‘કાલે લગન છે?!’ કે આજે?
પૂજા જોશી અને પરિક્ષીત તમાલિયાની જોડીને બીજીવાર મોટા પડદે જોવી લોકોને ગમશે
લગનની સિઝન લગભગ શરૂ થઈ ગઈ છે. અનેક ગુજરાતી ઘરોમાં લગન માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હશે અને અનેક લોકો તૈયારી શરૂ કરવાના હશે. જોકે ગુજરાતી ફિલ્મ જગતમાં પણ લગનનો વરતારો છવાયેલો છે. ‘હું અને તું’, ‘વાર તહેવાર’, ‘ઉડન છૂ’, ‘લગન સ્પેશિયલ’ જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં લગનની તૈયારીઓ થતી અને લગન થતાં આપણે જોયા છે. આ સિરીઝમાં વધુ એક ફિલ્મ આજે જોડાઈ છે જેનું નામ છે ‘કાલે લગન છે?!’
પરિક્ષીત તમાલિયા અને પૂજા જોશીને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મ આજે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં પરિક્ષીત અને પૂજા ઉપરાંત અનુરાગ પ્રપન્ન, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક ઊપરાંત ઉમેશ બારોટ નાનકડો કેમિયો કરતા જોવા મળશે. ફિલ્મની વાર્તા, ડાયલૉગ્સ, સ્ક્રીનપ્લે હુમાયુ મકરાણીએ તૈયાર કરી છે. 2023 ના સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મ ‘હું અને તું’ માં પહેલીવાર પરિક્ષીત અને પૂજાની જોડી મોટા પડદે જોવા મળી હતી અને આ તેઓની બીજી ફિલ્મ છે.
ફિલ્મની વાર્તા આયૂષ નામના યુવાનની આજુબાજુ ફરે છે જેના આવતીકાલે લગન છે, પણ એને એ વાતની જાણ જ નથી કેમ કે એના પપ્પાએ ખોટું બોલીને એને દીવમાં એક લગન અટેન્ડ કરવા મોકલ્યો છે. કેમ કે આ યુવાનને ખબર નથી કે તેના આવતી કાલે લગન છે એટલે એણે છોકરીને પણ જોઈ નથી. અમદાવાદથી દીવ તરફ જતી વખતે આયૂષ પાસેથી એક છોકરી, જે પોતાની ફ્રેન્ડ્સ સાથે પિકનીક પર નીકળી હોય છે, બસ ચૂકી જાય છે અને પોતાની ફ્રેન્ડ્સ પાસે પહોંચવા માટે આયૂષ પાસે લિફ્ટ માંગે છે. ટ્રાવેલ દરમ્યાન બીજી અન્ય મુસીબતમાં ફસાયેલો આયૂષ આ છોકરી, ઈશિકા, ને મદદ કરવા તૈયાર થઈ જાય છે.
અમદાવાદથી દીવ તરફની આયૂષ અને ઈશિકાની આ જર્નીની શરૂઆત ઘણી સારી રહે છે પણ આગળ જતા ઈશિકા આયૂષની સામે પિસ્તોલ તાકી તેને કિડનેપ કરી લેય છે. વળી, પિસ્તોલની ધાક પર ઈશિકા તેને હેરાન કરતી રહે છે, તેની પાસે ડાન્સ કરાવે છે, પોલીસ સામે પોતે નિર્દોષ હોવાનું કહી આયૂષને ફસાવે છે. એવામાં ઈશિકાના બિન્દાસ અને બોલકા સ્વભાવ પર આવેલો આયૂષનો પ્રેમ ધીરે ધીરે ઓસરાવા લાગે છે અને એ ઈશિકાથી છૂટવાનો પ્રયત્ન કરતો રહે છે. સામાપક્ષે ઈશિકા પણ પોતાની વાત પર મક્કમ નથી રહેતી અને પોતાની વાસ્તવિકતા છુપાવવા ગોળ-ગોળ વાત ફેરવીને નીતનવી વાર્તા બનાવતી રહે છે.
ઈશિકાની આ આદતથી કંટાળેલો આયૂષ ખરેખર સાચા ગુંડાઓને ઈશિકાની જેમ ખોટા ગુંડાઓ હોવાનું સમજી તેમની સાથે મજાક કરે છે. પણ આ વાત ત્યારે વધારે વણસી જાય છે જ્યારે એ ગુંડાઓ ખરેખર ઈશિકા અને આયૂષનું અપહરણ કરી લેય છે અને આ એ જ સિકવન્સ છે જ્યાં ઈશિકા બનેલી પૂજાનું એન્ગ્રી લેડી લુક જોવા મળે છે. જી હા, આ જ સિકવન્સમાં પહેલીવાર આપણને પૂજા જોશી ફાઇટિંગ કરતી જોવા મળે છે. જેમ તેમ ગુંડાઓથી પોતાને બચાવી ભાગી નીકળેલા આયૂષ અને ઈશિકાના મનમાં એકબીજા માટે પ્રેમની લાગણી જન્મે છે પણ આ પ્રેમ એના અંતિમ સ્થાને પહોંચી શકે એમ નથી કેમ કે આયૂષના લગન પહેલાથી જ નક્કી થઈ ચૂક્યા છે અને ઈશિકા લગન ન કરવાને લીધે ઘરેથી ભાગીને આવી છે.
આ આખી વાર્તાનો જે ટ્વિસ્ટ અને ટર્નીંગ પોઇન્ટ છે એ છેલ્લા અડધો કલાકમાં જોવા મળશે. જોકે સજાગ દર્શકોને ફિલ્મની વાર્તા કઈ દિશામાં જઈ રહી છે એનો અંદાજો ભલે મધ્યાંતર સુધીમાં આવી જતો હોય પણ આયૂષના ફાલતુ જોક્સ, બાલીશતા, ક્યુટનેસ અને ઈશિકાની ડેરિંગ, બિન્દાસ વાકપટૂતાને લીધે ફિલ્મ છેલ્લે સુધી રોચક બની રહે છે, જે દર્શકોને એક અલગ અનુભવ કરાવશે. ગાયક, સંગીતકાર એવા ઉમેશ બારોટ આ ફિલ્મમાં એક કેમિયો કરતા જોવા મળશે.
ફિલ્મમાં ન માત્ર ઈશિકા અને આયૂષની જુલગબંદી છે પણ આયૂષના માતા-પિતાનો રોલ કરી રહેલા અનુરાગ પ્રપન્ન અને દીપિકા રાવલની કોમિક ટાઇમિંગ મજા કરાવે એવી છે. મધ્યાંતર પહેલાનો ભાગ થોડો વધારે ખેંચાતો હોય એવું ક્યાંક ક્યાંક લાગશે પણ ફિલ્મના સેકન્ડ હાફમાં પરિક્ષીત અને પૂજાનું રોમેન્ટિક સોન્ગ, લોકેશનમાં થતા ફેરબદલ વાર્તાનો કેનવાસ બદલી આપશે. ટૂંકમાં જે વ્યક્તિના આવતી કાલે લગન છે એના જીવનમાં બનેલી કિડનેપીંગની આ અણધાર્યી ઘટના કેવા કેવા ફેરફાર લાવશે, આ અજાણી આવેલી વ્યક્તિ ખરેખર કોણ છે અને એ શા કારણે આવી છે, શું ખરેખર ઈશિકાએ આયૂષનું કિડનેપીંગ કર્યું છે કે ઈશિકાને ફસાવવા આ આયૂષની જ કોઈ તરકીબ હશે, આયૂષના લગન ખરેખર થશે કે નહીં, આવા અનેક સવાલોના જવાબ જાણવા માટે ફિલ્મ ‘કાલે લગન છે?!’ એકવાર તો જોવી જ રહી.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com







Comments
Post a Comment