1946 ની એકમાત્ર રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ એટલે ‘રાણક દેવી’

આઝાદીના કાળમાં રિલીઝ થયેલી આ ફિલ્મથી જ નિરૂપા રૉયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું.



આઝાદીના કાળમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે ફિલ્મો બનવાની બંધ થઈ ગઈ હતી. આ અસર તાત્કાલિક નહોતી દેખાઈ પણ કેટલાક વર્ષો એવા રહ્યા હતા જ્યારે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ નહોતી થઈ. 1947 માં ભારત દેશ આઝાદ થયો એના એક વર્ષ પહેલા એટલે કે 1946 માં પણ એકમાત્ર ગુજરાતી રિલીઝ થઈ શકી હતી અને એ ફિલ્મ એટલે ‘રાણક દેવી’. 

‘રાણક દેવી’ આ ગુજરાતી સિનેમા જગતની પહેલી એવી ઐતિહાસિક નાટક કથા પર આધારિત ફિલ્મ હતી જેણે લોકોના મનમાં જગ્યા બનાવી અને આ ફિલ્મ પછી જ ગુજરાતી સિનેમા જગતમાં ઐતિહાસિક લોકકથાઓ ઉપર ફિલ્મ બનવાની મોટા પાયે શરૂઆત થઈ હતી. ‘રાણક દેવી’ નું ડિરેક્શન અને નિર્માણ વી.એમ. વ્યાસે કર્યું હતું. ‘રાણક દેવી’ ની દંતકથાને ફિલ્મના પ્રારૂપમાં ઢાળવા માટે વી.એમ. વ્યાસ સહિત મોહનલાલ દવેએ વાર્તા તૈયાર કરવાની જવાબદારી સંભાળી હતી જ્યારે કરસનદાસ માણેકે સંવાદો લખ્યા હતા. 

‘રાણક દેવી’ ની દંતકથા પાટણના સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ અને જૂનાગઢના રાજા ખેંગારની આજુબાજુ ફરે છે જેમાં એક યુદ્ધ બાદ રાણક પાટણ ફરતી વખતે ભોગાવો નદીના કિનારે વઢવાણ ખાતે સતી થાય છે. 

ફિલ્મના મુખ્ય કલાકારોમાં અંજના, મોતીબાઈ, દુલારી, નિરૂપા રૉય, લીલાવતી, લીલા જયવંત, મલ્લિકા, દમયંતી, ચંદ્રબાલા, સુમતિ, દક્ષ, કવિતા, ભગવાનદાસ, છનાલાલ ઠાકુર, નટવરલાલ ચૌહાણ, માસ્ટર ધુલિયા, શ્યામ, ગંગારામ અને ગૌતમ જેવા અનેક કલાકારોનો મેળો જોવા મળ્યો હતો. નિરૂપા રૉયે આ જ ફિલ્મથી ગુજરાતી સિનેમા જગતમાં ડેબ્યુ કર્યું હતું.

આ ફિલ્મના બધા જ ગીતો મનસ્વી પ્રાંતિજવાલાએ લખ્યા હતા જેને છનાલાલ ઠાકુરે સંગીતબદ્ધ કર્યા હતા. મોતીબાઈ અને અન્ય સાથી કલાકારોના સ્વરમાં ‘લાખ લાખ દીવડાની આરતી’, આમીર બાઈ કર્નાટકી અને કોરસ સાથે ‘મારે તે ગામડે એકવાર આવજો’ અને રામ પ્યારીના સ્વરમાં ‘ઘણી ખમ્મા, ઘણી ખમ્મા’ ગીત રેકોર્ડ કરવામાં આવ્યું હતું અને આ ગીતો આજે પણ સચવાયેલા છે, જ્યારે ફિલ્મની પ્રિન્ટ અપ્રાપ્ય છે. આઝાદીના કાળમાં 1946માં રિલીઝ થયેલી આ એકમાત્ર ગુજરાતી ફિલ્મ હતી જેને દર્શકો દ્વારા સારો મળ્યો હતો અને આ ફિલ્મથી જ ઐતિહાસિક કાલ્પનિક ફિલ્મો બનાવવાની પરંપરા શરૂ થઈ હતી. 1946 બાદ છે 1976 માં ‘રાણક દેવી’ ના નામે જ બીજી એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ હતી જેની વાત આપણે કરીશું આવતા લેખમાં.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’