‘લગન લાગી રે’ આજથી સિનેમાઘરોમાં
મલ્હાર-આરોહીની જોડી ત્રણ વર્ષ બાદ રૂપેરી પડદે પાછી ફરી
ગયા વર્ષે એવી ઘણી ફિલ્મો હતી જે રિલીઝ થવાની હતી પણ કોઈકના કોઈક કારણોસર એ રિલીઝ થઈ શકી ન હતી અને હવે એ ફિલ્મો રિલીઝ થઈ રહી છે, ‘લગન લાગી રે’ પણ એમાંની જ એક ફિલ્મ છે જે આજે સિનેમાઘરોમાં આવી ચૂકી છે.
‘લગન લાગી રે’ ફિલ્મ દ્વારા મલ્હાર ઠાકર, આરોહી પટેલ અને તત્સત મુનશીની જોડી ફરીપાછી રૂપેરી પડદે જોવા મળશે. આ પહેલા તેઓ 2022 માં આવેલી ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’ માં એકસાથે દેખાયા હતા. ‘ઓમ મંગલમ સિંગલમ’ બાદ ત્રણેય એક્ટરોની અલગ અલગ સ્વતંત્ર ફિલ્મો રિલીઝ થઈ હતી અને દર્શકોને ગમી હતી પણ ‘લગન લાગી રે’ થકી મલ્હાર-આરોહીની જોડીને મોટા પડદા પર જોવા ગુજરાતી પ્રજા ઘણી આતુર હતી. 2025 ના છેલ્લા મહિનામાં આ ફિલ્મ રિલીઝ થશે એવી સંભાવના જોવા મળી હતી પણ એ સમયે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું હોવાને લીધે તથા ‘લાલો’ ની સફળતાને ધ્યાનમાં રાખીને ફિલ્મની રિલીઝ મોકૂફ કરવામાં આવી હતી. મલ્હાર, આરોહી અને તત્સત ઉપરાંત ફિલ્મમાં વેદિકા કૌલ વ્યાસ, આરતી પટેલ, રાગી જાની, હેમાંગ દવે, નિસર્ગ ત્રિવેદી અને મનીષા ત્રિવેદી પણ જોવા મળશે.
‘લગન લાગી રે’ ની વાત કરીયે તો વેલેન્ટાઇન વીકમાં રિલીઝ થતી ડિરેક્ટર સંદીપ પટેલની આ ફિલ્મમાં લવ-ટ્રાયએન્ગલ જોવા મળશે, જેમાં આરોહી કાવ્યાના પાત્રમાં, મલ્હાર કાર્તિક નામના પાત્રમાં અને તત્સત સાહિલ નામના પાત્રમાં અભિનય કરતાં જોવા મળશે. કાર્તિક અને કાવ્યા સ્કૂલના ફ્રેન્ડ છે જે લાંબા સમય પછી એકબીજાને મળે છે. કાવ્યા સાહિલ નામના છોકરાના પ્રેમમાં પડે છે અને કાવ્યાને તેનો પ્રેમ મેળવી આપવામાં કાર્તિક મદદ કરે છે. આ મદદના સમયમાં કાર્તિક ક્યાંક કાવ્યા તરફ આકર્ષાતો જાય છે જ્યારે સફળતા મેળવી ચૂકેલો સાહિલ પોતાની જીતનો સંપૂર્ણ શ્રેય પ્રિયંકાને આપે છે અને આ ઘટના વાર્તાને એક નવો વળાંક આપે છે.
ટૂંકમાં જોવા જઈએ તો ફિલ્મની દરેક વ્યક્તિ, કાર્તિક, કાવ્યા, સાહિલ અને પ્રિયંકા, સામેવાળી વ્યક્તિને પ્રેમ કરે છે પણ કહી નથી શકતી. પ્રેમની આ મૂક લાગણીને વર્ણવવામાં સંદીપ પટેલે જાણે મહારથ હાંસલ કરી છે. તેમણે બનાવેલી અન્ય ફિલ્મ જે કે ‘લવની ભવાઈ’ અને ‘ઓમ મંગલમ સિંગલમ’ માં પણ આ પ્રકારના મૂક પ્રેમને અલગ દ્રષ્ટિકોથી રજૂ કરવામાં આવી હતી.
ફિલ્મ ‘લગન લાગી રે’ ના ગીતો પણ દર્શકોને આકર્ષે એવા છે. ફિલ્મના ટાઇટલ સોન્ગ ઉપરાંત ‘નીંદરડી’, ‘બૂમા બૂમ’, ‘બેબી બેવફા નીકળી’, ‘તમે વાતો કરજો પ્રેમની, અમે કરીશું પ્રેમ’ જેવા ગીતો માણવા મળશે જેને જીગરદાન ગઢવી, ઐશ્વર્ય મઝમુદાર, ઉમેશ બારોટ અને જીગ્નેશ બારોટે સ્વર આપ્યો છે. ફિલ્મના ગીતો નિરેન ભટ્ટે લખ્યા છે.
કોકોનટ મોશન પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મના કો-પ્રોડ્યુસર આરતી પટેલ છે, જ્યારે એડિટીંગની જવાબદારી આરોહી-તત્સતની કંપની અક્સર કોમ્યુનિકેશને ભજવી છે. આ ફિલ્મ ન માત્ર ભારતમાં પણ યુએસએ, યુકે, કેનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં પણ રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રિલીઝ થયેલી મલ્હાર અને આરોહીની ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નવા કયા અને કેવા પરાક્રમ કરે છે એ જોવાનું રહેશે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com


Comments
Post a Comment