દેશભક્તિ અને કૃષ્ણભક્તિ માટે રેડી છો ને?
આ બંને પ્રકારના ગીતોની સંખ્યા ફિલ્મો કરતાં સુગમ સંગીત અને ભક્તિ સંગીતમાં અઢળક છે
આપણા છેલ્લા લેખમાં આપણે મહાદેવ અને તેમના ગુજરાતી ગીતોની વાત કરી હતી અને આજે એ જ ગીતોનો ઝોન પકડીને વાત કરીશું શ્રીકૃષ્ણ અને દેશભક્તિના ગીતોની. આજે આખો દેશ સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે અને આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર ઉજવશે. આ બંને તહેવારોના ઉપલક્ષમાં ગુજરાતી સંગીતની જો વાત કરીએ તો એ એક સામાન્ય માણસને ઝૂમતા કરી દે એવી તાકાત ધરાવે છે. સૌથી પહેલા દેશભક્તિ ગીતોની જ વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી ફિલ્મોમાં દેશભક્તિ ગીતો ભાગ્યે જ આપણને જોવા અને સાંભળવા મળે છે. વળી એક સ્પષ્ટતા કરી લેવી જરૂરી પણ છે કે દેશભક્તિ એટલે માત્ર 15મી ઑગસ્ટે કે 26મી જાન્યુઆરીએ દેશના ગુણગાણ ગાઓ એમાં નથી પણ ફિલ્મોના માધ્યમે એ દેશભક્તિ છે જેમાં રાજા-રજવાડા પોતાની મા ભોમ માટે કુર્બાની આપતા ખચકાતા નથી.
કહેવાતી દેશભક્તિ પ્રત્યે જાગૃતતા ફેલાવતી હોય એવી ગુજરાતી ફિલ્મો ઘણી ઓછી બનાવવામાં આવી છે. તેમ છતાં કેટલીક ફિલ્મોની વાત કરીએ તો 1975 માં એક ફિલ્મ આવી હતી જેનું શીર્ષક હતું ‘વીર ચાંપરાજ વાળો’. મહેન્દ્ર કપૂર તથા સુલોચના વ્યાસના સ્વરમાં એક ગીત આ ફિલ્મમાં રજૂ થયું હતું જેના શબ્દો હતા ‘સુરો સાવજડો’. આ ગીતને સંગીત આપ્યું હતું અવિનાશ વ્યાસે. સામાન્ય રીતે આ ગીતો કોઈ એક પ્રદેશના રાજાની મા ભોમ માટે અપાયેલા યોગદાનને દર્શાવતી હોય છે જેને દેશભક્તિ રૂપે આજની તારીખમાં રજૂ કરવામાં આવે છે. આવી જ એક દેશભક્તિ 2024માં આવેલી ‘કસૂંબો’ ફિલ્મમાં પણ જોવા મળી હતી જેમાં શેત્રુંજયની તળેટીમાં આવેલા આદિપુર ગામના સ્થાનિક વડા દાદુ બારોટ અલાઉદ્દીન ખિલજીના આક્રમણથી જૈન મંદિરોને લૂંટતા બચાવે છે. ખાસ કરીને છેલ્લા દસ પંદર વર્ષમાં જ્યારથી ગુજરાતી ફિલ્મો બેઠી થઈ ત્યારથી કેટલાક મ્યુઝીક આલ્બમ પણ દેશભક્તિના ગીતો લઈને આવ્યા છે. ટિપ્સ કંપની દ્વારા ‘દેશ મારો રહે’ નામનું એક દેશભક્તિ ગીત 2022 માં રજૂ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત નોન ફિલ્મ ગુજરાતી ગીતોની વાત કરીએ તો એની સંખ્યા અઢળક છે. ‘વતન મારું’, ‘દેશ છે આઝાદ’, ‘ઝંડા અજર અમર’, ‘ઓ યુવાન ભારતની’, ‘ભારતના સંતાન અમે સૌ’, ‘હોશિયાર હિન્દુસ્તાની’, ‘ઉંચી કરીશું શાન’, ‘ના છડીએ હથિયાર’ જેવા અનેક સુગમ ગીતો આપણને પુરુષોત્તમ ઉપાધ્યાય, સુરેશ વાડકર, મન્ના ડે, મહેન્દ્ર કપૂર, કૌમુદી મુનશી અને અનેક સ્વરકારોના સ્વરે સાંભળવા મળે છે. તો વળી કેટલીકવાર ઝવેરચંદ મેઘાણી દ્વારા જેટલું લોકસંગીત ભેગું કરવામાં આવ્યું છે એમાંથી પણ આપણને કેટલાક દેશભક્તિ ગીતોનો ખજાનો મળી રહે છે.
હવે કૃષ્ણ ભક્તિ તરફ આગળ વધીએ તો એ કિસ્સામાં પણ પરિસ્થિતિ લગભગ સરખી જ છે. શ્રીકૃષ્ણના ગુજરાતી ભજનોથી મોટાભાગના વાચકો પરિચિત હશે જ. કોઈપણ બોલીવૂડના ગીતોની ધૂન પર પોતાના શબ્દો બેસાડીને ગરબા અને કૃષ્ણ ગીતો સરળતાથી બની જતા હોય છે. ‘રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા’ થી લઈને ‘મને એકવાર રાધા બનાવો શ્યામ’, જેવા કૃષ્ણ ગીતો અને ધૂન ન માત્ર ગુજરાતી ફિલ્મોમાં પણ ગુજરાતી રંગભૂમિ પર પણ આજની તારીકે રજૂ કરવામાં આવે છે.
ફિલ્મ ‘જાગ્યા ત્યારથી સવાર’ (1981) માં ઉષા મંગેશકરના સ્વરે ‘મુને કાળા કાનુડે જગાડી આખી રાત’ હોય કે પછી 1974 માં આવેલી ફિલ્મ ‘કુંવરબાઈનું મામેરુ’ થી ‘નાગર નંદજીના લાલ’ ગીત હોય, ‘કાનુડા તારી ગોવાલણ હોય’ કે પછી ‘કાનુડો શું જાણે મારી પ્રીત’ જેવા તાલબદ્ધ ગીતો હોય, આવા અનેક ગીતોને, અનેક ભજનોને ફિલ્મોમાં વિભિન્ન રીતે રજૂ કરવામાં આવ્યા હોય. ‘કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા’, ‘મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે’, કે પછી નરસિંહ મહેતાના પ્રભાતિયા હોય કે મીરાંના ભજન, વિવિધ સ્વરૂપે કૃષ્ણના ભક્તિ ગીતો ફિલ્મમાં અને સ્વતંત્ર ભક્તિ ગીત તરીકે અનેકવાર આપણી સમક્ષ અલગ અલગ રૂપમાં રજૂ થયા જ છે.
જરૂર માત્ર એટલી છે કે ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારના ગીતોની સંખ્યા આજની તારીખમાં ઘણી ઓછી છે. દેશભક્તિ ગીતો હોય કે કૃષ્ણ ભક્તિના ગીત કે પછી રક્ષાબંધન પરનું કોઈ ગીત હોય, આવા અનેક ગીતો પહેલાની ગુજરાતી ફિલ્મમાં આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી જ જતા હતા જે આજની તારીખે આંગળીના વેઢે ગણી શકાય એટલી સંખ્યામાં માંડ જોવા મળે છે. જે પ્રમાણે ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે આપણે એવી આશા રાખવી જોઈએ કે આ પ્રકારના દેશભક્તિ ગીતો અને કૃષ્ણ ભક્તિના ગીતોની સંખ્યા આવનારા સમયમાં ચોક્કસ વધવી જોઈએ.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com



.jpeg)
Comments
Post a Comment