માની મમતાને વાચા આપતી ફિલ્મ એટલે 'મોમ તને નહીં સમજાય'

દમદાર ડાયલૉગ્સ અને લાગણીઓના ભાવમાં વહેતી આ વાર્તા લોકોને કેટલી સ્પર્શે છે એ જોવું રસપ્રદ રહેશે



મજેદાર કોમેડી ગુજરાતી ફિલ્મ એવી ‘જયસુખ ઝડપાયો’ બનાવ્યા બાદ ડિરેક્ટર ધર્મેશ મહેતા હવે એક મજેદાર લાગણીશીલ ફિલ્મ લઈને આજે થિયેટરમાં ઉતર્યા છે. ફિલ્મનું નામ છે ‘મોમ તને નહીં સમજાય’. ફિલ્મનું આ શીર્ષક જ ફિલ્મની ઓળખ છે. આ મજેદાર ફિલ્મ આજે થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે જેમાં નિઃસ્વાર્થપણે પોતાના પરિવાર માટે જીવતી એક માની મમતાને અને તેની લાગણીઓને વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.



ફિલ્મ ‘મોમ તને નહીં સમજાય’ માં અમર ઉપાધ્યાય અને રશ્મિ દેસાઈની જોડી પહેલીવાર એકસાથે જોવા મળશે. આ સાથે ફિલ્મમાં વૃતિ વાઘાણી, નમીત શાહ, હેમાંગ દવે, તેજલ વ્યાસ, અને અન્ય કલાકારો અભિનય કરતા જોવા મળશે. ધર્મેશ મહેતા દિગ્દર્શીત આ ફિલ્મમાં સચીન-જીગરનું સંગીત માણવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વિદેશી પૃષ્ઠપટ પર બનેલી છે અને જાણીતા વાર્તાકાર ચી ટેંગ જો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

રશ્મિ દેસાઈ પર આલેખવામાં આવેલી આ ફિલ્મમાં તે એક માતાની ભૂમિકા ભજવી રહી છે. ઘરમાં બાળકો મોટા થઈ રહ્યા છે અને જુવાનીના જોશમાં તેઓ પોતાના કરિયર પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં વ્યસ્ત છે. આવી પરિસ્થિતીમાં તેમને બધી વસ્તુ સમયસર આપવામાં, તેમના માટે ઘરની બધી વસ્તુઓ બરાબર રેડી કરી રાખવામાં એક મા ક્યારેય પાછળ નથી પડતી. બાળકોને તેમની ભૂલ અંગે ટોકતી મા, તેમને પોતાના માથે કકળાટ કરતી લાગે છે. ઓછામાં વધારે જ્યારે તેનો પતિ (અમર ઉપાધ્યાય) પણ તેનો પક્ષ લેવાને બદલે પોતાની પત્નીને જ મહેણા મારે છે ત્યારે એક માને, એક સ્ત્રીને પોતાની જાત પ્રત્યે સવાલો ઊભા થાય છે, તેના નિઃસ્વાર્થ પ્રેમને જ્યારે તેના જ પરિવારજનો અવગણે છે ત્યારે વજ્રઘાત થયો હોવાની લાગણી અનુભવાય છે. 



ફિલ્મના ડાયલોગ્સ ઘણાં સરળ પણ ઘાતક સાબિત થાય એવા છે. એકબાજુ જ્યાં બાળકો પોતાની જનેતાને પોતાની વ્યક્તિ જીંદગીમાં ચચૂંપાત કરવાની ના પાડે છે ત્યારે મારી જીંદગી મારા રૂલ્સના બણગા હાકે છે અને આ વાતની જાણ જ્યારે એક મા એ જ બાળકોના પિતાને કરે છે ત્યારે તેને કહેવામાં આવે છે કે આપણે બાળકોને માત્ર પાંખો આપી શકીયે છીએ, કઈ ડાળ પર બેસવું એ તો તેમણે જ નક્કી કરવાનું હોય છે. આ ધારદાર વાતનો વળતો જવાબ એક મા આપે છે અને કહે છે કે પક્ષી ભલે આકાશમાં ઉંચે ઉડે પણ એ પાછો આવીને ડાળ પર જ બેસે છે. કહેવાનો તાત્પર્ય માત્ર એટલો કે બાળકો ભલે ગમે ત્યાં બહાર જાય, ભૂલ કરે, પડે, શીખે પણ અંતે તો તે પોતાના ઘરે જ આવવાના છે ને... આ વાતને ફિલ્મમાં ખૂબ જ સારી રીતે વ્યક્ત કરવામાં આવી છે. 



સામાન્યપણે એવું જોવા મળે છે કે એક સ્ત્રી પોતાના બાળકો અને પરિવાર માટે મોટાભાગનો સમય અને જીવન ખર્ચી નાખતી હોય છે પણ પોતાના વ્યક્તિગત જીવનમાં કે ગ્રોથમાં એ ભાગ્યે જ નજર કરે છે. ખાસ કરીને, મા બન્યા પછી. એવામાં જ્યારે તેને પરિવારજનો પાસેથી જ પ્રેમ ન મળે ત્યારે તેને પોતાના અસ્તિત્વ પર પ્રશ્ન થાય છે. જવાબદારીઓના ઓથા નીચે દબાઈ ગયેલા સપનાઓને મા બન્યા પછી પણ પૂરા કરી શકાય છે એ વાત પણ આ ફિલ્મમાં સારી રીતે વ્યક્ત કરવામાં આવી છે.

જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ‘કાશી રાઘવ’ અને ‘વિક્ટર 303’ ની દમદાર શરૂઆત થયા બાદ ફિલ્મ ‘મોમ તને નહીં સમજાય’ દર્શકોને કેટલી સમજાય છે અને ફિલ્મનો સુંદર મેસેજ કેટલો સરળતાથી ગળે ઉતરે છે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com





Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં