બોક્સઓફિસ પર નવો રેકોર્ડ બનાવશે ‘શુભચિંતક’?
અત્યાર સુધી 2025માં રિલીઝ થયેલી બે ફિલ્મો ‘ઉંબરો’ અને ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ 12 કરોડ રૂપિયાથી વધારાનું બોક્સ ઓફિસ કલેક્શન કરી શકી છે...
ઢોલીવુડ માટે મે મહિનો ઘણો ખાસ રહ્યો છે કારણ કે આ મહિનામાં દરેક અઠવાડિયે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ જ છે. પહેલા ‘શસ્ત્ર’ ત્યારબાદ ‘જય માતાજી લેટ્સ રૉક’, પછી ‘સરપ્રાઇઝ’, પછી ‘ભ્રમ’, ‘પપ્પાનો ઇન્શ્યૉરન્સ’ અને હવે આજે આ મહિનાની છેલ્લી ફિલ્મ ‘શુભચિંતક’ રિલીઝ થઈ ચૂકી છે. માનસી પારેખ ગોહિલ તથા પાર્થિવ ગોહિલના સોલસૂત્ર બેનર હેઠળ બનેલી ‘શુભચિંતક’ ફિલ્મ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે.
કલાકારોની વાત કરીએ તો ફિલ્મ ‘શુભચિંતક’ દ્વારા મરાઠી ફિલ્મોના નામાંકિત કલાકાર સ્વપ્નિલ જોશી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહ્યા છે. માનસી અને સ્વપ્નિલ સાથે આ ફિલ્મમાં વિરાફ પટેલ, દિપ વૈદ્ય, તુષારિકા રાજ્યગુરુ, મોરલી પટેલ, મેહુલ બૂચ, નિસર્ગ ત્રિવેદી, હિતુ કનોડિયા અને અન્ય કલાકારો અભિનય કરતા જોવા મળશે. ઈશા કંસારાનો એક કેમિયો પણ ફિલ્મમાં નિહાળવા મળશે. આ ફિલ્મના કેપ્ટન ઓફ ધ શીપ એટલે કે ડિરેક્ટર તરીકેની જવાબદારી નિસર્ગ વૈદ્યે નિભાવી છે જેમણે ‘હરિ ઓમ હરિ’ ડિરેક્ટ કરી હતી. ફિલ્મ ‘શુભચિંતક’ ની વાર્તાના મુખ્ય ડાયલોગ્સ ચેતન દૈયાએ લખ્યા છે જ્યારે અન્ય વધારાના કેટલાક ડાયલોગ્સ જે પછીથી ઉમેરવામાં આવ્યા છે એ વિરાફ પટેલ અને દીપ વૈદ્યે સાથે મળીને લખ્યા છે.
ફિલ્મ ‘શુભચિંતક’ ની વાર્તા મેઘના નામની એક એવી દીકરી, એક એવી બહેનની આસપાસ ફરે છે જે પોતાના ભાઈની મોતનો બદલો લેવા માંગે છે. સંજય નામના ભ્રષ્ટ રાજનેતાને લીધે એક બ્રિજ તૂટી પડે છે અને એ ઘટનામાં મેઘનાના ભાઈનું મૃત્યુ થઈ જાય છે. આ મોતનો બદલો લેવા માટે મેઘના પોતાના બે સાથીદારો (દીપ વૈદ્ય અને તુષારિકા રાજ્યગુરુ) સાથે મળીને સંજયને હની ટ્રેપમાં ફસાવવાનું કાવતરું ઘડે છે. બીજી બાજુ સંજય, વિશ્વાસ (સ્વપ્નિલ જોશી) ને આ મુસીબતમાંથી બહાર લાવવાનું કામ સોપે છે અને દરેક ફિલ્મની જેમ શરૂ થાય છે ખરા-ખોટા વચ્ચેનો ખેલ...
ફિલ્મ ‘શુભચિંતક’ એક ક્રાઈમ થ્રિલર ડ્રામા ફિલ્મ છે જે ઓડિયન્સને જોઈ તો મસાલો પૂરો પાડી શકે છે. અંદાજે ૩૦ દિવસમાં આ ફિલ્મનું શૂટિંગ પણ આટોપી લેવામાં આવ્યું હતું. ફિલ્મના ગીતોની વાત કરીયે તો એ ઘણી સારી રીતે પ્રમોટ કરવામાં આવ્યા છે જેથી કરીને ઓડિયન્સને આકર્ષી શકાય. આ ઉપરાંત સ્વપ્નિલ જોશી અને માનસી પારેખે ગુજરાતમાં ફિલ્મને સારી એવી પ્રમોટ કરી હતી અને સોશિયલ મીડિયા પર ફિલ્મનો ડંકો વગાડ્યો હતો. આપણો દેશી પારંપારિક ગરબા ‘ઘોર અંધારી રે’ ને પણ ફિલ્મમાં સારી રીતે વણી લેવામાં આવ્યો છે. આ ફિલ્મના ગીતો ભાર્ગવ પુરોહિત તથા પ્રિયા સરૈયાએ લખ્યા છે જ્યારે સંગીત મનોજ ક્રિષ્નાએ આપ્યું છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ સારી દેખાઈ રહી છે.
સોલસૂત્ર પ્રોડક્શનની વાત કરીએ તો આ પહેલા તેમણે ‘ગોળ કેરી’, ‘કચ્છ એક્સપ્રેસ’ અને ગયા વર્ષની બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ ‘ઝમકુડી’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. ‘કચ્છ એક્સપ્રેસ’ ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને માનસીને ‘કચ્છ એક્સપ્રેસ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જેના બાદ રિલીઝ થઈ રહેલી આ તેની પહેલી ફિલ્મ છે. બોક્સ ઓફિસ કલેક્શમાં આ પ્રોડક્શન હાઉસ સૌથી આગળ નીકળી પહેલા નંબરે આવવાની ક્ષમતા ધરાવે છે. સોલસૂત્ર પ્રોડક્શનની છેલ્લી ફિલ્મ ‘ઝમકુડી’ હતી જેણે બોક્સ ઓફિસ પર અંદાજે 25 કરોડ રૂપિયાની અધધધ કમાણી કરી હતી. વળી, વર્ષ 2025 ના શરૂઆતના પાંચ મહિનામાં અભિષેક શાહ ડિરેક્ટેડ ફિલ્મ ‘ઉંબરો’ અને રાહુલ ભોલે તથા વિનીત કનોજીયા ડિરેક્ટેડ મલ્હાર ઠાકરની ફિલ્મ ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ 12 કરોડથી વધારે રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કરી ચૂકી છે. પ્રાપ્ત અંદાજિત આંકડા ઉપર નજર કરીએ તો ‘ઉંબરો’ અત્યાર સુધી 14.45 કરોડ રૂપિયા જ્યારે ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ 13.51 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. એવામાં હવે માનસી પારેખ ગોહિલની ‘શુભચિંતક’ બોક્સ ઓફિસ પર આ તમામ આંકડાઓ પાર કરી શકશે કે નહીં એ જોવું રસપ્રદ રહેશે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com



Comments
Post a Comment