નલિની જયવંતની એકમાત્ર ગુજરાતી ફિલ્મ એટલે 'વારસદાર'

આ એક ફિલ્મ થકી નલિની જયવંતે ગુજરાતી ફિલ્મોમાં પોતાની છાપ છોડી અને ગીતને પોતાનો સ્વર પર આપ્યો



ગુજરાતી ફિલ્મજગતમાં ૧૯૪૮માં રજૂ થયેલી ફિલ્મ 'વારસદાર' એક મહત્વપૂર્ણ સામાજિક ફિલ્મ તરીકે આજની તારીખે પણ ઓળખાય છે. આ ફિલ્મનું દિગ્દર્શન મગનલાલ ઠક્કરે કર્યું હતું, જ્યારે તેનું નિર્માણ લક્ષ્મીચંદ શાહે શ્રી સૌરાષ્ટ્ર પ્રોડક્શનના બેનર હેઠળ કર્યું હતું. ફિલ્મની કથા દામુ સાંગાણીએ લખી હતી અને સંગીત ગુજરાતી ફિલ્મસંગીતના પ્રખ્યાત સંગીતકાર અવિનાશ વ્યાસે આપ્યું હતું. ફિલ્મ 'વારસદાર' માં હરસુખ કિકાણી અને નલિની જયવંત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

ફિલ્મની વાર્તા અમદાવાદના એક શ્રીમંત વેપારી બિહારીલાલ અને તેના ભત્રીજા વિનય (હરસુખ કિકાણી) ની આસપાસ ફરે છે જે બેરોજગાર હોવાથી બિહારીલાલની સાથે રહે છે. આ દરમિયાન વિનયનો પરિચય નીલા (નલિની જયવંત) નામની યુવતી સાથે થાય છે. સટ્ટામાં ઘણાં પૈસા ગુમાવી ચૂકેલા નીલાના કાકા જયપ્રસાદ નીલાના લગ્ન નિઃસંતાન એવા બિહારીલાલ કરાવવાની યોજના બનાવે છે. નીલાને તેના કાકાની આ યોજના વિશે ખબર પડતા તે વિનયને પોતાની સાથે લગ્ન કરવાની વાત કરે છે પણ, વિનય બિહારીલાલની મંજૂરી વિના કોઈ નિર્ણય લેવા તૈયાર થતો નથી જેને લીધે નીલા તેને કાયર સમજી પોતાના પિતા સાથે બીજા શહેર જતી રહે છે.

બીજી બાજુ બિહારીલાલ વિનયના સ્વભાવ અને ક્ષમતાની પરીક્ષા લેવા માટે પોતાનો ધંધો તેને સોંપી અજાણ્યા સ્થળે ગરીબોની સેવા કરવા માટે નીકળી જાય છે. જ્યાં તેની મુલાકાત ફરીથી નીલા અને તેના ગરીબ પિતા સાથે થાય છે. આ તરફ, વિનય સફળતાપૂર્વક ધંધો સંભાળી લેય છે જેના સમાચાર સમયાંતરે બિહારીલાલને મળતા રહે છે. આ ગાળામાં વિનય નીલાની શોધમાં લગ્નની જાહેરાત આપે છે અને અંતે બિહારીલાલ આ જાહેરાત જોઈને વિનય અને નીલાનું પુનર્મિલન કરાવે છે.

ફિલ્મ 'વારસદાર' ની વાર્તા ૧૯૪૮ ના ગાળામાં ઘણી લોકપ્રિય રહી હતી કારણકે એ સમયે પરિવાર માટે વારસની ચાહના મોટાભાગે રાખવામાં આવતી. ફિલ્મના કલાકારોમાં હરસુખ કિકાણી (વિનય), નલિની જયવંત (નીલા), કુસુમ ઠાકર, હસમુખ કુમાર, સગુણા, કમલેશ ઠાકર, ભગવાન દાસ, મિસ સાવરીયા, બકુલેશ પંડિત, કમલાકાંત અને તારાબાઈનો સમાવેશ થાય છે. ખાસ નોંધનીય બાબત એ છે કે નલિની જયવંતની આ એકમાત્ર ગુજરાતી ફિલ્મ હતી.

વારસદાર માત્ર એક મનોરંજક ફિલ્મ જ નથી, પરંતુ જવાબદારી, સંસ્કાર, પરિશ્રમ, માનવતા અને સાચા સંબંધોના મૂલ્યોને ઉજાગર કરતી એક અસરકારક સામાજિક ફિલ્મ પણ છે. આ ફિલ્મમાં કુલ સાત ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મનું ‘કડકાબાલીશ કરે બૂટ-પૉલિશ’ ગીત અત્યંત જાણીતું થયું હતું. આ ઉપરાંત ‘તારે થાવું કયા મોરલાની ઢેલ ?’, ‘પ્રીત કરી તો કરી જાણો’, ‘એક હતો રાજા ને એક હતી રાણી’, ‘આજ સખી ઉરસાગર આરે ઊતરતાં પાણી’, ‘હું શું કરું ? કોઈ કાળજું લઈ જાય છે’ અને 'ઇશ્કની ગલીમાં હરદમ કદમ ના રાખો, પ્રીત કરી તો કરી જાણો' જેવાં કાવ્યતત્વસભર ગીતો હતાં. જાણીતી પાર્શ્ર્વગાયિકા ગીતા રૉય તથા હરસુખ કિકાણી અને નલિની જયવંતના સ્વરમાં આ ગીતો માણવા મળે છે.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’