એક રાતમાં બનતી બે ઘટનાની કહાણી એટલે ‘અજબ રાતની ગજબ વાત’

આરોહી પટેલના વનલાઇનર્સ અને ભવ્ય ગાંધીના રોમાન્સથી ભરપૂર છે નવોદિત ડિરેક્ટર પ્રેમ ગઢવીની આ ફિલ્મ 



દરેક ફિલ્મમેકર એમ ઈચ્છતો હોય છે કે એ પોતે એવી ફિલ્મ બનાવે જે લોકોને આકર્ષે અને ગમે. આ માટે તેઓ નીતનવા પ્રકાર શોધતા રહે છે. ક્યારેક કોઈ ફેમસ લોકેશન પર શૂટિંગ કરી આવે, તો ક્યારેક કોઈક મોટા આર્ટિસ્ટનો કેમિયો કરાવી આપે. ઢોલીવૂડમાં આજે એવી જ એક ફિલ્મ રિલીઝ થઈ છે જેમાં સ્ટોરી તો સારી છે જ, સાથે સાથે સારી સિનેમેટોગ્રાફી, એડિટીંગ પણ છે અને કેટલાક કલાકારોનો કેમિયો પણ છે. આ ફિલ્મના મૂળ અભિનેતા-અભિનેત્રીની જોડી પણ પહેલી જ વાર રૂપેરી પડદે જોવા મળી રહી છે. પાવરા એન્ટરટેઇનમેન્ટ નિર્મીત આ ફિલ્મનું નામ છે ‘અજબ રાતની ગજબ વાત’.



‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નો ઓરિજીલ ટપુ એટલે કે ભવ્ય ગાંધી અને આરોહી પટેલની જોડી પહેલીવાર એક સાથે આ ફિલ્મ થકી જોવા મળી રહી છે. તેમના ઉપરાંત ફિલ્મમાં કોમેડીયન દીપ વૈદ્ય, આર.જે. રાધિકા બારોટ અને આર.જે. હર્ષ ઠક્કર, નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, ભરત ઠક્કર અને દિપીકા રાવલ, યશ્વી મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મૂળત: આ ફિલ્મ પહેલા મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં રિલીઝ થવાની હતી અને એ જ અઠવાડિયામાં ‘સમંદર’ સાથે આ ફિલ્મનો ક્લેશ થવાનો હતો પણ ‘અજબ રાતની ગજબ વાત’ ની તારીખ મોકૂફ રખાતા ‘સમંદર’ને મોકળો માર્ગ મળ્યો હતો. ‘અજબ રાતની ગજબ વાત’ પ્રેમ ગઢવીની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ છે અને આ ડિરેક્ટરના કામકાજમાં કિલ્લોલ પરમારે પણ તેમનો સાથ પૂરાવ્યો છે. ફિલ્મના લેખન કાર્યમાં પ્રેમ ગઢવી, અદિતી વર્મા અને નિકીતા શાહની ત્રિપુટી કામે લાગી હતી.



  

જેમ કે નામ પરથી જ ખબર પડે છે ફિલ્મની વાર્તા એક રાતની છે જેમાં એક નહીં પણ બે અજીબ બનાવ બને છે અને બંને બનાવ એકબીજા જેવા સમાન હોવા છતાં અલગ છે અને એ જ આ ફિલ્મનું સબળું પાસું છે. ચાર વખત જેનું બ્રેકઅપ થયું છે એવો કાર્તિક (ભવ્ય ગાંધી) લોકોના સંબંધ તોડવવામાં અને છોકરીઓની બેવફાઇ સાબિત કરવામાં અવ્વલ છે. પણ સામાપાક્ષે પોતાના દોસ્ત નિલય (હર્ષ ઠક્કર) માટે કંઈપણ કરવા માટે તે તત્પર છે અને આ દોસ્તીમાં તેમની સાથે હોય છે તેમનો ત્રીજો ભાઈબંધ તન્મય (દીપ વૈદ્ય). 

નિલયની ગર્લફ્રેન્ડ કિંજલ (રાધિકા બારોટ) ના એક રાત્રે લગન હોય છે અને નિલય તેને લગનમાંથી ભગાડી લાવવા માટે પોતાના બંને દોસ્ત કાર્તિક અને તન્મયની મદદ માંગે છે. જેમ તેમ કરીને કાર્તિક અને તન્મય આ કામ કરવા તૈયાર થાય છે પણ ભૂલથી તેઓ બીજા કોઈક લગનમાંથી બીજી જ કોઈક કન્યાને ઉઠાવી લાવે છે. પોતાના જ લગન મંડપમાંથી ભાગનારી આ કન્યા હોય છે પ્રણાલી (આરોહી પટેલ). આરોહી પોતે જે છોકરાને પ્રેમ કરે છે એના માટે એ મમ્મી-પપ્પાની મંજૂરી વિના લગન મંડપ છોડી ભાગી જાય છે. કાર્તિક અને તન્મયને ગમે તેમ હેરાન કરી પ્રણાલી તેને પોતાના બૉયફ્રેન્ડ સુધી પહોંચાડવા માટે કહે છે. પણ એ છોકરો પ્રણાલીને દગો આપે છે અને તેની સાથે લગન કરવાની ના પાડી દેય છે. 

બીજીબાજુ કાર્તિક અને તન્મય જે કામ માટે નીકળ્યા હોય છે એ ત્યાંનું ત્યાં જ રહી જાય છે અને પ્રણાલીની મદદે સમય ફાળવતા રહે છે. પ્રણાલીનું આ બ્રેકઅપ થયા બાદ પ્રણાલી કાર્તિક અને તન્મયને નિલયની ગર્લફ્રેન્ડ કિંજલને ભગાવવામાં મદદ કરવાની તૈયારી દાખવે છે. આ પાછળ તેનો ઉદ્દેશ માત્ર એટલો હોય છે કે ભલે તેને પોતાને પ્રેમમાં દગો મળ્યો હોય પણ કોઈ સાચા પ્રેમીને એક કરાવવામાં તે પોતાનાથી બનતો પ્રયાસ કરે. એક રાતમાં થતી આ બધી ભાગમભાગ વચ્ચે બધા કિંજલને લેવા તેના લગનવાળા ઘરે પહોંચે છે પણ કિંજલ કોઈક કારણસર તેમની સાથે આવવાની ના પાડી દેય છે. 



 

વાર્તામાં આવેલા આ અણધાર્યા ટ્વિસ્ટ પછી વાર્તા કઈ દિશામાં કેવી રીતે આગળ વધે છે એ જોવું સૌથી રોચક બની રહે છે. એક જ રાત્રે બે અલગ અલગ છોકરીઓના લગન છે. એક જાતે, પોતાની મરજીથી લગન મંડપથી ભાગેલી છે અને પ્રેમમાં દગો મેળવે છે જ્યારે બીજી બાજુ સાચા પ્રેમીએ લીધેલા જોખમના પગલે લગન મંડપમાંથી ભાગવાનો ચાન્સ સામેથી ચાલીને આવ્યો હોવા છતાં એ કોઈક કારણસર ભાગી નથી શકતી. આવામાં કાર્તિક કોની બેવફાઈ સાબિત કરશે?, એક રાતમાં કાર્તિકને પ્રણાલી પર આવેલી લાગણીનું એને કશું મોલ મળી રહેવાનું છે કે નહીં?, શા કારણસર કિંજલ નિલયને ભૂલી બીજા લગન કરવા તૈયાર થઈ જાય છે? આવા અનેક સવાલોના જવાબ ફિલ્મ ‘અજબ રાતની ગજબ વાત’ જોયા બાદ જ મળી રહેશે. 


ઉલ્લેખનીય છે કે ફિલ્મની વાર્તા ભલે સાધારણ લાગે પણ નવા દિગ્દર્શકના નવા દ્રષ્ટિકોણથી વાર્તા એક નવું રૂપ લેવામાં સફળ થઈ છે. ખાસ કરીને ફિલ્મમાં આરોહીનું પાત્ર બિંદાસ અને પ્રેક્ટિકલ સ્વભાવનું દર્શાવવામાં આવ્યું છે જે આખી ફિલ્મમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. એવામાં આરોહીના વનલાઇનર કમાલ કરે છે. ભવ્યનો ક્યુટ ચહેરો અને મસ્તી ફિલ્મમાં નિરંતર જોવા મળી રહે છે અને કોમિક ટાઇમ તથા નાના પણ અસરકારણ જોક્સ ક્રેક કરવામાં દીપ વૈદ્યનો મુકાબલો થઈ શકે એમ નથી. મુખ્ય કલાકારો ઉપરાંત ફિલ્મમાં ચેતન દૈયા, જયેશ મોરે અને રૌનક કામદાર મહેમાન કલાકાર તરીકે જોવા મળશે, જે દર્શકો માટે બોનસ સમાન રહેશે. માત્ર 22 દિવસમાં અમદાવાદ ખાતે આ ફિલ્મનું શૂટિંગ આટોપી લેવામાં આવ્યું હતું. ટૂંકમાં ફિલ્મ ‘અજબ રાતની ગજબ વાત’ ની વાર્તા છેલ્લા કેટલાકમાં આવેલી ગુજરાતી ફિલ્મોની સરખામણીમાં થોડી અલગ દેખાઈ આવે છે. જોક દર્શકોને આ ફિલ્મને કેટલો પ્રેમ આપે છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com





Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં