ઢોલીવૂડને પુર્નજીવીત કરવામાં ‘જેસલ તોરલ’ મોખરે

1971 માં રિલીઝ થેયલી ફિલ્મ વિશે સૌ કોઈ જાણે છે પણ 1948 ની ફિલ્મ વિશે ભાગ્યે જ કોઈ જાણે છે



લોકકથાઓ પર બનતી ફિલ્મો હંમેશા સફળ રહે છે. ગુજરાતી સિનેમા જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી અને અનુપમાને ચમકાવતી સુપરહીટ ફિલ્મ ‘જેસલ તોરલ’ સૌ કોઈને યાદ હશે પણ ભાગ્યે જ લોકોને ખબર હશે કે 1971 માં આ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલા 1948 માં આ જ નામે પહેલી ‘જેસલ તોરલ’ ફિલ્મ રિલીઝ થઈ હતી.

1948 માં નિર્માતા પી.બી. ઝવેરીના કીર્તિ પીક્ચર્સ દ્વારા ‘જેસલ તોરલ’ નામની બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું ડિરેક્શન ચતુર્ભુજ દોશીએ સંભાળ્યું હતું. આ ગીતના સંવાદો ગીતો અને તેની વાર્તા પ્રફુલ દેસાઈએ લખી હતી. ફિલ્મના મુખ્ય પાત્રમાં રાણી પ્રેમલતા સતી તોરલના પાત્રમાં જોવા મળી હતી જ્યારે છન્ના લાલ, ચીમનલાલ, અંજના, શ્યામ, ઝવેરભાઈ, ગંગારામ, દક્ષા, બકુલેશ પંડિત, પ્રમીલ અને મૂળચંદ (ખીચડી) જેવા કલાકારો અન્ય પાત્રમાં અભિનય કરતા જોવા મળ્યા હતા. 

આ ઉપરાંત 1971 માં આવેલી ‘જેસલ તોરલ’ ની વાત કરીએ તો આ એક એવી ફિલ્મ હતી જેણે ઢોલીવૂડના પુર્નજન્મમાં પાયાની ભૂમિકા ભજવી. ન માત્ર એટલું જ પણ ફિલ્મના ડિરેક્ટર રવિન્દ્ર દવેને આ ફિલ્મ બાદ તેમના કરિયરમાં ક્યારેક પાછું વળીને જોવાનો વારો નથી આવ્યો. ઉપેન્દ્ર ત્રિવેદી અને રમેશ મહેતાની જોડી પહેલીવાર આ ફિલ્મ થકી જ જોવા મળી હતી, જેમાં તેમની સાથે અનુપમા અને અરવિંદ ત્રિવેદી પણ અભિનય કરતા જોવા મળ્યા હતા. ઓર્વો ટેક્નિકલરમાં શૂટ કરવામાં આવેલી આ ફિલ્મમાં જય શ્રી ટી પર એક આઇટમ સોન્ગ પણ શૂટ કરવામાં આવ્યું હતું જે ઘણું વખણાયું હતું.

ગીતોની વાત કરીએ તો 1948 માં રિલીઝ થયેલી ‘જેસલ તોરલ’ માં અવિનાશ વ્યાસે સંગીત આપ્યું હતું જેમાં કુલ 10 ગીતો તૈયાર કરવામાં આવ્યા હતા. આજે આ 10 માંથી માત્ર ત્રણ ગીત પ્રાપ્ય છે અને એમાંથી પણ ‘પાપ તારું પરકાશ જાડેજા’ ગીત સૌથી લોકપ્રિય છે. 1971 માં રિલીઝ થયેલી ‘જેસલ તોરલ’ માં આ ગીત આપણને દિવાળીબેન ભીલના સ્વરમાં સાંભળવા મળે છે જે માત્ર અઢીથી ત્રણ મિનિટનું ગીત છે પણ આ જ ગીત 1948 ની ફિલ્મમાં લગભગ સાડા સાત મિનિટનું સાંભળવા મળે છે જેમાં આમીરભાઈ કર્ણાટકી અને રાજકુમાર વ્યાસનો સ્વર સમાયેલો છે. ઉપરાંત ‘અરે તમે વિશ્વાસી’ એ ગીત રાજકુમાર વ્યાસ તથા ચંદ્રકલાના સ્વરમાં અને ‘પછી તે રાતના સોનલાવલે’ ચંદ્રકલાના સ્વરમાં સાંભળવા મળે છે. જ્યારે 1971 માં આવેલી ‘જેસલ તોરલ’ માં આઠ ગીતો સામેલ કરવામાં આવ્યા હતા જેમાં સુમન કલ્યાણપૂર, કૃષ્ણા કલ્લે, ઇસ્માઇલ વાલેરા, આશા ભોસલે, દિવાળીબેન ભીલ અને મહેન્દ્ર કપૂરનો સ્વર સાંભળવા મળે છે. આ ફિલ્મને ગુજરાત સરકાર દ્વારા પર ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી હતી.  

ઉલ્લેખનીય છે કે 1948 ની ફિલ્મના અન્ય ગીતોની જેમ આ ફિલ્મ પણ આજે પ્રાપ્ય નથી પણ 1971 માં રિલીઝ થયેલી ફિલ્મના ગીતો અને ફિલ્મ આજે પણ માણવા મળે છે એ ગુજરાતી પ્રજાના અહોભાગ્ય જ કહી શકાય.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’