ગરબા વિનાની ગુજરાતી ફિલ્મો પાણી વિનાની માછલી જેવી છે

બદલાતા સમય સાથે ફિલ્મોમાં ગરબાની રજૂઆત બદલાઈ છે



ગુજરાતી ફિલ્મો નવી હોય કે જૂની એમાં ગરબાઓની રમઝટ અચૂક જોવા મળે છે. ફિલ્મ મેકર્સ પણ એ વાતનું ખાસ ધ્યાન રાખતા હોય છે કે ગરબાઓ થકી ફિલ્મનું પ્રમોશન કે ફિલ્મની માર્કેટિંગ મોટાપાયે કરવામાં આવે. બીજા શબ્દોમાં કહીયે તો ગરબા વિનાની ગુજરાતી ફિલ્મો પાણી વિનાની માછલી જેવી કહેવાય. ગુજરાતી ફિલ્મોની શરૂઆત થઈ તે સમયથી જ એ વાત જાણે ગાંઠ બાંધી લેવાઈ હતી કે ગુજરાતીઓની ઓળખ સમો કોઈપણ એક ગરબો ફિલ્મમાં હોવો જોઈએ. સમય જતા અનેક નાના-મોટા ફિલ્મ નિર્માતાઓએ પોતાની ફિલ્મોમાં કેટલાક પારંપારિક ગરબાનો ઉપયોગ કર્યો છે, તો વળી કેટલાક ફિલ્મ મેકર્સે જે-તે ગરબાની લઢણ સાચવી તેમાં પોતાની કલાનો ઉમેરો કર્યો છે. 



 

આજની ગુજરાતી ફિલ્મોમાં આજની યુવા પેઢી અને આજની જનતાને છાજે એવા ગરબાઓ તૈયાર કરવામાં આવે છે. અમૂક મોટા શહેરોમાં આજે શેરી ગરબા કે ગરબીઓના સ્થાને પોપ-મ્યુઝિક અને બોલીવૂડ સંગીતે સ્થાન લઈ લીધું છે તો વળી ગુજરાતના અમૂક ઠેકાણા એવાય છે જ્યાં પારંપારિક ગરબાની ઉજવણી આજે પણ શ્વસી રહી છે. ગુજરાતી ફિલ્મોના સંદર્ભમાં ગરબાઓની વાત કરીયે તો 1949 માં આવેલી ફિલ્મ ‘મંગળ ફેરા’ માં ગીતા દત્ત અને સાથીયો દ્વારા ગવાયેલો ગરબો ‘તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે પૂનમની રાત ઊગી પૂનમની રાત’ આજે પણ નવરાત્રોત્સવમાં ગવાય છે અને ત્રણ તાળીઓના તાલે ઝીલાય છે. રતિલાલ પૂનાતર દ્વારા દિગ્દર્શીત ફિલ્મ ‘મંગળ ફેરા’ એ જમાનામાં તો સુપરહિટ રહી જ હતી અને નિરુપા રૉય પર ફિલ્માવાયેલો આ ગરબો પણ ઘણો જ હિટ સાબિત થયો હતો. આ ફિલ્મ રિલીઝ થયાના ત્રણ વર્ષ પહેલા નિરુપા રૉય બોલીવૂડમાં એન્ટ્રી કરી ચૂક્યા હતા. 



 

ફિલ્મ ‘મંગળ ફેરા’ ઉપરાંત દિનેશ રાવળ દિગ્દર્શીત 1975 ની ફિલ્મ ‘મેના ગુર્જરી’ માં મલ્લિકા સારાભાઈ પર ફિલ્મીત ગરબો ‘સાથિયા પૂરાવો દ્વારે, દીવડા પ્રગટાવો આજ’ આજે પણ મનને ઉત્સાહથી ભરી દેવામાં અને દરેક ઉમરના ગુજરાતીને થનગાટ કરતો કરી દેવામાં સક્ષમ છે. ઉષા મંગેશકર, આનંદકુમાર સી. અને કોરસની મદદથી આ ગરબો આજે પણ લોકહૈયે જીવંત છે. આ ગરબામાં પારંપારિક ગરબા થતા દર્શાવવામાં આવ્યા છે, જે આજની પેઢીએ એક વખત જરૂરથી જોવો જોઈએ. 1976 ની ફિલ્મ ‘ખમ્મા મારા વીરા’ માં પણ એક અદ્ભૂત ગરબો સામેલ કરવામાં આવ્યો છે. શાંતિલાલ સોનીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘ખમ્મા મારા વીરા’ માં ગીતકાર તરીકેની જવાબદારી પ્રદીપ અને કેશવ રાઠોડની રહી હતી અને તેમની કલમેથી તૈયાર થયેલા ગીત-ગરબાના શબ્દો હતા ‘પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રિતમ સાથે છે મુલાકાત’. ગાયક કલાકાર તરીકે ઉષા મંગેશકરે ફરજ બજાવી હતી અને સંગીત સી. અર્જુનનું હતું. વાસ્તવમાં આ ગીતમાં પ્રેયસીની પોતાના પ્રેમીથી મળવાની આતુરતાને વર્ણવવામાં આવી છે, જેની રજૂઆત ગરબાના પ્રારૂપમાં કરવામાં આવી છે. 



 

ગુજરાતી ફિલ્મો અને એમાં પણ ગરબાની વાત હોય તો ગુજરાતી ફિલ્મોની શ્રેષ્ઠ જોડી ગણાતી ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની ફિલ્મની વાત ન આવે, એવું તો બને જ નહીં. 1977 માં દિનેશ રાવળ દિગ્દર્શીત ફિલ્મ આવી હતી, જેનું શીર્ષક હતું ‘હલામણ જેઠવો’. દૂહા અને ઉખાણાથી છલોછલ આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા જેવા અન્ય દિગ્ગજ કલાકારો પણ જોવા મળ્યા હતા. લાલ ચણિયાચોળીથી સજ્જ બનેલી સ્નેહલતા પર દર્શાવવામાં આવેલો ગરબો ‘મા નો ગરબો રે રમે રાજને દરબાર’ આજની તારીખે પણ નવરાત્રીમાં અચૂક ગવાય છે અને ત્રણ તતાલીઓના તાલે ઝીલાય છે. 

આ ઉપરાંત 1981 ની ફિલ્મ ‘પારકા પોતાના’ માં અસરાની અને જયશ્રી ટી પર ફિલ્માવાયેલો ગરબો ‘હેલો હેલો રે સાહેલી’ અલ્કા યાજ્ઞિકના સ્વરમાં સાંભળવા મળે છે જ્યારે ફિલ્મમાં રીટા ભાદુરી, પદ્મારાણી, ફિરોઝ ઈરાની જેવા કલાકારોએ અભિનય કર્યો હતો. 1989 માં ‘મા ખોડલ તારો ખમકારો’ નામની ફિલ્મમાં ‘ગરબો આવ્યો રે ગઢ જૂનાણા ગિરનારથી, એ તો નવલા નોરતા લાવ્યો’ ગરબો માણવા મળે છે. 



આજની પેઢીને આકર્ષે એવી ગુજરાતી ફિલ્મ અને એના ગરબાની વાત કરું તો 2016 માં આવેલી અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવનારી ફિલ્મ ‘રોંગ સાઇડ રાજુ’ માં કિર્તીદાન ગઢવીના સ્વરમાં ‘ગોરી રાધાને કાળો કાન’ ગરબો જુવાનીયાઓને પોતાની તરફ આકર્ષે છે. ગરાબાના પ્રકારમાં તૈયાર થયેલા આ ગીતમાં રાધા અને કાનુડાના પ્રીતની વાત કરવામાં આવી છે. ઢોલીવૂડમાં એક ફિલ્મ એવી પણ આવી જે ખાસ ગરબાને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી હતી અને એ ફિલ્મ પણ બેસ્ટ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પોતાના નામે કરવામાં સફળ રહી. 2019 માં રિલીઝ થયેલી એ ગુજરાતી ફિલ્મ એટલે ‘હેલ્લારો’. આ ફિલ્મમાં ‘વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ’, ‘અસવાર’, ‘સપના વિનાની રાત’ જેવા અનેક ગીતો હતા પણ ‘વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ’ એ દિલ જીત લીધું હતું. ભૂમિ ત્રિવેદીએ આ ગીતને સ્વર આપ્યો હતો જ્યારે મેહૂલ સૂરતીએ સંગીત આપ્યું હતું. શબ્દોને ગરબાના ગોખમાં ગોઠવવાનું કામ કર્યું હતું સૌમ્ય જોશીએ.



2022 માં આવેલી ચાર સફળ ફિલ્મો ‘ફક્ત મહિલાઓ માટે’ માં ‘બોલ મારી અંબે’, ‘ચબૂતરો’ ફિલ્મમાં ‘મોતી વેરાણા ચોકમાં આવ્યા અંબે મા’, ‘નાડી દોષ’ ફિલ્મમાં ‘ચાંદલિયો ઉગ્યો રે’ અને ‘સૈયર મોરી રે’ ફિલ્મમાં ‘ગોરી તમે મનડા લીધા મોહી રાજ’ જેવા ગરબાઓ આવરી લેવામાં આવ્યા છે. વાસ્તવમાં જોવા જઈએ તો આજની તારીખમાં ગીતોને ગરબાની ધૂન પર તૈયાર કરી ગરબાનું નામ આપવામાં આવી રહ્યું છે અથવા ગીતોમાં ગરબા રમી રહ્યા હોવાથી તેને ગરબાનું સ્થાન મળી રહ્યું છે. જોકે તેમાં પારંપારિક ગરબાની કોઈ છટા જોવા નથી મળતી. 2024 ની સૌથી સફળ ફિલ્મ એવી ‘ઝમકૂડી’ માં ‘એક રાજાની સો સો રાણી ઝમકૂડી રે ઝમકૂડી’ લોકગીતને સાવ અનોખા અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે, જેને દર્શકોએ સહર્ષ વધાવી લીધું હતું. 



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com





Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’