મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં

આ ફિલ્મ ‘હું ઈકબાલ’ નો પાર્ટ 2 નથી પણ સંપૂર્ણપણે નવી વાર્તા છે પણ હા આ ફિલ્મમાં ‘હું ઈકબાલ’ ના ચાહકો માટે સરપ્રાઇઝ છે ખરુ...



વર્ષ 2023 ના ફેબ્રુઆરી મહિનામાં ડિરેક્ટર પલ્લવ પરીખ ‘હું ઈકબાલ’ નામની એક થ્રીલર ફિલ્મ લઈને આવ્યા હતા. આ ફિલ્મનો કોન્સેપ્ટ એટલો જબરદસ્ત હતો કે આ ફિલ્મનો બીજો પાર્ટ ક્યારે આવશે એની ચર્ચાએ ‘હું ઈકબાલ’ ની રિલીઝના પહેલા દિવસથી જોર પકડ્યું હતું. ફિલ્મની એ જ સ્ટારકાસ્ટ અને એ જ ટીમ લઈને પલ્લવ પરીખ આજે બીજી એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ લઈને આવ્યા છે જેનું નામ છે ‘ભ્રમ’.

થિયેટરમાં આવતા પહેલા જ ‘ભ્રમ’ લોકોના માટે ચર્ચાનો અને આકર્ષણનો વિષય બની ચૂકી હતી અને એનું એકમાત્ર કારણ હતું ‘હું ઈકબાલ’ ની સફળતા. આ ફિલ્મનું શૂટિંગ જ્યારથી શરૂ થયું હતું ત્યારથી સૌ કોઈને એમ જ લાગતું હતું કે આ ફિલ્મ ‘હું ઈકબાલ’ નો પાર્ટ 2 હશે પણ એવું જરાય નથી. ‘હું ઈકબાલ’ અને ‘ભ્રમ’ બંને અલગ અલગ વિષયો પર બનેલી ફિલ્મો છે અને આ બંને ફિલ્મો વચ્ચે કોઈ સામ્યતા નથી. હા, બંને ફિલ્મો બનાવનારી ટીમ એક જ છે અને એ જ એમાં એકમાત્ર સામ્યતા છે. 

ફિલ્મ ‘ભ્રમ’ ની વાત કરીએ તો આ ફિલ્મ એક ડિમેન્શિયાની દર્દી માયા (સોનાની લેલે દેસાઈ), તેની દીકરી શ્રદ્ધા (નિશ્મા સોની) અને તેના કેરટેકર મેહુલ (મિત્ર ગઢવી) ની આજુબાજુ વણાયેલી છે. ડિમેન્શિયાને કારણે માયા વાસ્તવિકતા અને કાલ્પનિકતા વચ્ચેનો ભેદ સમજી નથી શકતી અને એક ભ્રમમાં જીવતી રહે છે. તેને એવો ભ્રમ છે કે કોઈએ તેની દીકરીનું ખૂન કરી નાખ્યું છે અને એ ભ્રમમાં ને ભ્રમમાં તે એક દિવસ પોલીસને ફોન કરીને પોતાની દીકરીનું ખૂન થયું હોવાની જાણ કરી દેય છે. જ્યારે પોલીસ ઇન્સપેક્ટર રાકેશ પરમાર (અભિનય બેન્કર) તપાસ માટે ઘરે આવે છે ત્યારે માયાની દીકરીને પોતાની સામે જીવતી ઊભેલી જુએ છે. 

