1973 ની સફળ ફિલ્મોમાંની એક ‘રાણક દેવી’

રાણક દેવીની દંતકથા વિશ્વસનીયતા પર આજે પણ સવાલ ઊભા થઈ શકે એમ છે



ઐતિહાસિક ઘટના પર આધારિત અને 1946 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાણક દેવી’ ની સફળતા બાદ આજ નામ પરથી છેક 1973માં વધુ એક ફિલ્મ બની અને આ ફિલ્મ પણ લોકહૃદય સુધી પહોંચવામાં સફળ રહી. ખાસ કરીને ફિલ્મના કલાકારો અને આ ફિલ્મ માટેની ટેકનોલોજીનો અહીં સારો એવો ઉપયોગ જોવા મળ્યો હતો.

બાબુભાઈ મિસ્ત્રી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી અને 1973 માં રિલીઝ થયેલી ગુજરાતી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘રાણક દેવી’ માં રાણક દેવી તરીકેનું મુખ્ય પાત્ર તરલા મહેતાએ ભજવ્યું હતું જ્યારે તેમની સાથે ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અરવિંદ પંડ્યા, દીના પાઠક, જયશ્રી ટી., જયશ્રી પરીખ, જયંત વ્યાસ અને બાળ કલાકાર સમીર યાજ્ઞિકે મુખ્ય ભૂમિકા ભજવી હતી. અંદાજે 138 મિનિટની આ ફિલ્મના સંવાદ રામજીભાઈ વાણીયાએ લખ્યા હતા જ્યારે આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવાનું બીડું જીતુભાઈ મહેતાએ ઉપાડ્યું હતું. 

ચાંપશીભાઈ નાગડા નિર્મીત ફિલ્મ ‘રાણક દેવી’ ના મેકિંગની વાત કરીએ તો આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ચિત્રકલા મંદિર સ્ટુડિયો ખાતે કરવામાં આવ્યું હતું જ્યારે ફિલ્મના કેટલાક મહત્વના દ્રશ્યો અંબિકા મંદિર તથા જૂનાગઢની આજુબાજમાં આવેલા ગિરનાર જૈન મંદિરોમાં શૂટ કરવામાં આવ્યા હતા, જેથી કરીને સૌરાષ્ટ્રની રીતભાત ફિલ્મમાં વાસ્તવિકપણે દર્શાવી શકાય. આ ફિલ્મમાં સિનેમેટોગ્રાફીની પણ એક કમાલ જોવા મળે છે. સિનેમેટોગ્રાફર તરીકે વિષ્ણુકુમાર જોશીએ ફિલ્મના કેટલાક દ્રશ્યો ખૂબ સારી રીતે કેમેરામાં કેપ્ચર કર્યા છે, જે એ વખતની ટેક્નોલોજીની સરખામણીમાં વિશેષ હતા અને વળી એ જમાનામાં આ ફિલ્મની કલર ગ્રેડિંગનું કામ પણ ચીવટથી કરવામાં આવ્યું હતું.

1970 નો જમાનો એવો હતો જ્યારે દરેક ગુજરાતી ફિલ્મ દર્શકોને મનોરંજન પૂરું પાડવામાં સફળ સાબિત થતી હતી અને એમાં ગીતોનો અમૂલ્ય ફાળો રહેતો હતો. ‘રાણક દેવી’ માં સાત ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ‘હે ગીરી ગિરનાર’, ‘પંગત પાણી ગ્યાતા’, ‘હોળી ગીત ઓઢુ તો ચુંદડી તારી ઓઢું’, ‘આસો માસો શરદ પૂનમની રાત જો’, ‘ગગન ઘોર થયું’, ‘ભજનમાં ભંગ પડ્યો રે મારા ભાઈ’ અને ‘જય જય જય જગદીશવર’ નો સમાવેશ થાય છે. આ સાતેય ગીતોને અવિનાશ વ્યાસે લખ્યા અને સંગીતબદ્ધ કર્યા હતા જેમાં આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર, સમુન કલ્યાણપુર, વાણી જયરામ, સુલોચના વ્યાસ અને વેલજીભાઈ ગજ્જરનો સ્વર સાંભળવા મળે છે.

ફિલ્મ ‘રાણક દેવી’ રૂપેરી પડદે સફળ ભલે સાબિત થઈ પણ ચુડાસમા અને સોલંકી શાસકોના વેર વચ્ચેને દર્શાવતી આ ફિલ્મથકી રાણક દેવીનું પતિવ્રતાપણું દર્શાવવામાં ફિલ્મમેકરને પૂરા માર્ક આપવા ઘટે છે. જોકે મહત્ત્વની વાત એ કે ચુડાસમા રાજા રા’ ખેંગાર અને ચાલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહ વચ્ચેનું યુદ્ધ વર્ણવતી કરુણ પ્રણયકથાની આ દંતકથા વિશ્વસનીય ન હોવાનું માનવામાં આવે છે. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 



Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’