પ્રમોશન, સ્ટંટ અને નકામી માથાકૂટ...

ફિલ્મ રિલીઝ પહેલા સર્જાતી મુસીબત ફિલ્મ મેકર માટે અણધાર્યા પડકારો ખડા કરે છે જેની અસર ક્યારેક ફિલ્મની ગુણવત્તા પર પણ પડે છે.



ફિલ્મ મેકિંગનું કામ એવું હોય છે કે એમાં દરેક તબક્કે પડકારો આવતા જ હોય છે. જે કામ ફિલ્મને પ્રમોટ કરવા માટે કરવામાં આવતું હોય છે એ જ કામ ક્યારેક ફિલ્મને મુસીબતમાં પણ મૂકી દીધું હોય છે. હાલમાં જ આવો એક કિસ્સો ફિલ્મ ‘મિસરી’ સાથે થયો. 31મી ઓક્ટોબરે રિલીઝ થયેલી માનસી પારેખ અને રોનક કામદારની બીજી ફિલ્મ ‘મિસરી’ રિલીઝ થતા પહેલાં જ એક વિવાદ સર્જી બેઠી.

આ ફિલ્મના કલાકારો ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવી, જેસલ જાડેજા અને માનસી પારેખ ગોહિલનો એક વીડિયો વાયરલ થયો જેમાં તેઓ અમદાવાદના રોડ પર રાતના સમયે બાઈક સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં ટીકુ તલસાણીયા બાઇક પર ઊભા થઈને અને માનસી તારીખે ટાઇટેનિક પોઝ આપતી જોવા મળે છે. તો કેટલાક બાઇકર્સે તો હેલ્મેટ પણ પહેરી ન હતી. આ વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે એક્શન મોડમાં આવતા કાર્યવાહી હાથધરી હતી જેના બાદ ટીકુ તલસાણીયા જેવા વરિષ્ઠ કલાકારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરવાની સાથે માફી પણ માંગી હતી. ફિલ્મના પ્રોડ્યુસર સંજય સોનીએ આ સ્ટંટ ફિલ્મના પ્રમોશન માટે નહોતાં કરાવ્યા અને મોડી રાત્રી રસ્તા પર કોઈ વાહન ન હોવાની વાત પણ વહેતી કરી હતી. 

મહત્ત્વની વાત એ છે કે આવા કિસ્સા માત્ર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન વખતે જ થાય છે એવું નથી. આર્થિક, સામાજિક અને ક્યારેક કાનૂની નિયમોની જંજાળમાં ફિલ્મ રિલીઝ પહેલા જ એવી તે ફસાઈ જાય છે કે ક્યારેક તો નુકસાની વહોરવાનો વારો આવે છે. ફિલ્મ બનાવવા માટે કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ લાગતું હોય છે અને એવામાં જો કોઈ આવી મુસીબતમાં પગ પડે તો સ્વાભાવિક છે કે એ ઇન્વેસ્ટમેન્ટ અણધાર્યા સંજોગોમાં વધી જ જતું હોય છે. 

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ફિલ્મ રિલીઝ થતાં પહેલાં એને સેન્સર બોર્ડમાંથી પસાર થવું પડે છે અને આ સેન્સર બોર્ડ જે સલાહ સૂચનો આપે, જે સુધારા વધારા કરવાનું કહે એ મોટાભાગે તર્ક વિતર્ક કર્યા પછી ફિલ્મમેકરે સ્વીકારવા જ પડે છે. ફિલ્મ ‘કસુંબો’ આ ઘટનાનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય. ફિલ્મ મેકર વિજયગીરી બાવાએ ખુદ એક મુલાકાતમાં ‘કસુંબો’ ફિલ્મની રિલીઝ બાદ સેન્સર બોર્ડ તરફથી ફિલ્મ માટે જે સુધારા મળ્યા હતા એ અંગે પોતાના વિચારો અને અણગમો સ્પષ્ટપણે પણ કર્યો હતો. ક્યારેક સત્તાધીશોની આ પ્રકારની કાર્યવાહીને લીધે ફિલ્મની ગુણવત્તા પર અસર થાય છે અને ધાર્યું પરિણામ નથી મળી શકતું. 

વર્ષ 2019 માં જ્યારે ‘હેલ્લારો’ ફિલ્મ બની રહી હતી એ વખતે પણ એક સમુદાયે ફિલ્મમેકર પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ફિલ્મમાં તેમના સમુદાયની લાગણીઓને હાનિ પહોંચે એવા શબ્દ પ્રયોગ ફિલ્મમાં કર્યા છે અને આ અંગે તેમની પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જોકે ફિલ્મ મેકરે બાદમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ફિલ્મમાં એવી કોઈ જ વાતચીત કે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા જ નથી. 

અહીં એક પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે જો ફિલ્મની વાર્તાને જરૂર હોય તો જે તે પ્રદેશની લોકબોલી અથવા તેમની રહેણીકરણી અથવા તો તેમની વર્તણુકને ફિલ્મમાં આબેહૂબ દર્શાવવામાં કશું ખોટું પણ નથી. હા એ જે તે વાતને એક ક્રિએટિવ રૂપ આપીને મોટા પડદા પર રજૂ કરવાની ફિલ્મ મેકરને છૂટ હોવી જોઈએ અને એ માટે કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવવી અયોગ્ય કહી શકાય. 

ફિલ્મ મેકરથી કોઈ ભૂલ થાય અને તેમના વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવે તો એ વાત યોગ્ય છે પણ જાણી જોઈને ફિલ્મ મેકિંગ વખતે અથવા તો ફિલ્મ રિલી વખતે અડચણ ઊભી કરવામાં આવે એ યોગ્ય નથી. આપણા દેશમાં ઘણા સામાજિક તત્વો એવા પણ છે જે ખાસ કરીને ફિલ્મ રિલીઝ વખતે બળવો કરવા આવી જતા હોય છે તેમ છતાં આજનો સમય હવે એવો છે કે જ્યારે દરેક વાત, દરેક ફિલ્મ નિર્માતા સ્પષ્ટપણે મોટા પડદા પર રજૂ કરવા માંગે છે. શાહરૂખ ખાનની ‘ર‌ઇસ’ અને આમિર ખાનની ‘ફના’ જેવી ફિલ્મોને એક સમયે ગુજરાતમાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો, એ જ ગુજરાતી પ્રજા આજે ‘કશ્મીર ફાઈલ્સ’ જેવી ફિલ્મોને આખો મોટી કરીને જુએ છે, જે ઓડિયન્સના ફિલ્મ જોવાના બદલાયેલા દ્રષ્ટિકોણની સાબિતી આપે છે. 

કહેવાનો તાત્પર્ય માત્ર એટલો છે કે આજની તારીખે દરેક ભાષાની ફિલ્મ દર્શકો સામે શક્ય એટલા વાસ્તવિક મુદ્દાઓને રજૂ કરવા માંગે છે અને એ વાસ્તવિક મુદ્દાઓ દર્શકોને જોવા ગમે પણ છે અને દર્શક એને વધારવા તૈયાર પણ બેઠો છે. હંસલ મહેતાની લોકપ્રિય વેબ સિરીઝ ‘ધ સ્કેમ 1992’ એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં