100 અઠવાડિયા થિયેટરમાં ચાલી હતી ‘વણઝારી વાવ’
સંગીત અને ગીતોની લોકપ્રિયતાને લીધે આ ફિલ્મ આજે પણ લોકહૈયૈ જીવંત છે
1970-80 માં મહેશ-નરેશની બેલડીનો જાદુ ગુજરાતી સિનેમા જગતમાં ચોમેર ફેલાયેલો હતો. એવામાં 1977 માં તેમની એક ફિલ્મ આવે છે ‘વણઝારી વાવ’. આ ફિલ્મ ચંદ્રકાન્ત સાંગાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મ પહેલા તેઓ 1968 પણ ‘મારે જેવું પેલે પાર’, 1970 માં ‘જીગર અને અમી’, 1975 માં ‘તાનારીરી’ અને 1976 માં ‘સતી જસમા ઓઢણ’ જેવી લોકપ્રિય ફિલ્મ આપી ચૂક્યા હતા.
1977 માં આવેલી ફિલ્મ ‘વણઝારી વાવ’ વાસ્તવમાં શયદાની એ જ નામથી પ્રગટ થયેલી નવલકથાનું ફિલ્મી સ્વરુપ હતું જેમાં કેટલીક છૂટ લઈને ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી. 1948 માં આ જ વાર્તા ‘કરિયાવર’ નામે ફિલ્મી પડદે રજૂ થઈ હતી.
ઘણા ઓછાને એ વાતનો અંદાજો હશે કે આ ફિલ્મ કનોડિયા બ્રધર્સની પહેલી રંગીન ગુજરાતી ફિલ્મ હતી જેમાં નરેશ કનોડીયા સહિત લક્ષ્મી છાયા, અરવિંદ જોશી, રમેશ મહેતા, મંજરી દેસાઈ તથા જયશ્રી તલપડે મુખ્ય કલાકાર તરીકે જોવા મળ્યા હતા. એની સાથે સહ કલાકારોમાં આપણને શેખર પુરોહિત, ઉર્મિલા ભટ્ટ, પ્રભાકર જોશી, ઈન્દુમતી રાજડા, કનુ ઠાકર, દેવેન્દ્ર પંડિત, ચીમન મારવાડી, દેવ્યાની ઠક્કર, કાંતિ પટેલ જેવા અનેક રંગભૂમિના કલાકારો પણ અભિનય કરતા જોવા મળ્યા હતા.
આ ફિલ્મની શરૂઆત જ ‘વણઝરા રે’ ગીતથી થાય છે અને ફિલ્મનો અંત પણ આજ ગીત થાય છે. ફરક માત્ર ગીતોની પરિસ્થિતિમાં દર્શાવાયો છે. ફિલ્મની શરૂઆતમાં દર્શાવાયેલું ગીત આનંદ, ઉત્સાહનો ભાવ દર્શાવે છે જ્યારે ફિલ્મના અંતમાં એ કરુણ ભાવ દર્શાવે છે જે ખરેખર મનમોહક છે. આ ઉપરાંત ‘પૂર ઝપાટે’, ‘બાર બાર વર્ષે’, ‘ચુડલી પહેરી લે મારા નામની’, ‘આજ રે સપનામાં’, ‘દુહા’, ‘દયા પ્રભુની’ અને દમયંતી બરડાઈના સ્વરમાં સૌથી લોકપ્રિય ગીત ‘મેળે મેળે મોરલડી હેલે ચડી’ એમ કુલ સાત ગીતો સામેલ કરાયા છે.
પ્રણય ત્રિકોણનો જે ખેલ શયદાએ પોતાની મૂળ વાર્તામાં રમ્યો છે એને વધુ સચોટ રીતે પડદા પર ઉતારવામાં ફિલ્મ મેકર સફળ રહ્યા છે અને એના ગીતો આજે પણ લોકપ્રિયતાની ચરમ સીમાએ જોવા મળે છે. વળી કેટલાક ક્લોઝઅપ શોટસ સહિત અભિનેતાઓના બારીક હાવભાવ મનમાં ઘર કરી જતા અને કદાચ એટલે જ આ ફિલ્મ 15-20 નહીં પણ એ સમયમાં 100 અઠવાડિયા સુધી થિયેરમાં ચાલી હતી, જે એ સમયના એક રેકોર્ડ તરીકે જ નોંધી શકાય.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com

.jpg)
Comments
Post a Comment