ફિલ્મ એક પણ રજૂઆત ત્રણ
'જોગીદાસ ખુમાણ' પર બનેલી ત્રણે ફિલ્મો પોતપોતાની વિવિધ ખાસિયતોને કારણે સફળત રહી
ગુજરાતી સિનેમા જગતમાં ઘણી ફિલ્મો એવી રહી છે જે અનેકવાર નિર્માણ પામી છે અને એમાંની એક ફિલ્મ એટલે 'જોગીદાસ ખુમાણ'. આ ફિલ્મ 1948 થી લઈને 1975 સુધી ત્રણ વાર બની ચૂકી છે અને ત્રણેય વાર આ ફિલ્મ સફળતાના શિખરો સર કરી શકી છે.
સૌથી પહેલા વર્ષ 1948 માં રૂપ છાયાના નેજા હેઠળ આ ફિલ્મ નિર્માણ પામી હતી જેનું દિગ્દર્શન મધુસુદન અને મનહર રસકપૂરે કર્યું હતું. ફિલ્મની મુખ્ય વાર્તા અને તેના સંવાદ કવિ જામન એટલે કે ગુજરાતી રંગભૂમિના અગ્રણી અને ક્રાંતિકારી નાટ્યકાર જમનાદાસ મોરારજી સંપટે લખ્યા હતા. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં અરવિંદ, દલપત, વિમલ, ચાંપશીભાઈ નાગડા, રતીકુમાર વ્યાસ, ચીમનલાલ, સંજય, નર્મદાશંકર, બળવંત લોબાન, કુસુમ ઠક્કર, પ્રમિલા, ફૂલરાણી અને કુમુદ જેવા કલાકારોએ અભિનય કર્યો હતો જ્યારે આજની તારીખના લોકપ્રિય સંગીતકાર લક્ષ્મીકાંતે આ ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. 1948 ની આ ફિલ્મમાં ગીતો અવિનાશ વ્યાસ, વેણીભાઈ પુરોહિત, પ્રહલાદ પારેખ તથા કૈલાશ પંડ્યાએ લખ્યા હતા જેમાં રતીકુમાર વ્યાસ, આમિરભાઈ કર્ણાટકી, ઇન્દુ કુમાર, ગાંધારી, રમેશ દેસાઈ, પ્રમીલાબાઈ અને અરવિંદ પંડ્યાનો સ્વર માણવા મળ્યો હતો. આજ ફિલ્મનું અમીરબાઈના સ્વરમાં ગવાયેલો હાલરડું 'હાલુલુલુ હાલ રે ખમ્મા' અને 'જોગી હાલ્યો જાય' ગીત ખૂબ જ લોકપ્રિય થયા હતા.
1962 માં મંગલમ નામના પ્રોડક્શન હાઉસે 'જોગીદાસ ખુમાણ' નામની ફિલ્મ બનાવી હતી જેનું દિગ્દર્શન ફરી એક વાર મનહર રસકપૂરે જ સંભાળ્યું હતું અને આ ફિલ્મની પટકથા પણ તેમણે જ તૈયાર કરી હતી જ્યારે ફિલ્મની મૂળ કથા ગુણવંતરાય આચાર્યએ તૈયાર કરી હતી. આ ફિલ્મમાં પણ અવિનાશ વ્યાસનું સંગીત હતું અને મુખ્ય અભિનેતેઓમાં આપણને પી જયરાજ સહિત અરવિંદ, ઉર્મિલા ભટ્ટ, અરુણા, બાબુરાજે, યશોધરા, રતી કુમાર વ્યાસ અને બાળ કલાકાર તરીકે વિજય કોટક તથા નૂતન, નીતિન શાહ અને કમલ અભિનય કરતા જોવા મળે છે. ફિલ્મના ગીતો માં આપણને આશા ભોંસલે, મન્ના ડે, વીણા મહેતા, મીનાબેન શાહ, રતિકુમાર અને બદ્રી પ્રસાદનો સ્વર સાંભળવા મળે છે. 1962 ની આ ફિલ્મ સોરઠી દુહા સાહિત્ય અને ખૂબ જ બારીકિથી રજૂ કરવામાં સફળ રહી હતી.
જોગીદાસ ખુમાણ એક એવી શોર્યની અને સમર્પણની કથા છે જેમાં એક વ્યક્તિ અન્યાય સામે બાથ ભીડવા માટે બહારવટિયો બને છે. 1975 માં આવેલી રંગીન ફિલ્મ 'જોગીદાસ ખુમાણ' રામકુમાર બોહરા દ્વારા નિર્માણ પામી હતી અને આ ફિલ્મની કથા તેના સંવાદ લેખન અને દિગ્દર્શનમાં ફરી એકવાર મનહર રસકપૂરનો અમૂલ્ય ફાળો રહ્યો હતો અને ફરી એકવાર આ ફિલ્મના ગીતકાર તથા સંગીતકાર તરીકે અવિનાશ વ્યાસે ફરજ બજાવી હતી પણ આ વખતે ગીતકારોમાં મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર, સુલોચના વ્યાસ, વેલજીભાઈ ગજ્જર તથા દિલરાજકૌરનો સ્વર સાંભળવા મળે છે જ્યારે મુખ્ય કલાકાર તરીકે અરવિંદ ત્રિવેદી, અરવિંદ પંડ્યા, ઉર્મિલા ભટ્ટ, પદ્મારાણી, મંજરી દેસાઈ, રમેશ મહેતા, રામકુમાર, રજની બાળા, પી ખસરાણી, વેલજીભાઈ ગજ્જર, સુરેશ રાવલ જેવા અનેક કલાકારો અભિનય કરતા જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મ 'જોગીદાસ ખુમાણ' જેટલી પણ વાર બની એટલી વાર વિવિધ કારણોસર લોક હૈયામાં પોતાનું સ્થાન બનાવી શકી અને આજની તારીખમાં આ ફિલ્મની વાર્તા તથા આ ફિલ્મના ગીતો લોક હૈયે જીવંત છે અને એ જ આ ફિલ્મની સફળતા છે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com


Comments
Post a Comment