‘અચકો મચકો કાં રે લી’ કે ‘અચકો મચકો કાં રે અલી’?
1948 થી 1999 સુધી પાંચ ફિલ્મોમાં આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ તમામે તમામ ગીતે અને ફિલ્મે સફળતા મેળવી છે
સામાન્યપણે જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં ઘણાં એવા શબ્દો છે જેનું અપભ્રંશ થઈને એક નવો જ શબ્દ બની ગયો હોય. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે એ નવા ઉદ્ભવેલા શબ્દનો કોઈ અર્થ પણ ન નીકળતો હોય અથવા જે મૂળ કૃતિ છે, એનો ભાવાર્થ જ ફેરવાઈ જતો હોય છે. ગુજરાતી સાહિત્યને ધ્યાનમાં રાખીને અનેક ગુજરાતી ફિલ્મો બની અને અનેક ગીતો પણ સર્જાયા. સાહિત્ય આધારિત ફિલ્મોમાં તો જાજી સમસ્યા ન હોય પણ સંગીતના દ્રષ્ટિકોણથી જ્યારે કોઈ લોકગીત કે ગરબાને નવા સંગીતના બીબામાં ઢાળવામાં આવે ત્યારે જાણતા-અજાણતા શબ્દો સાથે રમત થઈ જાય છે અને મૂળ કૃતિ વીખેરાઈ જાય છે.
‘તમે કીયા તે ગામના ગોરી રાજ, અચકો મચકો કારેલી’ આ લોકગીત, ગીત કે ગરબો આપણે સૌ એ અનેકવાર સાંભળ્યો છે. આ ગીતમાં આવતા શબ્દો ‘અચકો મચકો કારેલી’ ને લઈને અનેક સાહિત્યકારોએ અનેકવાર સ્પષ્ટતા આપી છે. જો ગીતના શબ્દોને સમજીયે તો ગીતમાં નાયક નાયિકાને પ્રશ્ન કરે છે કે તમે કયા ગામના ગોરી છો અને આવી રીતે લચક-મચક કેમ ચાલો છો? જેના જવાબમાં નાયિકા કહે છે કે ‘અમે ગોંડલ ગામના ગોરી રાજ, અચકો મચકો કાં રે લી...’ આ ઉપરાંત અચકો મચકો કાં રે લી...’ ના સ્થાને અચકો મચકો કાં રે અલી...’ હોવાનું પણ કેટલાક નિષ્ણાંતનું કહેવું છે.
નોંધનીય છે કે ‘અચકો મચકો કાં રે લી...’ આ શબ્દોની એક એવી ગોઠવણ છે જે પાંચ અલગ-અલગ ગુજરાતી ફિલ્મોમાં ઉપયોગમાં લેવામાં આવી છે. સૌથી પહેલા 1948 માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘નણંદ-ભોજાઈ’ ની વાત કરીએ. રતિલાલ પૂનાતર દિગ્દર્શીત આ ફિલ્મમાં નિરુપા રૉય અને મનહર દેસાઈએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અવિનાશ વ્યાસે એક ગીત લખ્યું હતું જેને ગીતા રૉયે સ્વરબદ્ધ કર્યું હતું. ગીતના શબ્દો હતા ઓ ‘અલક-મલકની અલબેલી, અચકો મચકો કાં રે લી, તારી આંખો છે સાવ મદઘેલી, અચકો મચકો કાં રે લી...’ આ ગીતની લોકપ્રિયતા એટલી છે કે આજે પણ આપણને એ સાંભળવું ગમે છે અને આ ગીત ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં સારી રીતે જળવાયું પણ છે.
1948 બાદ છેક 1977 માં રવિન્દ્ર દવે દિગ્દર્શીત એક ફિલ્મ આવી હતી ‘સોન કંસારી’. ઢોલીવૂડમાં સફળ ફિલ્મોની યાદીમાં પોતાનું નામ નોંધાવતી આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી, સ્નેહલતા, અરવિંદ રાઠોડ, મૂળરાજ રાજડા, રમેશ મહેતા, રજની બાળા, ઈન્દુમતી રાજડા, નારાયણ રાજગોર જેવા નામાંકિત કલાકારોએ અભિનય કર્યો હતો જ્યારે પાર્શ્વ ગાયકોમાં આશા ભોસલે, મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર, પ્રફુલ દવે, વેલજીભાઈ ગજ્જર, દિવાળીબેન ભીલનો સમાવેશ કરાયો હતો. ગીત-સંગીતની જવાબદારી અવિનાશ વ્યાસે નીભાવી હતી અને તેમણે ફરી એકવાર ‘અચકો મચકો કાં રે લી...’ શબ્દોનો ઉપયોગ કરી એક ગીત તૈયાર કર્યું જેના શબ્દો હતા ‘તમે કીયા તે ગામના ગોરી રાજ, અચકો મચકો કાં રે લી’. આ ગીતન સ્વર આપ્યો હતો ઉષા મંગેશકર અને વેલજીભાઈ ગજ્જરે. ફિલ્મ ‘સોન કંસારી’ જોનારાઓને ખ્યાલ હશે જ કે આ સરસમજાના ગીતથી જ રવિન્દ્ર દવેએ ફિલ્મની શરૂઆત કરી છે અને નાયક-નાયિકાના મનમાં પ્રેમના અંકૂર ફૂટ્યા બતાવ્યા છે. મૂળ તો આ ગીત 1977 ના સમયમાં ઘણી ખ્યાતિ પામ્યુ હતું જેના લીધે ‘અચકો મચકો કાં રે લી’ શબ્દ વધારે વેગવંતો બન્યો હતો.
1981 માં ‘રાણો કુંવર’ નામે એક ફિલ્મ આવી હતી જેને હની છાયાએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં રાજીવ, અરવિંદ પંડ્યા, રમેશ મહેતા, મંજરી દેસાઈ, રાગિણી, નારાયણ રાજગોર, મેઘના રૉય, પી. ખસરાની અને અન્ય કલાકારોએ અભિનય કર્યો હતો. પુરૂષોત્ત્મ ઉપાધ્યાયના સંગીત નિર્દેશનમાં કાન્તિ અશોકે એક ગીત તૈયાર કર્યું હતું, જેને ઉષા રેગે અને હંસા દવેએ સ્વરબદ્ધ કર્યું હતું. આ ગીતના શબ્દો હતા ‘મારું બાળપણું મનગમતું રાજ, અચકો મચકો કાં રે લી, ઓલું જોબનિયુ અણગમતું રાજ, અચકો મચકો કાં રે લી’. ફિલ્મ ‘રાણો કુંવર’ માં કુલ આઠ ગીતો હતા અને એમાંથી આ ગીતે સારી એવી લોકચાહના મેળવી હતી.
1948 થી ‘અચકો મચકો કાં રે લી’ ની થયેલી શરૂઆત હવે 1984 માં આવી પહોંચી હતી. આ વર્ષે ‘કાચી માટીના કોડીયા’ નામની ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના ડિરેક્ટર હતા કાંતિલાલ દવે. મુખ્ય કલાકારોમાં રાજીવ, સુષ્મા વર્મા, સિમ્પલ કાપડિયા, દુલારી, વિષ્ણુકુમાર વ્યાસ, દિનેશ હિંગુ અને અન્ય કલાકારોએ અભિનય કર્યો હતો. સંગીતની જવાબદારી સુરેશ કુમારે લીધી હતી અને ધીરજ વોરાએ ફિલ્મના ગીતોનું સર્જન કર્યું હતું. ‘અચકો મચકો કાં રે લી’ ને તેમણે જે ગીત લખ્યું એના શબ્દો હતા ‘આવો આવો ને રમવા સાહેલી, અચકો મચકો કાં રે લી, અમે ભરી બજારો ગજવેલી, અચકો મચકો કાં રે લી’. સંગીતમાં થોડાઘણા ફેરફાર સાથે તૈયાર કરવામાં આવેલા આ ગીતને પણ દર્શકો પાસેથી ઘણી વાહવાહી મળી હતી.
ત્યાર બાદ છેક 15 વર્ષ પછી એટલે કે 1999 માં આવેલી ફિલ્મ ‘મન મોતી ને કાચ’ માં ગીતકાર મુકેશ માલવણકરે ‘અચકો મચકો કાં રે લી’ નો ઉપયોગ કરી એક ગીત તૈયાર કર્યું જેના શબ્દો હતા ‘હે, મારી ઢીંગલીના લગન લેવાયા રાજ, અચકો મચકો કાં રે લી’. આ ફિલ્મમાં પંકજ ગોસ્વામી, પિન્ક પારેખ, ફિરોઝ ઈરાની, દેવેન્દ્ર પંડિત, મૂળરાજ રાજડા અને અન્ય કલાકારોએ અભિનય કર્યો હતો. આ ફિલ્મના સંગીતકાર હતા ઉષા ખન્ના. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ અને ગીત આજની તારીખે પ્રાપ્ય નથી. 1948 થી 1999 સુધીના ગાળામાં ‘અચકો મચકો કાં રે લી’ નું શબ્દવૃંદ પાંચ અલગ અલગ ગુજરાતી ફિલ્મોમાં ઉપયોગમાં લેવાયું છે અને દરેક સમયે સફળતા મેળવતું રહ્યું છે. છેલ્લાં 25 વર્ષથી ગુજરાતી ફિલ્મ જગતથી અડગા થયેલા આ શબ્દવૃંદ ભવિષ્યમાં આવનારી કોઈ ગુજરાતી ફિલ્મમાં ફરીથી પોતાનો રંગ જમાવવા એક અલગ અવતાર લઈને આવે અને સફળતા મેળવે તો નવાઈ નહીં.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com





Comments
Post a Comment