‘રાજા ભરથરી’ પર કેટલી ફિલ્મો બની છે, ખબર છે?
સંત બનેલા રાજવી પર 1922-1973 સુધીમાં છ થી પણ વધારે ફિલ્મો બની છે જેનો અણસાર પણ આજની પેઢીને નહીં હોય
ફિલ્મજગતમાં જ્યારે કોઈ લોકવાર્તા પરથી ફિલ્મ બનાવવામાં આવતી હોય છે ત્યારે એક ફિલ્મમેકર એને પોતાના અલગ દ્રષ્ટિકોણથી બનાવવાનો પ્રયાસ કરતો હોય છે. અલગ અલગ ફિલ્મમેકરો દ્વારા કરાતા આ પ્રયાસને લીધે આપણને એકને એક વાર્તા અલગ અલગ અભિનેતાઓ દ્વારા વિવિધરૂપે જોવા મળે છે. ‘રાજા ભરથરી’ પણ એવી જ એક કથા છે જેના પરથી અનેક વાર અનેક ભાષામાં ફિલ્મો બનાવવામાં આવી.
મહાત્મા ગાંધી હોય, નરસિંહ મહેતા હોય, કે પછી કોઈ રાજા-મહારાજા હોય કે પછી ઈતિહાસની કોઈ ઘટના કે પ્રસંગ હોય ફિલ્મમેકર્સ સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવવામાં વધારે રસ દાખવતા હોય છે. રાજા ભરથરીની લોકકથા ન માત્ર રાજસ્થાન કે ગુજરાત પણ પશ્ચિમ બંગાળથી લઈને હરિયાણા અને ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતમાં પણ ફેલાયેલી છે.
ગુજરાતી ભાષામાં 1973 માં ‘રાજા ભરથરી’ ફિલ્મ બની એ પહેલા અંદાજે છ વાર આ જ વિષય પર ફિલ્મ બની ચૂકી હતી. શરૂઆતથી શરૂ કરીયે તો સૌથી પહેલો પ્રયાસ મૂક ફિલ્મોના સમયે જ કરી લેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ 1922 માં શ્રીનાથ પાટણકર નામના ડિરેક્ટરે ‘કિંગ ભરતહરી’ નામની મૂક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મના કલાકારો કે અન્ય કોઈપણ માહિતી ઉપલબ્ધ નથી.
1922 ના દસ વર્ષ પછી 1932 માં એ. પી. કપૂર નામના ડિરેક્ટરે હિન્દીમાં ‘ભરથરી’ નામની ફિલ્મ બનાવી હતી અને આ ફિલ્મના બાર વર્ષના ગાળા બાદ એટલે કે 1944 માં ગુજરાતી પૌરાણિક ફિલ્મોમાં ધરખમ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરિવર્તન લાવનારા ડિરેક્ટર અને કથા સર્જનારા ચતુર્ભુજ દોષીએ ‘રાજા ભરથરી’ નામની ફિલ્મ બનાવી ભર્તુહરિના ત્યાગ, સંઘર્ષ અને સાધુતાની રજૂઆત કરી. આ ફિલ્મ હિન્દી ભાષામાં બની હતી જે 1944 સુધી રિલીઝ થયેલી રાજા ભરથરીની દરેક ફિલ્મોમાંની સૌથી સફળ અને લોકપ્રિય ફિલ્મ બની રહી હતી. આ ફિલ્મની સફળતા જોઈને આ જ વર્ષે ડિરેક્ટર કે. સુબ્રમણ્યમ તામિલ ભાષામાં ‘ભર્તુહરિ’ નામની ફિલ્મ લઈને આવ્યા હતા.
રાજા ભરથરી પર મૂક, હિન્દી અને તામિલ બાદ પહેલી ગુજરાતી ફિલ્મ ‘રાજા ભર્તુહરિ’ 1949 માં ડિરેક્ટર રમણીક વૈદ્ય લઈને આવ્યા હતા જેમાં રાણી પ્રેમલતા, ઉમાકાંત, દલપત સિંહ, કાંતા કુમારી, લલીત રાવ, ગુલામ રસુલ, ચંદ્રિકા, કનુભાઈ વ્યાસ, બળવંત લોબાન, મુગતલાલ, આગા જેવા કલાકારોએ અભિનય કર્યો હતો. આ ફિલ્મનું સંગીત ચિત્રગુપ્તે આપ્યું હતું અને ગીતો રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે સર્જ્યા હતા. આ ફિલ્મમાં નવ ગીત હતા જેમાં ‘જોગી આવ્યો એક આંગણે... ભિક્ષા આપો મૈયા પિંગળા’ મુખ્ય ગીત હતું અને જે આગળ સમય જતા અલગ રૂપરંગમાં તૈયાર કરવામાં આવ્યું.
1949 બાદ ફરીથી હિન્દીમાં ‘રાજયોગી ભરથરી’ નામની ફિલ્મ બની. વર્ષ હતું 1954 અને ડિરેક્ટર હતા રમણ દેસાઈ. કલાકારોમાં સુમિત્રા દેવી રાણી પિંગળા તરીકે, બિપીન ગુપ્તા રાજા ભતૃહરિ તરીકે, ત્રિલોક કપૂર સાધુના રૂપે, એસ.એન. ત્રિપાઠી, જાનકીદાસ, ડી.કે. સપરુ, આશા માથુર અને હીરા સાવંત જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. સંગીત શંકરરાવ વ્યાસનું હતું અને ગીતકાર ગોપાલસિંહ નેપાલી તથા સરસ્વતી કુમાર દીપક હતા. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ બાદ 1965 માં રાજસ્થાની ભાષામાં ‘ગોપીચંદ ભતૃહરિ’ નામે ફિલ્મ બની હતી. આ ફિલ્મની ખાસ વાત એ હતી કે રાજસ્થાનના સ્થાનિકો દ્વારા આ ફિલ્મમાં અભિનય કરવામાં આવ્યો હતો. વળી લોકકથાને વધારે અસરકારક બનાવવા લોકભજન અને નાથ સંપ્રદાયના પદોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મણીભાઈ વ્યાસ આ ફિલ્મના ડિરેક્ટર હતા.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com



Comments
Post a Comment