સામાપક્ષે મેહુલ પોલીસને વારંવાર એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે માયા જે કંઈપણ કહી રહી છે એ માત્ર તેનો ભ્રમ છે, વાસ્તવિકતા નથી. તેમ છતાં પોલીસ પોતાની તપાસ કરતી રહે છે અને એ તપાસમાં ને તપાસમાં તેમને ઘરમાંથી એક લાશ મળી આવે છે. હવે એ લાશ કોની છે, કોણે એ વ્યક્તિનું ખૂન કર્યું છે, ખૂન થયેલી લાશ માયાના ઘરમાં કેવી રીતે આવી, ઘરમાં માત્ર જો ત્રણ લોકો રહેતા હોય તો આ ચોથી વ્યક્તિ કોણ હતી જેવા અનેક સવાલોના જવાબ આ ફિલ્મમાં મળશે. ખાસ તો, એ જે-તે વ્યક્તિનું ખૂન કર્યું કોણે, એ જોવું અને જાણવું રસપ્રદ છે. ફિલ્મનો છેલ્લો અડધો કલાકનો ક્લાઇમેક્સ જરાપણ ચૂકવા જેવો નથી. ટૂંકમાં એમ કહી શકાય કે ફિલ્મનો ફર્સ્ટ હાફ સોનાલી લેલે દેસાઈના નામે રહે છે, તો ફિલ્મનો સેકેન્ડ પાર્ટ મિત્ર ગઢવીના નામે... અભિનય અને નિશ્મા બંને પાર્ટમાં છવાયેલા રહે છે. ફિલ્મમાં ‘હું ઈકબાલ’ ની મુખ્ય અભિનેત્રી આર.જે દેવકીનો નાનકડો કેમિયો પણ ‘ભ્રમ’માં જોવા મળશે છે અને હા... ‘હું ઈકબાલ’ ના પાર્ટ 2 ની રાહ જોતા દરેક ઢોલીવૂડ પ્રેમીઓ માટે ‘ભ્રમ’ માં એક સરપ્રાઇઝ પણ આપવામાં આવ્યું છે. 

ઢોલીવુડ ટૉકીઝે ફિલ્મ ‘ભ્રમ’ ના તમામ કલાકારો સાથે વિગતવાર ચર્ચા કરી અને તેમના અનુભવો જાણવાના પ્રયાસ કર્યો હતો. માયાનું પાત્ર ભજવનાર સોનાલી લેલે દેસાઈના મતે તેમના માટે એક ડિમેન્શિયાના દર્દી (જે દરેક વાતો ભૂલી જાય છે) નું પાત્ર ભજવવું થોડું પડકારજનક તો હતું જ કારણ કે અત્યાર સુધી તેમણે મોટાભાગે સોફ્ટ કેરેક્ટર ભજવ્યા છે, અને આ ફિલ્મમાં તેમનું કેરેક્ટર ક્યારેક સમજૂ વાત કરે છે તો ક્યારેક રમૂજ... ફિલ્મમાં નાના-નાના ટૂચકાઓ દ્વારા હાસ્યનું ઉમેરણ કરવાનો પણ પ્રયસા કરવામાં આવ્યો છે, જેમાં સોનાલીનું પાત્ર ખીલી ઉઠે છે. જે વ્યક્તિને કશું યાદ રહેતું નથી એ કઈ રીતે પોતાની જીંદગી જીવી શકે છે એ વાતનો પણ એક અંદાજ અહીં આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

પોલીસ અધિકારી તરીકે અભિનય બેન્કર આખી ફિલ્મમાં છવાયેલા રહે છે. એકક્ષણે જ્યાં લાગે છે તેણે કેસ સોલ્વ કરી લીધો છે ત્યાં કંઈક એવું બને છે કે હરીફરીને તે પાછો ત્યાંનો ત્યાં જ આવી જાય છે, જ્યાંથી શરૂઆત કરી હતી. દરેક ફિલ્મની જેમ અહીં પણ પોલીસની જીતમાં વિલનની હાર અને પોલીસની હારમાં વિલનની જીત દેખાય છે. પલ્લવ પરીખ સાથે અભિનય બેન્કરની આ પહેલી ફિલ્મ છે અને આ સંદર્ભે ફિલ્મ ‘ભ્રમ’ ની વાત કરતા અભિનયે ઢોલીવૂડ ટૉકિઝને જણાવ્યું કે આ ફિલ્મમાં પોલીસ અધિકારી તરીકેના પાત્રની ભજવણી વખતે તેઓ સંપૂર્ણપણે ડિરેક્ટરને સમર્પિત થઈ ગયા હતા કેમ કે આ પોલીસ અધિકારીનું પાત્ર કોઈ સ્ટીરિયોટાઇપ પોલીસનું પાત્ર નથી પણ ફિલ્મના એક અતિમહત્ત્વના ઘટનાચક્રનો હિસ્સો છે, જે કોઈપણ ભોગે કેસનો ઉકેલ લાવવા માંગે છે, પણ અંતમાં તે કેસ સોલ્વ કરી શકે છે કે નહીં એ જોવા થિયેટરની મુલાકાત લેવી જ પડશે. ફિલ્મના ક્ષણે-ક્ષણે એટલી વાઉ મોમેન્ટ્સ છે કે કોઈપણ મોમેન્ટ ચૂકી જવા જેવી નથી.

‘સિકંદર’ માં સલમાન ખાન કામ કરી ચૂકેલા મિત્ર ગઢવી ફિલ્મ ‘ભ્રમ’ નું એક અતિમહત્ત્વનું પાસું છે. એક કેરટેકર તરીકે તે માયા અને શ્રદ્ધાની સંભાળ રાખે છે, એવામાં તેનું પાત્ર રક્ષક જ ભક્ષક બનશેની વાત સાબિત કરશે કે કેમ એ જોવું રસપ્રદ છે. કેરટેકર મેહુલ માયા અને શ્રદ્ધાને બચાવનારો છે કે ફસાવનારો છે કે કોઈ ત્રીજી જ વાત પડદા પાછળ છુપાયેલી છે, એ જોવા જાણવા ફિલ્મ ‘ભ્રમ’ એક વાર જોવી પડે. વળી, ઇન્ટરવલ પછી મિત્રનું પાત્ર એક એવા અંદાજમાં જોવા મળશે જેની કલ્પના કદાચ ગુજરાતી પ્રજાએ નહીં કરી હોય. કોમેડી, ફેમિલી ડ્રામા અને રોમાન્ટિક ફિલ્મો કર્યા બાદ મિત્ર એક સિરીયસ અને ઇન્ટેન્સ કેરેક્ટરમાં જોવા મળ્યો છે. 

હવે વાત કરીયે શ્રદ્ધાનું પાત્ર ભજવી રહેલી નિશ્મા સોનીની જેની આ બીજી જ ગુજરાતી ફિલ્મ છે. આ પહેલા તે ‘મૃગતૃષ્ણા’ નામની ફિલ્મમાં જોવા મળી હતી. મેહુલ બાદ, શ્રદ્ધાનું પાત્ર એકમાત્ર એવું પાત્ર છે જેના પર શંકાની સોઈ જાય છે અને પોતાના કેરેક્ટરને વફાદાર રહીને ન માત્ર નિશ્માએ પણ ફિલ્મના અન્ય ત્રણેય કલાકારોએ પોત-પોતાનાપાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. મર્ડર મિસ્ટ્રી જેવી ફિલ્મમાં અભિનય કરવા માટે માનસિક અને વૈચારિક રીતે ઘણા મજબૂત રહેવું પડે અને નિશ્માનું પાત્ર સૌ કોઈને ગમી જાય એવું છે.

ફિલ્મનું થીમ મ્યુઝિક વાર્તાને અનુરૂપ રોચક છે. દર્શકોને ફિલ્મ વચ્ચે થોડી કંટાળાજનક થઈ રહી હોય એવો ભ્રમ થશે પણ ‘ભ્રમ’ ની વાર્તા તમને પોતાની સાથે બાંધી રાખશે. ‘હું ઈકબાલ’ કરતા ‘ભ્રમ’ ચડિયાતી છે કે કેમ, જો એવો પ્રશ્ન થતો હોય તો કદાચ આ પ્રશ્ન અયોગ્ય કહેવાશે, કેમ કે બંને ફિલ્મોની સરખામણી થઈ શકે એમ નથી. બંને ફિલ્મોની વાર્તા સંપૂર્ણપણે અલગ છે. મૂળ તો ફિલ્મ ‘ભ્રમ’ પહેલા 16 મી મે ના રોજ રિલીઝ થવાની હતી પણ દેશમાં સુરક્ષાના પગલે જે ગતિવિધીઓ ચાલી રહી હતી એને લીધે ફિલ્મને એક અઠવાડિયુ મોકૂફ કરવામાં આવી હતી. ફિલ્મના કલાકારોના મતે ‘ભ્રમ’ દર્શકો માટે ઘણા વાઉ ફેક્ટર લઈને આવી છે, જે તેમને ચોક્કસ ગમશે. 



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

  1. કઈક બોહું નવીન જે ગુજરાતી સિનેમા પ્રત્યે રુચિ જગાડે અને જીગ્નેશ વધારે
    Thanks to Brahma team and wish you all the best

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?