‘રાજા ભરથરી’ ની લોકપ્રિયતા આજે પણ યથાવત્

1973 ની આ ફિલ્મ દમદાર ગીત-સંગીત અને ધારદાર સંવાદોથી ભરેલી હતી



1970-75 ના સમયમાં અનેક એવી ગુજરાતી ફિલ્મો બની જે લોકકથા પર આધારિત હતી. ‘જેસલ તોરલ’ (1971), ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ (1972), ‘હોથલ પદમણી’ (1974), ‘તાના રીરી’ (1975) જેવી અનેક ફિલ્મો આ ગાળામાં રિલીઝ થઈ. આ જ સમયમાં 1973માં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, સ્નેહલતા, રમેશ મહેતા, જય શ્રી ટી જેવા કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘રાજા ભરથરી’ પણ રિલીઝ થઈ હતી. 

ડિરેક્ટર રવિન્દ્ર દવે દ્વારા બનવવામાં આવેલી આ ફિલ્મ ‘રાજા ભરથરી’ માં અવિનાશ વ્યાસનું સંગીત હતું. ગાયક કલાકારોમાં સુમન કલ્યાણપૂર, આશા ભોસલે, ઉષા મંગેશકર, સુલોચના વ્યાસ અને મહેન્દ્ર કપૂરે સ્વર આપ્યો હતો. ફિલ્મની કથા અને સંવાદ રમેશ મહેતાએ લખ્યા હતા. ધારદાર સંવાદ અને સંગીતને લીધે ફિલ્મની સફળતા સોળે કળાએ ખીલી હતી. વળી સ્ટારકાસ્ટમાં એ સમયની સૌથી લોકપ્રિય ગણાતી ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી આકર્ષણનું કેન્દ્ર હતી. ત્રિવેદી બંધુઓએ પણ ‘જેસલ તોરલ’ (1971) ની જેમ ફરી એકવાર એકસાથે મોટા પડદે જોવા મળ્યા હતા. 

ઉજ્જૈનના રાજા ગંધર્વસેનાના મોટા પુત્ર, રાજા વિક્રમાદિત્યના મોટા ભાઈ અને રૂપના અંબાર જેવી રાણી પિંગળાના પતિ રાજા ભર્તુહરિ, રાજા ભરથરી, સંત ભરથરી તરીકે ઓળખાય છે. આજની તારીખે પણ તેમના નામની અનેક લોકકથા ઉજ્જૈન અને ગુજરાત સહિત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલી છે. રાજા ભરથરી પર આમ તો અનેક ભાષામાં, અનેકોવાર ફિલ્મો બની છે. ગુજરાતી ભાષામાં પણ રાજા ભરથરી પર બેથી વધારે ફિલ્મો બની છે જેમાંથી માત્ર 1973 માં રિલીઝ થયેલી ફિલ્મની પ્રિન્ટ નબળી ક્વૉલિટીમાં મળી રહે છે. આવા હાલ અન્ય જૂની ગુજરાતી ફિલ્મોના પણ છે જેના તરફ ધ્યાન આપનારા લોકો આંગણીના વેઢે ગણી શકાય એટલા છે. 

રવિન્દ્ર દવેની આ 1973માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાજા ભરથરી’ ની વાત કરીયે તો ગુરૂ મછેન્દ્રનાથના સૌથી શ્રેષ્ઠ શિષ્ય ગુરૂ ગોરખનાથ (અરવિંદ ત્રિવેદી) ને સંસારવિલાસમાં મગ્ન એવા રાજા ભરથરી (ઉપેન્દ્ર ત્રિવેદી) ને તેમના જીવનલક્ષ્યને મેળવવા અને તેમની અંતરઆત્માને સંસાર કલ્યાણ માટે જાગૃત કરવાનો આદેશ મળે છે. સામાપક્ષે રાજા ભરથરી, રાણી પિંગળા (સ્નેહલતા) સાથે ભોગવિલાસ અને સંસારવિલાસમાં એવા મગ્ન છે કે રાણી પિંગળા વિના તેમના જીવનની એકક્ષણ પણ પસાર થતી નથી. 

વેશ બદલીને આવેલા ગુરૂ ગોરખનાથ રાજા ભરથરી સાથે મિત્રતા કરે છે અને રાણી પિંગળા સામે પડકારો ઊભા કરે છે. ટૂંકમાં રાજા ભરથરીને સંત ભરથરી બનાવવાની આ હરિફાઈ ગુરૂ ગોરખનાથના તપ અને રાણી પિંગળાના સતીત્વ વચ્ચેની લડાઈ છે જેમાં ગુરૂ ગોરખનાથનો વિજય થાય છે. 

ફિલ્મનું સૌથી આકર્ષક અને હ્યદયદ્રાવક તત્વ એનો ક્લાઇમેક્સ છે. જીવથી પણ વ્હાલી રાણી પિંગળા જ્યારે ગુરૂ ગોરખનાથના રચાયેલા ષડયંત્રમાં ફસાય છે ત્યારે પોતાના જ ભરથાર સામે ખોટી પડે છે અને રાજાનો સંસાર પરથી વિશ્વાસ ઉઠી જાય છે. ગુરૂ ગોરખનાથ એ સમયે આવીને રાજાને સન્યાસી બનવા અને ભગવો ધારણ કરવાનો આદેશ આપે છે અને સાથે પહેલી ભિક્ષા પોતાની જ પત્ની પિંગળાને માતા કહી તેના મોઢા બેટા શબ્દ સાંભળી લાવવાનું કહે છે. ફિલ્મમાં આ સમગ્ર કિસ્સાને ‘ભિક્ષા દેને મૈયા પિંગળા, જોગી ઉભો છે તારે દ્વારે’ ગીત દ્વારા અને ઓછા પણ અસરકારક એવા ડાયલોગ્સ સાથે અંદાજે દસેક મિનીટ સુધી દર્શાવવામાં આવ્યું છે. રાજાની સંત તરીકે મક્કમતા અને રાણીના પતિવિયોગને આકર્ષક રીતે મોટાપડદે નિભાવવામાં કલાકારોએ અને નિર્દેશકે જરાય પાછી પાની નથી કરી અને એની અસર ફિલ્મની લોકપ્રિયતા પર આજે પણ જોવા મળે છે.

‘ભિક્ષા દેને મૈયા પિંગળા, જોગી ઉભો છે તારે દ્વાર મૈયા પિંગળા’ ઉપરાંત ‘પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના’ જેવા ગીતો-ભજનોને માણનારો એક અલાયો વર્ગ આજે પણ શ્વસી રહ્યો છે. ‘ભિક્ષા દેને મૈયા પિંગળા’ આખા ફિલ્મનો સાર વર્ણવી દે એવી રચના છે, જેમાં પતિ-પત્નીના સંવાદ ઉપરાંત ભિક્ષુક અને ભિક્ષા દેનાર વચ્ચનો સંવાદ જોવા મળે છે. આ બે યાદગાર ગીતો ઉપરાંત ‘ઉંબરો ઓળંગો તો તમને મારા સમ છે’, ‘સજી શણગાર આવી તારે દરબાર, મને લાગ્યું નજરીયાનું તીર આરપાર’, ‘છુપાઓ છો શાને ઘુંઘટમાં ઘેરાવીયા શ્રાવણની ઘટાને’, ‘રાજન હંસ મારું તમે કરો થોડું કામ, ઉડીને જાઓ મારા પ્રીયતમને ધામ’, ‘મારા પ્રીતમની હું પ્રણયીની, રંગે રમી લઉં રાસ રંગ ભીની’ જેવા ગીતો દર્શાવવામાં આવ્યા હતા. મોટાભાગની જનતા આ ફિલ્મના ફક્ત બે-ત્રણ ગીતોથી જ વધારે પરિચીત છે જ્યારે અન્ય ગીતો ભાગ્યે જ સાંભળવા મળે છે. રાજા ભરથરી પર બનેલી ફિલ્મોની વાત કરશું આવતા લેખમાં.

 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં