ઢોલીવુડમાં મહાદેવનો મહિમા

ન માત્ર ફિલ્મોમાં પણ સુગમ સંગીતમાં પણ શિવભક્તિ અતૂટ છે



હાલમાં ચાલી રહેલા શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની મહિમા સૌ કોઈ ગાઈ રહ્યું છે, તો એમાં આપણું ઢોલીવૂડ કઈ રીતે પાછળ રહી જાય. ગુજરાતી સિનેમા જગતમાં ગરબાઓ જે પ્રમાણે પોતાનું એક અલગ સ્થાન ધરાવે છે એ પ્રમાણે કાનુડાના ભજન અને મહાદેવની સ્તુતિઓ પણ એક અલગ સ્થાન ભજવે છે. 

ગુજરાતી સિનેમા જગતમાં મહાદેવના જે ગીતો રચવામાં આવ્યા છે એની સંખ્યા અન્ય ભજનો અને ગરબાઓની સરખામણીમાં ઓછી જરૂરથી કહી શકાય પણ તે છતાં એ શિવ ભક્તિના ગીતોએ પોતાની છાપ છોડવામાં કોઈ કસર બાકી નથી રાખી.

ન માત્ર ગુજરાતી ફિલ્મમાં પણ સુગમ સંગીતને આવરીને શિવ શંકરની ભક્તિ કરતા ગીતોની વાત કરીએ તો અનેક એવી સ્તુતિઓ છે જેને આપણે કાયમ ગણગણતા રહીએ છીએ. સૌથી પહેલા ગુજરાતી ફિલ્મોમાં જ વાત કરીએ તો ‘માનવીની ભવાઈ’ ફિલ્મ જે 1993 માં આવી હતી, આ ફિલ્મ જોનારા લોકો જાણતા જ હશે કે આ ફિલ્મની શરૂઆત જ ભગવાન ભોળાનાથના એક ગીતથી કરવામાં આવે છે જેમાં તેમને જટાડા જોગંદર તરીકે સંબોધવામાં આવે છે. આ ગીત, પ્રાર્થનામાં ત્રિપુરારીને સુક્કીભટ્ટ થયેલી ધરતી પર વરસાદ વરસાવવાની વિનંતી કરવામાં આવે છે અને આ ફિલ્મની આખી વાર્તા પણ આપણને ખબર જ છે.  

આ સિવાય અન્ય એક ગીત એવું છે જે ખૂબ જ લોકપ્રિય છે પણ એ ગીતનું ફિલ્માંકન ભાગ્યે જ લોકોને યાદ હશે. ફિલ્મ ‘જેસલ તોરલ’ (1971) ના અંતમાં જાડેજાને રાજન  સામે પોતાની ભક્તિ અને પોતાનું તપ સાબિત કરવાની પરિસ્થિતિ સર્જાઈ આવે છે. ત્યારે શિવ મંદિરમાં બિરાજેલી નંદીની પ્રતિમાને પોતાના તપ વડે તૃણ ખવડાવવાનો તેને પડકાર આપવામાં આવે છે. આવી પરિસ્થિતીમાં ભોળાનાથ અને નંદીની પ્રતિમા જાડેજાની લાજ રાખતા તેના હાથે ઘાસ ખાય છે. આ પરિસ્થિતિમાં જાડેજાનું તપ દુનિયા સમક્ષ પવિત્ર સાબિત થાય છે પણ તેનો હવે આ જગત પરથી વિશ્વાસ ઉઠી જાય છે અને તે શિવ મંદિરમાં જ શિવની પ્રતિમા સામે સ્વર છેડે છે કે ‘બુજાઈ જા કાચી માટીના મારા કોયડા, જગમાં જડવાનું હવે કાંઈ નથી.’ 

ત્યારબાદ વાત કરીએ એ એવા ગીતની જેને મોહમ્મદ રફીએ સ્વર આપ્યો છે અને એ ફિલ્મ છે ‘સતી જસમા ઓડણ’. ચંદ્રકાંત સાંગાણી દિગ્દર્શિત આ ફિલ્મ 1976 માં આવી હતી અને ફિલ્મની શરૂઆત જ શિવ સ્તુતિથી કરવામાં આવે છે. મોહમ્મદ રફીએ આ ફિલ્મમાં ભગવાન શંકરના ગુણગાન ગાતા જે ગીતને સ્વર આપ્યો છે એ ગીતના શબ્દો છે ‘દેવોમાં તું મહાદેવ તારો મહિમા અપરંપાર’. આ ગીત આજની તારીખે પણ આપણને સાંભળવા મળે છે. આટલું નહીં પણ ‘માલવપતિ મુંજ’ (1976) જેવી ફિલ્મોના નાયક પણ ભગવાન શિવની સ્તુતિ કરતા દર્શાવવામાં આવ્યા છે. 

ફિલ્મોની દુનિયામાંથી બહાર આવીયે તો ભોળાનાથના અનેક ભજનો અને ગીતોનો ખજાનો આપણને સૌને મળેલો જ છે. નારાયણ સ્વામીના સ્વરમાં ગવાયેલું અત્યંત લોકપ્રિય ભગવાન શિવનું ગીત એટલે ‘શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો’ પોતાની આગવી ધૂન અને સ્તુતિ માટે લોકહૈયે વસેલું છે. આ ઉપરાંત ‘અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરુ’, ‘ઓમ હર હર નટરાજ’, ‘ભોર સમયે ભવ’, ‘મેં તો તારવી’, ‘કહે મને ભોળાનાથ’, ‘બમ બમ ભોલેનાથ’, ‘હર હર શંભુ ભોળા’ જેવા અનેક સુગમ ગીતો આપણને આજની તારીખમાં ભાગ્યે જ સાંભળવા મળે છે. 

હાલમાં સમયમાં જે ગુજરાતી ફિલ્મો બની રહી છે એમાં મોટાભાગે ગરબાને જ સામેલ કરવામાં આવે છે જેથી કરીને ફિલ્મમેકર દર્શકોને આકર્ષી શકે અને બે પૈસા વધારે કમાઈ શકે પણ આ વિચારધારામાં ક્યાંક અન્ય દિશા તરફ ધ્યાન નથી આપી શકાતું. ન માત્ર શિવ શંકરની સ્તુતિઓ જ પણ અન્ય દેવી-દેવતાના ગીતો, ભજનો અને સ્તુતિને આજની ગુજરાતી ફિલ્મોમાં સ્થાન આપવામાં નથી આવતું. ગુજરાતી ફિલ્મ મેકરો પોતાની વાર્તા સાથે અનેક નવા પ્રયાસો કરતા રહે છે એવામાં જો ગીતો તરફ પણ કંઈક આ પ્રકારના પ્રયાસ ફરીથી શરૂ કરવામાં આવે તો ગુજરાતી દર્શકોને આકર્ષવાનો વધું એક નુસ્ખો પણ ફિલ્મમેકરોને મળી શકે છે. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 



Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’