્રીમ’ રિલીઝ થઈ હતી. ત્યાર બાદ ‘ઝૂંપડપટ્ટી’ અને ‘મૌનમ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મો બાદ છેક ત્રીજી મે ના રોજ યશ સોનીની આ વર્ષની બીજી ફિલ્મ ‘જગત’ રિલીઝ થઈ હતી જે એક થ્રિલર ફિલ્મ હતી અને આ જ મહિનામાં ‘એસ2જી2’ અને ‘મારુ મન તારુ થયું’ જેવી ફિલ્મો પણ રિલીઝ થઈ હતી જે ખાસ દર્શકોનો પ્રેમ મેળવી ન શકી. જોકે ઘણા સમયથી જે ફિલ્મની રાહ જોવાતી હતી એવી ‘સમંદર’ ફિલ્મને અનેકવાર મોકૂફ રખાતા છેવટે 17 મે ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ કરતા એમાં સામેલ કરવામાં આવેલું બી. પ્રાગનું ગીત ‘તું મારો દરિયો ને કાંઠો એ તું’ પ્રેક્ષકોના મનમાં ઘર કરી ગયું હતું. 



31 મે ના રોજ ઢોલીવૂડની આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી હોરર-કોમેડી ફિલ્મ ‘ઝમકૂડી’ રિલીઝ થાય છે. માનસી પારેખના પ્રોડક્શન હાઉસમાં બનેલી આ ફિલ્મથકી કાંદિવલીના ફેમસ ઇન્ફ્લ્યુએન્સર વિરાજ ઘેલાણીએ ઢોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મે કુલ 25 કરોડ રૂપિયાથી પણ વધારાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. જૂન મહિનામાં ‘ચૂપ’ અને ‘ત્રિશા ઓન ધ રોક્સ’ રિલીઝ થઈ હતી જ્યારે જુલાઈ મહિનામાં ફિલ્મ ‘ચબૂતરો’ ના મેકર્સ રોનક કામદાર, શિવમ પારેખ તથા એશા કંસારાને લઈને ફિલ્મ ‘બિલ્ડર બૉય્સ’ લઈને આવ્યા હતા. આ ફિલ્મ ઉપરાંત ‘રામ ભરોસે’, ગોવામાં યોજાયેલા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં સિલેક્ટ થનારી ‘કારખાનું’ અને મોનલ ગજ્જર તથા પરિક્ષીત તમાલિયાની ‘વાર-તહેવાર’ ફિલ્મ રિલીઝ થઈ હતી. 



ઑગસ્ટ મહિનામાં ગુજરાતી પ્રજા માટે આકર્ષણનું કેન્દ્ર હતી ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જે ‘ફક્ત મહિલાઓ માટે’ નું એક્સટેન્ડેડ વર્જન ગણવામાં આવતી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક નાનકડી ભૂમિકામાં જોવા મળે છે. ઉપરાંત દર્શન જરીવાલા, યશ સોની, મિત્ર ગઢવી અને એશા કંસારા અને અન્ય નામાંકિત કલાકારો હોવા છતાં આ ફિલ્મ દર્શકોને ‘ફક્ત મહિલાઓ માટે’ જેટલી સંતુષ્ટી આપવામાં નિષ્ફળ રહી હતી. સપ્ટેમ્બર મહિનામાં દેવેન ભોજાણીની પહેલી ગુજરાતી ફિલ્મ ‘ઉડન છૂ’ રિલીઝ થાય છે જેના બાદ ‘ઇન્ટરવ્યૂ’, ‘ફ્રેન્ડો’ અને મલ્હાર ઠાકરની સ્વર્ગસ્થ વૈભવી ઉપાધ્યાય સાથેની એકમાત્ર ફિલ્મ ‘લોચા લાપસી’ રિલીઝ થઈ હતી. 



નવરાત્રીના સમયગાળામાં એટલે કે ઑક્ટોબર મહિનામાં ‘ભલે પધાર્યા’ નામની હોરર કોમેડી અને કોમેડી ડ્રામા ફિલ્મ ‘હાહાકાર’ રિલીઝ થઈ હતી. ‘સમંદર’ બાદ આ એક માત્ર એવી ફિલ્મ હતી જેનું ગીત-સંગીત હિટ રહ્યું હતું. આ ફિલ્મમાં પણ મયૂર ચૌહાણે અભિનય કર્યો હતો અને તેમની સાથે હેમાંગ શાહ, મયંક ગઢવી અને અન્ય કલાકારો અભિનય કરતાં જોવા મળ્યા હતા. નવેમ્બરમાં વિક્રમ ઠાકોરની ‘હાલ ભેરુ ગામડે’, પરિક્ષીત તમાલિયા અને પૂજા જોશીની ‘કાલે લગન છે!?’, ભવ્ય ગાંધી અને આરોહી પટેલીની ‘અજબ રાતની ગજબ વાત’, મિત્ર ગઢવી અને સિદ્ધી ઈદનાનીની ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની’, ‘સાસણ’ અને ‘લઠ્ઠા સદન’ જેવી ફિલ્મો રિલીઝ થઈ હતી. ડિસેમ્બરમાં ‘31st’ અને ‘ભૂમિ’ નામની ફિલ્મથી વર્ષનું સમાપન થયું હતું. 



નોંધનીય છે કે વર્ષ 2024 માં અનેક એવી ફિલ્મો આવી જે ધારણા કરતા સારું પ્રદર્શન કરી ગઈ અને જે ફિલ્મો પાસેથી સારા પ્રદર્શનની આશા હતી એ ઠીકઠાક કામ કરી ગઈ. ‘કારખાનું’ જેવી ઑફબીટ ફિલ્મે ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (આઇએફએફઆઇ) માં પ્રવેશ મેળવી ત્રણ વર્ષથી ગુજરાતી ફિલ્મો માટે ચાલી આવતા  દુકાળનો અંત આણ્યો હતો. ટૂંકમાં આ વર્ષે રિલીઝ થયેલી કુલ 73 ગુજરાતી ફિલ્મોમાંથી આંગણીના વેઢે ગણી શકાય એટલી ફિલ્મો સફળતાના શિખરો સર કરી શકી હતી. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં