સમયસર વળતર માટે કલાકાર-કસબીઓનો સંઘર્ષ યથાવત્
આર્ટ ડિરેક્ટર કુંજ ઠક્કરના નિધન બાદ ઢોલીવૂડમાં કલાકાર-કસબીઓને સમયસર વળતર ન મળી રહ્યું હોવાની ચર્ચા ફરી જાગી
વાદવિવાદ સાથે ચર્ચા વિચારણા એ દરેક ઇન્ડસ્ટ્રીનો એક ભાગ હોય છે. હાલમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક ચર્ચા વિચારણાઓનો દૌર ચાલી રહ્યો છે, જેણે ફિલ્મના અનેક સ્ટેક હોલ્ડર્સને અનેક વિષયો પર વિચારવા માટે મજબૂર કરી દીધા છે.
ગુજરાતી ફિલ્મમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલા કુંજ ઠક્કરના નિધન બાદ ઢોલીવુડમાં કાલકારો અને ટેક્નિશ્યનોને તેમનું યોગ્ય વળતર સમયસર મળી રહે એવી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો પણ તેમને સપોર્ટ આપી રહ્યા છે. વાસ્તવમાં કુંજ ઠક્કરના નિધન પહેલા તેઓ શારીરિક, માનસિક અને આર્થિક સ્વાસ્થ્ય સામે પણ સંઘર્ષ કરી રહ્યા હોવાની વાત સામે આવી હતી અને ખાસ તો તેમની મહેનતના પૈસા સમયસર ન મળ્યા હોવાનું સામે આવ્યું હતું જેના લીધે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલા કલાકાર કસબીઓને સમયસર મહેનતાણું ન મળી રહ્યા હોવાની ચર્ચા ફરી એકવાર જાગી હતી. કુંજ ‘પાતકી’, ‘શસ્ત્ર’, ‘ડ્રામેબાજ’, ‘તીખી મીઠી લાઇફ’ જેવી ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.
કુંજના સમાચાર ઇન્ડસ્ટ્રીમાં વાયુવેગે ફેલાતા અનેકોએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી આ મુદ્દે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. વળી ઇન્ડસ્ટ્રીમાં એવો આકરો કટાક્ષ પણ કરવામાં આવી રહ્યો હતો કે મોટાભાગે ફિલ્મની સફળતા માટે તેના આંકડાઓ પર વધારે ધ્યાન આપવામાં આવે છે, એવોર્ડ નાઇટ્સ યોજવામાં આવે છે, પ્રીમિયર યોજવામાં આવે છે જ્યારે માનવીય સ્તરે યોગ્ય વળતર પણ સમયસર ચૂકવવામાં નથી આવતું, જેના માટે માણસ વાસ્તવમાં કામ કરે છે. જોકે કેટલાક પ્રોડ્યુસરો આ કિસ્સામાં અપવાદ છે પણ તેમની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી છે.
ગુજરાતી ફિલ્મ જગતમાં આવું પહેલીવાર નથી થયું જ્યારે યોગ્ય વળતરની માંગણીનો મુદ્દો સામે આવ્યો હોય. આ પહેલા પણ અનેક કલાકારો કસબીઓ યોગ્ય વળતર સમયસર ન મળી રહ્યો હોવાનો મુદ્દો અલગ અલગ માધ્યમો દ્વારા સામે લાવતા જ રહ્યા છે, તેમ છતાં એ દિશામાં આજ સુધી કોઈ યોગ્ય પગલું લેવામાં નથી આવ્યું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીય સાથે પોતાની સરખામણી કરતી રહે છે પણ એ સરખામણી માત્ર ફિલ્મ મેકિંગ પૂરતી જ મર્યાદિત રહે છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે હોલીવુડમાં જે પ્રકારની પદ્ધતિઓ, જે પ્રકારની કાર્ય પ્રણાલીઓ અમલમાં મૂકવામાં આવે છે એની માત્ર અહીં ચર્ચા કરવામાં આવે છે, એનો વાસ્તવિક અમલ થતો નથી, અને આ વાત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક કલાકારોએ અનેક ઇન્ટરવ્યૂમાં કહી પણ ચૂક્યા છે.
મોટાભાગે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર્સ ગુજરાતી ફિલ્મને એક પ્રોડક્ટ તરીકે જુએ છે અને તેમાંથી ઓછા ખર્ચે વધારે લાભ મેળવવાની ઈચ્છા ધરાવે છે. પણ જ્યાં સુધી તેઓ આ ઇન્ડસ્ટ્રીમેન્ટ આર્ટ અને સિનેમા તરીકે નહીં જુએ ત્યાં સુધી આ પ્રકારની સમસ્યા ઓછી થવાના અણસાર નહીંવત્ છે. ગુજરાતી પ્રોડ્યુસરો જો ધડ-માથા વગરની ફિલ્મો બનાવતા રહેશે તો 80-90 ના દાયકામાં જે પ્રકારની ઓટ આ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી હતી એ પ્રકારની ઓટ નજીકના સમયમાં ફરીથી આવતા વાર નહીં લાગે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com


Comments
Post a Comment