સંબંધોની સોડમ મહેકાવશે નાનખટાઈ

ઢોલીવૂડની આ પહેલી એન્થોલૉજી ફિલ્મમાં મૌન પણ ઘણું બધું કહી જશે



ગયા વર્ષે ઢોલીવૂડમાં એક ફિલ્મ રિલીઝ થઈ હતી જે બોક્સ ઓફિસ પર ખાસ્સો કમાલ તો નહોતી કરી શકી પણ તેના ગીત-સંગીતે લોકોના મનના તાર છેડી દીધા હતા અને એ ફિલ્મ હતી ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની’. આ ફિલ્મને ડિરેક્ટ કરી હતી પ્રીત સિંહ ગોહિલે જેમાં મિત્ર ગઢવી, હિતેન કુમાર, તત્સત મુનશી, દેવર્ષિ શાહ, સિદ્ધિ ઇદનાની, સૂચેતા ત્રિવેદી અને અન્ય કલાકારો જોવા મળ્યા હતા. આજ ડિરેક્ટર અને કેટલાક કલાકારો અન્ય એક ફિલ્મ લઈને આજે થિયેટરમાં આવ્યા છે જેનું શીર્ષક છે ‘નાનખટાઈ’. 

ફિલ્મ ‘નાનખટાઈ’ ગુજરાતી સિનેમા જગતની પહેલી એન્થોલૉજી ફિલ્મ છે. એન્થોલૉજી એટલે એમાં ત્રણ જુદી જુદી કથાઓ જોવા મળશે અને એ દરેક વાર્તા એકબીજાથી અલગ હશે પણ એક સાથે મળીને તેઓ જીવનની મીઠાશ અને જીવનમાં સંબંધોની સોડમ કઈ રીતે મહેકી શકે છે એ વાત રજૂ કરશે. જે પ્રમાણે આ એન્થોલૉજી ફિલ્મ બનાવવામાં આવી છે એ પ્રમાણે ત્રણ અલગ અલગ કથાઓને વર્ણવવા માટે સ્ટારકાસ્ટ પણ દમદાર પસંદ કરવામાં આવી છે, જેમાંના મોટાભાગના કલાકારોની જોડી પહેલીવાર રૂપેરી પડદે જોવા મળશે.

ત્રણ કથાઓમાંની પહેલી કથા રઘુવીર સિંહ ચુડાસમા (મિત્ર ગઢવી) અને સીતા બા ચુડાસમા (દીક્ષા જોશી) ની આજુબાજુ ફરે છે. ફિલ્મમાં આ એક એવું કપલ છે જે ગામડાના ખૂબ જ સામાન્ય પરિવારથી શહેરમાં પોતાના સપના પૂરા કરવા આવે છે. એક સામાન્ય માણસના મનમાં જે મોટા-મોટા સપના હોય છે એ પૂરા કરવા માટે તેઓ અનેક કપરી પરિસ્થિતીમાંથી પસાર થાય છે. નાણાકીય તંગીમાં જીવતા ઇલેક્ટ્રીશન રઘુને સીતા દરેક પરિસ્થિતિમાં સાથ સહકાર આપે છે, પ્રેમ આપે છે. તેઓ એકબીજાની લાગણીઓ, એકબીજાની ખુશી માટે દરેક પગલાં લેવા તત્પર રહે છે.  વાસ્તવિક જીવનમાં અથાગ મહેનત કરી પોતાના પરિવાર માટે ઘર બનાવવાની મહેનત કરતો વર્ગ આ દંપત્તીથી ઘણો પ્રભાવિત થશે. કપરા સંજોગોમાં એકમેકને સાથ સહકાર આપવાની વાત અને નાની નાની વાતોમાં ખુશીની બે ક્ષણ કઈરીતે છીનવી લેવી એ આ કપલ પાસેથી જાણવા મળે છે. 

બીજી બાજુ શૈફ મૈથિલી (ઈશા કંસારા) અને પ્રોફેસર રામ (તત્સત મુનશી) ની વાર્તા છે. આ એક એવું કપલ બતાવવામાં આવ્યું છે જે પ્રેમ તો કરવા માંગે છે પણ પોતાના મનની લાગણીઓ એકબીજાને કહેતા ડરે છે. ખાસ કરીને મૈથિલીનું પાત્ર એક એવું પાત્ર બતાવવામાં આવ્યું છે જે પ્રેમ કરતા ખચકાય છે. આધુનિક શહેરમાં રહેતા રામનું પાત્ર ધીર ગંભીર અને ભોળપણ સાથે વણાયેલું છે જ્યારે મૌથિલીનું પાત્ર ઓછા શબ્દોમાં ઘણી વાત કહી દેવાની તાકાત ધરાવે છે.  મનમાં પાંગરી રહેલા પ્રેમને વાચા આપવામાં તેઓ નિષ્ફળ રહે છે. આ પાત્રો દ્વારા ફિલ્મમેકરે લવલેટર લખાતા હોવાના જમાનાને તાજો કરવાનો પ્રયાસ કર્યો છે. વળી સમાજ પોતાની મનમરજી મુજબ કઈ રીતે એક નિર્દોષ પ્રેમને પાંગરતા પહેલા જ ખતમ કરી નાખે છે એ મુદ્દાને પણ આ સંબંધમાં આવરી લેવામાં આવ્યો છે.

ત્રીજી વાર્તા એક પિતા અને દીકરાના સંબંધની વાતચીત કરે છે જેમાં પોલીસ અધિકારી મહાદેવના પાત્રમાં હિતેનકુમાર અને તેમના પત્ની સરસ્વતીના પાત્રમાં કલ્પના ગાગડેકર જોવા મળે છે. આ દંપતિના દીકરા સૂર્યાના પાત્રમાં મયુર ચૌહાણ (માઇકલ) અને તેની પ્રેયસી ગૌરીના પાત્રમાં તર્જની ભાડલા અભિનય કરતી જોવા મળે છે. આ ત્રીજી વાર્તામાં બાપ દીકરા વચ્ચેના ખાટા મીઠા સંબંધને દર્શાવવામાં આવ્યો છે. તેમની વચ્ચે એકબીજા માટે અવ્યક્ત પ્રેમ તો છે પણ સાથે સાથે વિચારોમાં મતભેદ પણ છે અને આ મતભેદને કારણે ક્યારેક મનભેદ થવાની પરિસ્થિતિ નિર્માણ થઈ જાય છે અને દરેક ઘરની જેમ મા એ વચ્ચે આવીને સુલેહ કરાવવી પડે છે.  પણ જ્યારે આ જ મા, બાપ અને દીકરાના જીવનમાંથી કાયમ માટે ખસી જાય ત્યારે શું? મા ના હાથની બનેલી રસોઈ તેની ગેરહાજરીમાં યાદ આવવી અને તેના રસોઈની રેસિપી જે નોટબુકમાં લખી હોય એ વાંચીને બાપ-દીકરા સાથે રસોઈ બનાવતા થાય, એકબીજાના ખબર-અંતર પૂછતા થાય, એ પ્રેમની અવ્યક્ત ભાષાનું જ એક રૂપ છે. સમયાંતરે જે ગૌરી પણ સૂર્યાને તેની ભૂલ બતાવી સાચા રસ્તેે લાવાવનો પ્રયાસ કરતી જોવા મળે છે. 

પ્રેમના વિધવિધ રૂપ સાથે તૈયાર થયેલી આ ત્રણેય કથાઓ એ વાતની સાબિતી છે કે પ્રેમ કોઈ ગામડા કે શહેર, શિક્ષીત-અશિક્ષીત વચ્ચે ભેદ નથી કરતો. તે માત્ર ‘નાનખટાઈ’ જેવી મીઠી અનુભૂતિ હોય છે, જેને માણ્યા બાદ વાગોળવી ગમે. ટૂંકમાં આ ત્રણે ત્રણ કથાઓના કેન્દ્રબિંદુમાં વ્યક્તિઓ અને સંબંધો વચ્ચે પ્રેમ, પ્રેમની લાગણી અને અનુભૂતિની વાત કરવામાં આવી છે, જે દરેક વ્યક્તિને પોતાની વાર્તા જ લાગશે. 

જોકે દરેક ફિલ્મોમાં પ્રેમની વાત તો હોય જ છે પણ અહીં ડિરેક્ટરના કેમેરાથી અને તેમની દૂરંદેશીથી એવા મુદ્દાઓને સ્પર્શવામાં આવ્યા છે જેની વાત ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. દિગ્દર્શક તરીકે પ્રીતે મૌનને પણ અહીં બોલતો કર્યો છે. ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની તાકાત પ્રીતની ફિલ્મોની જાણે કે ખાસિયત છે. ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની’ માં પણ એવા ઘણા દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા હતા જેમાં માત્ર નજરોથી અને સંગીતથી વાત રજૂ કરવામાં આવી હતી. વરસાદ અને ચંપાના ફૂલે એ ફિલ્મની સિનેમેટોગ્રાફીને ચાર ચાંદ લગાડી દીધા હતા અને અહીં ‘નાનખટાઈ’ માં પણ ફિલ્મની સિનેમેટોગ્રાફી અને તેનું સંગીત સૌથી સબડું પાસુ છે. ફિલ્મનું સંગીત ઇશા કંસારાના હસબન્ડ સિદ્ધાર્થ ભાવસારે આપ્યું છે, જેમણે ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની’ માં પણ સંગીતકાર તરીકે ફરજ બજાવી હતી. ગીતકાર તરીકે નરેન ભટ્ટ, ભાર્ગવ પૂરોહિત અને સિદ્ધાર્થ ભાવસારે રચ્યા છે.

‘વેનીલા આઇસ્ક્રીમ’ બાદ ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની’ લાવનારા પ્રીત સિંહ ગોહિલે જ ‘નાનખટાઈ’  ફિલ્મ લખી છે અને ડિરેક્ટ કરી છે. આમ તો આ ફિલ્મ પહેલા આઠમી ઓગસ્ટે રિલીઝ થવાની હતી પણ કેટલાક કારણસર એને મોકૂફ રાખીને પાંચમી સપ્ટેમ્બરે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 

Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં