પરિવાર માટે સિદ્ધાંતોને નેવે મૂકશે કનૈયાલાલ
માત્ર 18 દિવસમાં તૈયાર થયેલી ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ આજથી સિનેમાઘરોમાં
વર્ષ 2026 ના પહેલા મહિનાની પહેલી મોટી કહી શકાય એવી ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ આજે થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. ગુજજુભાઈ ફેમ સિદ્ધાર્થ રાંદેરિયા, બા બહુ ઔર બેબી ફેમ વૈશાલી ઠક્કર સહિત હિતુ કનોડિયા, શ્રેય મરડિયા અને અનેરી વજાણી આ ફિલ્મમાં અભિનય કરતા જોવા મળશે. સિદ્ધાર્થ ભાઈની છેલ્લી ફિલ્મ રત્ના પાઠક શાહ સાથેની ‘બચુની બેનપણી’ હતી જેણે ઇન્ડસ્ટ્રીમાં હાસ્યની લહેર ફેલાવી દીધી હતી અને આજની આ ફિલ્મ પણ એ જ દિશામાં આગળ વધવાની સાથે કંઈક નવું રજૂ કરવાના દ્રષ્ટિકોણથી રિલીઝ કરવામાં આવી છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શરૂઆતના 500 જેટલા એપિસોડના ડિરેક્ટર રહી ચૂકેલા ધર્મેશ મહેતાએ ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ ડિરેક્ટ કરી છે. આ પહેલા તેઓ ‘મોમ તને નહીં સમજાય’, ‘જયસુખ ઝડપાયો’ જેવી ફિલ્મો ઢોલીવૂડને આપી ચૂક્યા છે. વૈશાલી ઠક્કર (પુષ્પા) પણ પહેલીવાર સિદ્ધાર્થ રાંદેરિયા અને હિતુ કનોડિયા સાથે કામ કરી રહી છે. શ્રેય મરડિયા અને અનેરી વજાણી કનૈયાલાલના દીકરા-દીકરીના પાત્રમાં જોવા મળશે જ્યારે દસથી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં પોલીસ અધિકારીનું પાત્ર ભજવી ચૂકેલા હિતુ કનોડિયા ફરી એકવાર આ ફિલ્મ થકી પોલીસ અધિકારીના પાત્રમાં જોવા મળશે. જોકે પોતાને વારંવાર પોલીસનું પાત્ર મળી રહ્યું હોવાના સવાલ સામે તેમણે હાસ્ય ઉમેરતા એક મુલાકાતમાં કહ્યું પણ હતું કે તેમણે હવે પોલીસના કપડા સીવડાવી જ રાખ્યા છે, જેથી કરીને એ બધી ફિલ્મો ચાલી જાય.
ફિલ્મની વાર્તા મુજબ કનૈયાલાલ તેમની દીકરી જ્યોતિ (અનેરી વજાણી) ના લગનના થોડા દિવસ પહેલા એક મોટા બેન્ક સ્કેમમાં પોતાની સમગ્ર પૂંજી ગુમાવી બેસે છે. અચાનક કસમયે આવેલા આ સંકટથી પોતાના પરિવારને ઉગારવા કનૈયાલાલ નિરાશાજનક અને જોખમી નિર્ણય લે છે, જેના પર પોલીસ ખાસ નજર રાખે છે. આવી બેવડી કપરી પરિસ્થિતીમાંથી કનૈયાલાલ કઈ રીતે બહાર આવે છે, કઈ રીતે પરિવારને સાચવે છે, તેના સિદ્ધાંતોનો તે અમલ કરે છે કે તેને જીંદગીમાંથી ડિલીટ કરી નાખે છે એ જોવાનું રહેશે. ટૂંકમાં ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ માં હળવી રમૂજ સાથે, સંવેદનશીલ ભાવનાઓ અને પારિવારીક મૂલ્યોને દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં માતા-પિતા વચ્ચેના વિચારભેદ, પેઢીઓના અંતર અને સંસ્કૃતિને લઈને થતાં મતભેદ દર્શાવાયા છે. તેમ છતાં પરિવાર સાથે જોઈ શકાય એવી રમૂજથી ભરેલી આ ફિલ્મ દર્શકોને ગમે એવી છે.
હિતુ કનોડિયાની વૈશાલી ઠક્કર અને સિદ્ધાર્થ રાંદેરિયા સાથેની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. આ ત્રણેય દમાદાર કલાકાર મોટા પડદે એક સાથે આવશે એટલે ઓડિયન્સને મજા તો આવવાની જ. હવે ફિલ્મ મેકિંગની વાત કરીયે તો આ ફિલ્મનું શૂટિંગ માત્ર 18 દિવસમાં આટોપી લેવાયું હતું અને મોટાભાગનું શૂટિંગ મુંબઈ અમદાવાદ તથા નડિયાદની બાજુમાં આવેલા વસો ગામે કરવામાં આવ્યું હતું. વસો ગામમાં આવેલી 100-200 બસ્સો વર્ષ જૂની હવેલીઓને લીધે સીનનો કેનવાસ વધારે દીપી ઉઠે છે.
ફિલ્મમાં કેદાર ભાર્ગવનું સંગીત છે જ્યારે ટાઇટલ સોન્ગ આદિત્ય ગઢવીએ ગાયું છે. આ ઉપરાંત પાર્થિવ ગોહિલ, અમિત ત્રિવેદી અને શાન મુખર્જીનો સ્વર ફિલ્મમાં માણવા મળશે. લાલો ફિલ્મમાં લાલો એ પાત્રનું પણ નામ હતું અને ફિલ્મનું પણ એ જ રીતે અહીં કનૈયાલાલ પાત્રનું પણ નામ છે અને ફિલ્મનું પણ, એ ન્યાયે હવે આ ફિલ્મ કેટલું સફળ બોક્સ ઓફિસ કલેક્શન કરી શકે છે એ જોવું રહેશે. છેલ્લી પડદા પાછળની વાત એ કે આ ફિલ્મનું નામ પહેલા ‘મોહન વર્સેસ મોહન’ રાખવાનો વિચાર કરવામાં આવ્યો હતો પણ અંતે ‘જય કનૈયાલાલ કી’ માન્ય રાખવામાં આવ્યું.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com


Comments
Post a Comment