લવ જેહાદની વાત કરશે ‘બેહદ્’

ઢોલીવુડની આ પહેલી એવી ફિલ્મ છે જે લવ જેહાદના મુદ્દાને મોટા પડદે રજૂ કરે છે.



સામાજિક મુદ્દા પર ઢોલીવુડમાં ઘણી ફિલ્મ બની છે પણ જે ગુજરાતી ફિલ્મ આજે રિલીઝ થઈ છે એ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે. રાજુ ગાંધી પ્રોડક્શન હેઠળ લવ જેહાદ જેવા અતિસંવેદનશીલ વિષય પર 'બેહદ્' નામની ફિલ્મ આજે રિલીઝ થઈ છે. 

અંકુશ ભટ્ટ દ્વારા દિગ્દર્શક અને ચેતન ગાંધી દ્વારા નિર્મિત ફિલ્મ 'બેહદ્' માં દાનેશ ગાંધી અને જાનવી ચૌહાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જ્યારે તેમની સાથે સંજય ગોરડીયા, નિમેશ દિલીપરાય, ભૂમિકા પટેલ, ધ્રુવી સોની, ભાવેશ ખત્રી, પ્રિયંકા પટેલ અને હિતુ કનોડિયા અભિનય કરતા જોવા મળશે. ફિલ્મની કથા અને પટકથા આલાપ ત્રિપાઠી લખી છે જ્યારે વધારાના સંવાદ રાજુ પટેલ અને વૈશાખ રાઠોડે લખ્યા છે. 

સંગીતની વાત કરીએ તો ફિલ્મ 'બેહદ્' નું સંગીત અવધેશ બાબરીયા અને ઋત્વિજ પંડ્યાએ આપ્યું છે જ્યારે ગીતો દિલીપ રાવલ તથા મયુર લાલચરે લખ્યા છે. ગાયક કલાકારોમાં આપણને પિતા પુત્રની જોડી એટલે કે પાર્થ ઓઝા અને સંજય ઓઝાનો સ્વર ઉપરાંત યશ દેસાઈનો સ્વર સાંભળવા મળશે. 

ફિલ્મની વાત કરીએ તો ગયા વર્ષે 'સરપ્રાઈઝ' જેવી ફિલ્મ કરી ચૂકેલી જાનવી ચૌહાણ આ ફિલ્મમાં ક્રિશા નામનું પાત્ર ભજવી રહી છે જે શાશ્વત (દાનિશ ગાંધી) ની મોહબ્બતમાં ઘેલી બની જાય છે કારણ કે શાશ્વત પોતે અનાથ હોવાનું કહીને ક્રિશાની લાગણીઓ જીતે છે તેના મનમાં પોતાનું સ્થાન બનાવે છે. પણ ક્રિશા અહીં એ નથી જાણતી કે શું આ ખરેખર શાશ્વતની મહોબ્બત છે કે સલમાનનું કોઈ મકસદ છે? અને ખરેખર એનું નામ શાશ્વત છે કે સલમાન?

સમય જતા જ્યારે વાસ્તવિકતા સામે આવે છે ત્યારે ક્રિશા પર આવેલી મુસીબત કેવી રીતે પાર પડે છે અને એમાં તેને કોઈ મદદ કરવા આગળ આવે છે કે નથી આવતું એ દરેક ઘટના આપણને સેકન્ડ હાફમાં જોવા મળે છે. નાયક જ ખલનાયક બને એવી ગુજરાતી ફિલ્મો 70-80 ના દાયકામાં આપણને જોવા મળતી હતી પણ જ્યારથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ફરીથી બેઠી થઈ છે ત્યારથી ભાગ્યે જ કોઈ એવી ગુજરાતી ફિલ્મ જોવા મળી છે જેમાં નાયક જ ખલનાયક તરીકે જોવા મળ્યો હોય. દાનિશ ગાંધીએ શાશ્વત તથા સલમાનના પાત્રને ખૂબ જ ચીવટથી મોટા પડદા પર રજૂ કર્યું છે. ખાસ કરીને તેના હાવ ભાવ અને વન લાઈનર્સ તેની એક અલગ આભા ઊભી કરી આપે છે. પોતાના પ્રેમ માટે પરિવાર સામે બાથ ભીડનારી યુવતી તરીકે જાનવી ચૌહાણ દીપી ઉઠે છે જ્યારે હિતુ કનોડિયાનું પાત્ર ફિલ્મમાં ટર્ન એન્ડ ટ્વિસ્ટ લાવવાનું કામ કરે છે. સંજય ગોરડીયા, નિમેષ દિલીપરાય તથા ભૂમિકા પટેલ જેવા વરિષ્ઠ કલાકારોનું પાત્ર પરિવાર અને સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. 

સંજય ગોરડીયા અને ભૂમિકા પટેલ આ પહેલા 'ગોટી સોડા' નામની વેબ સિરીઝમાં પાડોશીઓનું પાત્ર ભજવી ચૂક્યા છે જ્યારે નિમેશ દિલીપરાય છેલ્લે 'જલેબી રોક્સ' નામની ફિલ્મમાં જોવા મળ્યા હતા જે ગયા વર્ષે રિલીઝ થઈ હતી. હિન્દુ યુવતીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવીને તેમનું ધર્મ પરિવર્તન કરી, તેમની સાથે થતી ગેરવર્તણુકને આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે જેને કારણે અત્યાર સુધીના ગુજરાતી ફિલ્મોના ઈતિહાસમાં લવ જેહાદ પર વાત કરનારી‌ આ પહેલી ગુજરાતી ફિલ્મ બની ચૂકી છે. ફિલ્મના ડાયલોગ ખૂબ જ સરળ, સચોટ અને તીખા છે જે વાતને સ્પષ્ટપણે દર્શકો સામે રજૂ કરવામાં કારગર સાબિત થઈ શકે છે.




- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં