હાથી સામે ઉંદરની લડાઈ એટલે 'ગેટ સેટ ગો'
વાર્તા સામાન્ય હોવા છતાં દમદાર ડિરેક્શન, સિનેમેટોગ્રાફી, આ ફિલ્મને બે ડગલા આગળ લઈ જાય છે
હાથી સામે લડવા માટે
હાથી બનવું પડે પણ ક્યારેક હાથી સામે લડીને જીતવા માટે ઉંદર પણ બની શકાય છે. ટૂંકમાં
તમે કોની સામે લડો છો એ મહત્વનું નથી પણ કેવી રીતે લડો છો એ મહત્વનું છે અને આ જ વાત
ગુજરાતી ફિલ્મ 'ગેટ સેટ ગો' માં દર્શાવવામાં આવી છે, જે આજે થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી
છે અને આ ફિલ્મમાં બોલીવુડના નામાંકિત અભિનેતા દીપક તિજોરી મહત્વની ભૂમિકામાં જોવા
મળશે.
ભૌમિક સંપટ અને જીનલ
બેલાણીના વાલ્મીકિ પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ 'ગેટ સેટ ગો' માં દિપક તિજોરી (અરુણ
ગોહિલ) ઉપરાંત ભૌમિક સંપટ (VD) , જીનલ બેલાણી (કાવ્યા ઠક્કર), રોનક કામદાર (ઇન્સ્પેક્ટર
કાર્તિક), સંવેદના સુવાલ્કા (બ્રિન્દા ગોહિલ), શરદ શર્મા (જયંતિ કાકા), ઓમ ભટ્ટ (પરેશ),
ધર્મેન્દ્ર ગોહિલ (જયરાજ મહેતા), મુનિ ઝા (પોલીસ કમિશનર જાડેજા) મુખ્ય ભૂમિકામાં જોવા
મળશે જ્યારે સ્મિત જોષી, ભાવિની જાની, મોરલી પટેલ, પ્રેમલ યાગ્નિક, તથા ભવ્ય ગાંધી
નાની પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા, સંવાદ અને પટકથા જીનલ બેલાણીએ
જ તૈયાર કરી છે. જ્યારે કેપ્ટન ઓફ ધ શીપ એટલે કે ડિરેક્ટરની જવાબદારી અર્નવ કુમારે
ઉપાડી છે.
પોલીસ કમિશનરના ઘરે જ ત્રણ જણ ચોરી કરી જાય છે અને ત્યારબાદ શહેરમાં નામાંકિત હસ્તી જયરાજ મહેતાના ઘરે પણ આ ટોળકી ચોરી કરી જાય છે. આ ચોરી કરવા પાછળનો માસ્ટરમાઈન્ડ અરુણ ગોહિલ છે, પણ શા માટે તે આ ચોરીઓ કરાવડાવે છે, એ સવાલનો જવાબ જાણવા માટે એક્શન થ્રીલર ફિલ્મ 'ગેટ સેટ ગો' જોવી જરૂરી છે. આ પ્રશ્નોના જવાબની સાથે ફિલ્મનું દરેક પાત્ર શા માટે ચોરી કરવા માટે તૈયાર થાય છે એ પ્રશ્નોનો જવાબ પણ અહીં મળી રહેશે.
ફિલ્મની વાર્તા પહેલી
નજરમાં તો સામાન્ય લાગે છે પરંતુ ઇન્ટરવલ સુધીમાં આ ફિલ્મ તમને પકડી રાખશે અને ઇન્ટરવલ
પછીના સેકન્ડ હાફમાં જે ટ્વીસ્ટ પર ટવીસ્ટ આવતા જાય છે એ ફિલ્મને વધારે રોચક બનાવે
છે. વળી એક સમયે તો એવો આવે છે કે જ્યારે ફિલ્મની વાર્તા લગભગ પતી જ જાય છે અને ત્યાં
જે ટ્વીસ્ટ આવે છે એ સમગ્ર વાર્તાને જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે.
ખાસ વાત કરવી રહી
'ગેટ સેટ ગો' ફિલ્મના ડિરેક્શનની. આ ફિલ્મના ડિરેક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક એવા
દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે જે ઢોલીવુડમાં ભાગ્યે જ જોવા મળે છે. આ ફિલ્મના બે દ્રશ્યોની
વાત ખાસ કરવી રહી. રિવરફ્રન્ટના જુના બ્રિજ પર જ્યારે બંને બાજુથી કાર સામસામે આવીને
ઉભી રહે છે ત્યારે જે એરિયલ શોટ લેવામાં આવ્યો છે એ ડિરેક્ટરની કારીગીરીનો ઉત્તમ નમૂનો
કહી શકાય એમ છે અને આ જ સમયે ફિલ્મના ખલનાયકને, તેના દબદબાને, દર્શકો સામે પણ રજૂ કરી
દેવામાં આવે છે. જ્યારે બીજું એક દ્રશ્ય બોલીવુડના સ્ટંટથી પ્રેરિત થયેલું છે જેમાં
જીનલ અને ભૌમિક ચાલતી ટ્રેનની સામેથી સાયકલ જમ્પ કરાવીને પોલીસને મહાત આપી જાય છે.
આ ઉપરાંત અમદાવાદ શહેરમાં વધારે શૂટ ન કરતા ગામડાની સાંકળી ગલીઓમાંથી કેમેરો ફિલ્મની
વાર્તાને આગળ લઈ જવાનું કામ કરે છે. ન માત્ર ફિલ્મના એક્શન સિક્વન્સ પણ તેના સંવાદો,
સિનેમેટોગ્રાફીમાં નિર્માતાઓએ પૂરેપૂરું ધ્યાન આપ્યું હોવાને લીધે ફિલ્મ ટ્રેલર રિલીઝ
થતા જ ચર્ચાનો વિષય બની હતી. બાકી અભિનેતાઓની કલાકારીને લીધે ફિલ્મ દર્શકોને આકર્ષવામાં
કેટલી સફળ રહે છે એ આવનારા દિવસોમાં ખબર પડશે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com

.jpg)

Comments
Post a Comment