ઢોલીવૂડની પહેલી કોમેડી ફિલ્મ ‘બે ખરાબ જણ’

શોભના સમર્થ અને મોતીલાલની એકસાથે આ પહેલી ફિલ્મ હતી જેના થકી તેમની યાદગાર જોડીના પાયા નખાયા 



ગુજરાતી ફિલ્મ જગતના શરૂઆતના દિવસોમાં મોટાભાગની જે ફિલ્મ બનતી એ આધ્યાત્મિક અથવા તો સામાજિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી હતી. તેમ છતાં ૧૯૩૬માં એક એવી ફિલ્મ આવી જેનો વિષય થોડો હટકે હતો. એક નાટક પર આધારિત આ ફિલ્મનું નામ હતું ‘બે ખરાબ જણ’, જે બની ઢોલીવૂડની પહેલી કોમેડી ફિલ્મ. 

દેશના રાજકારણ અને ગુજરાતી સાહિત્યમાં પાયાની ભૂમિકા ભજવનારા કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા લખાયેલા નાટક ‘બે ખરાબ જણ’ પરથી આ ફિલ્મ ગુજરાતી ભાષામાં ‘બે ખરાબ જણ’ નામે બનાવવામાં આવી અને હિન્દીમાં આ ફિલ્મ ‘દો દીવાને’ ના શીર્ષક સાથે રિલીઝ કરવામાં આવી હતી. આ અગાઉના લેખમાં આપણે વાત કરી હતી કે એ બનવાની શરૂઆત થઈ એ સમયમાં મોટાભાગના ફિલ્મ મેકર ગુજરાતી અને હિન્દી ભાષામાં અલગ અલગ શીર્ષક સાથે ફિલ્મ રિલીઝ કરતાં જેથી કરીને બંને પ્રજાને આકર્ષી શકાય, અને આ ફિલ્મ પણ એ જ સ્ટ્રેટેજીનો એક ભાગ હતી.

ફિલ્મ ‘બે ખરાબ જણ’ ની વાર્તા આજની તારીખમાં પણ વાસ્તવિક ઘટના હોય એવી દેખાય આવે છે, કારણ કે આ ફિલ્મની વાર્તા જનરેશન ગેપની વાત કરે છે. મોતીલાલ એક ડોક્ટર છે જે તેની ગર્લફ્રેન્ડ એટલે કે શોભના સમર્થ સાથે કેટલાક બળવાખોરની સાથે જોડાઈ સમાજમાં સુધારો લાવવા માંગે છે, જેમાં બંનેના માતા પિતા તેમનો વિરોધ કરે છે. પોતાની સંતાન પાશ્ચાત્ય સંસ્કૃતિથી અતિ પ્રભાવિત થઈ હોવાની માતા પિતાને ચિંતા હોય છે કારણ કે તેમના વિચારોથી માંડીને તેમના પહેરવેશ સુધીમાં તેમને ઘણો તફાવત જોવા મળે છે. પણ છેવટે ફિલ્મની હેપ્પી એન્ડિંગ વાર્તાને યાદગાર બનાવે છે.

ચિમનલાલ લુહાર દ્વારા દિગ્દર્શીંત ફિલ્મ ‘બે ખરાબ જણ’ એટલે કે ‘દો દીવાને’ સાગર મુવી ટોન દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ હતી જેમાં શોભના સમર્થ અને મોતીલાલની જોડી પહેલીવાર લોકોએ નિહાળી હતી. આ ફિલ્મ હિટ થયા બાદ સાગર મુવી ટોનની જ બીજી ફિલ્મ 1937 માં રિલીઝ થાય છે જેનું ટાઈટલ હતું ‘કોકિલા’ અને આ ફિલ્મમાં પણ મોતીલાલ અને શોભના સમર્થની જોડીને લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. ‘બે ખરાબ જણ’ ની વાત કરીએ તો આ બંને કલાકારો ઉપરાંત ફિલ્મમાં યાકુબ, રમા દેવી, અરુણા દેવી, કમલા દેવી, કાયમ અલી, પાંડે, તેમુરસ, પેસી પટેલ, મહેંદી રઝા અને કાંતિલાલ નાયકે અભિનય કર્યો હતો. ફિલ્મના ગીતો રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખ્યા હતા જ્યારે સંગીત પ્રાણસુખ નાયકે આપ્યું હતું. ફિલ્મના ગીતોને મોતીલાલ, શોભના સમર્થ અને કમલા દેવીએ સ્વર આપ્યો હતો. વધુ એક મહત્વની વાત એ કે આ ફિલ્મના હિન્દી વર્ઝનમાં એટલે કે ‘દો દીવાને’ માં અગિયાર ગીતોનો સમાવેશ થયો હતો. 



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં