ઢોલીવૂડ એક મહિનાના નવરાત્રી વેકેશન પર

ફરી એક વાર’ રિલીઝ થયાના એક મહિના બાદ હવે કોઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ થશે


ગુજરાતની શાળામાં નવરાત્રીનું વેકેશન એક સમયે આપવામાં આવતું જેથી કરીને નવરાત્રીનો લ્હાવો મનભરી માણી શકાય પણ ક્યારે એવું જોયું છે કે આખે આખી ઇન્ડસ્ટ્રી નવરાત્રી માણવા વેકેશન પર જતી રહે? હા, આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે એક મહિના માટે જાણે નવરાત્રીના વેકેશન પર નીકળી ગઈ છે એમ કહી શકાય કેમ કે ગયા અઠવાડિયે ‘ફરી એક વાર’ નામની ફિલ્મ રિલીઝ થયા પછી ડાયરેક્ટ આવતા મહિને કોઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ થનાર છે.

તાજેતરમાં ઢોલીવૂડમાં ‘વશ લેવલ ટુ’ અને ‘બચુની બેનપણી’ (બહેનપણી નહીં) આ બે ફિલ્મો વચ્ચે ક્લેશ થયો હતો, તેમ છતાં આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું એવું કલેક્શન કરવામાં સફળ રહી હતી. આ લેખ લખાઈ રહ્યો છે ત્યાર સુધીમાં પ્રાપ્ત આંકડાઓ મુજબ ‘વશ લેવલ 2’ એ હિન્દી અને ગુજરાતી ભાષામાં મળીને કુલ 13.26 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું જ્યારે ‘બચુની બેનપણી’ એ 09.26 કરોડ રૂપિયા કમાયા હતા. આ બંને ફિલ્મોની રિલીઝ બાદ ‘નાનખટાઈ’ અને ‘ફરી એક વાર’ આ બે ફિલ્મો રિલીઝ થઈ હતી અને ‘મૈયરમાં મનડું નથી લાગતું’ 25 વર્ષ બાદ રિ-રીલીઝ થઈ હતી. હવે છેક એક મહિના બાદ ‘લાલો : કૃષ્ણ સદા સહાયતે’ નામની ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની છે.

ઉલ્લેખનીય છે કે ‘લાલો : કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મ, પહેલા ‘ફરી એક વાર’ સાથે જ રિલીઝ થવાની હતી પણ રિલીઝના બે દિવસ પહેલા ફિલ્મમેકરે રિલીઝની તારીખ મોકૂફ કરી દીધી હતી અને 10 મી ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. નવરાત્રી બાદ ‘ચણિયા ટોળી’, ‘મિસરી’ આ બે ફિલ્મો રિલીઝ થવાની છે. મલ્હાર ઠાકર અને આરોહી પટેલની એક ફિલ્મ તથા દ્વની ગૌતમ ડિરેક્ટેડ ફિલ્મ ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’ અને દીપક તિજોરીની ડેબ્યુ ગુજરાતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’ વર્ષના અંત સુધી રિલીઝ થવાની સંભાવના છે.

સામાપક્ષે નવરાત્રી વેકેશનમાં અભિનેતા જેટલા ફ્રી હશે તેટલા ગાયક કલાકારો અતિવ્યસ્ત હશે. ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક આ વખતે માકાબો (મલાડ, કાંદિવલી, બોરીવલી) ને બદલે બીકેસીમાં પર્ફોમ કરવાની હોવાથી માકાબોવાસીઓ નાખુશ છે. તો વળી પાર્થિવ ગોહિલ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ગોરેગાવ નેસ્કોમાં, ભૂમિ ત્રિવેદી બોરીવલીમાં, કીર્તિદાન ગઢવી અમદાવાદમાં ગરબાના તાલે ખેલૈયાને ગરબા રમાડવાના છે. આ ઉપરાંત ગીતાબેન રબારી, ઐશ્વર્યા મઝમુદાર, ડિમ્પલ બિસ્કીટવાલા, ઈશાની દવે પણ અલગ અલગ ગ્રાઉન્ડમાં પર્ફોમ કરશે.

ન માત્ર ઢોલીવૂડમાં પણ બોલીવૂડમાં પણ આપણને એ ટ્રેન્ડ જોવા મળે છે કે નવરાત્રી દરમ્યાન મોટા બજેટની કોઈ ફિલ્મ રિલીઝ નથી થતી. એની પાછળનું કારણ બોક્સ ઓફિસ કલેક્શન અને મુંબઈ તથા ગુજરાતના ગુજરાતીઓની ગેરહાજરીને ગણી શકાય છે. એક મહિના જેટલા લાંબાગાળામાં કોઈ મોટી ગુજરાતી ફિલ્મ રિલીઝ ન થતી હોવાને લીધે જે ફિલ્મો થિયેટરમાં ચાલી રહી છે એને વધુ લાભ થવાની સંભાવના છે. બોલીવૂડ, ઢોલીવૂડ તથા હોલીવૂડની ફિલ્મોની કમાણીમાં ગુજરાતીઓનો ફાળો બહુમૂલ્ય હોય છે અને એ ફાળો નવરાત્રી દરમ્યાન ન મળી રહેતો હોવાને લીધે ફિલ્મો રિલીઝ કરવાનું ટાળવામાં આવે છે. પણ એ વાત પાક્કી, કે આ નવરાત્રીના દસ દિવસોમાં દર્શકવર્ગને તેમના મનપસંદ કલાકારો ગરબા કરતા સોશ્યલ મીડિયા પર જોવા અચૂક મળી જશે.


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 

Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’