શયદાની વાર્તા પરથી બની છે ‘કરિયાવર’
1948 બાદ છેક 1977 માં આ જ વાર્તા નવલકથાના મૂળ શીર્ષક સાથે રિલીઝ થાય છે, જે હતું ‘વણઝારી વાવ’
ગુજરાતી ફિલ્મ જગતમાં કેટલીક એવી ફિલ્મો છે, જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ સમાજ, સંસ્કૃતિ અને લોકવાર્તાઓને પડદા પર જીવંત બનાવી ગઈ છે. એવી જ એક નોંધપાત્ર ફિલ્મ છે ‘કરિયાવર’, જે વર્ષ ૧૯૪૮માં રજૂ થઈ હતી. ચતુર્ભુજ દોશીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે ગુજરાતી લોકસંસ્કૃતિ અને ગ્રામ્ય જીવનની ભાવનાને ઊંડાણથી સ્પર્શી હતી.
સાગર મૂવીટોનના બેનર હેઠળ નિર્માતા ચીમનલાલ દેસાઈએ બનાવેલી આ ફિલ્મ શયદાની લોકપ્રિય વાર્તા ‘વણઝારી વાવ’ પર આધારિત હતી. ફિલ્મની વાર્તામાં પ્રેમ, વિશ્વાસ, ઈર્ષ્યા અને બલિદાન જેવા તત્વોને એવી રીતે રજૂ કરવામાં આવ્યા છે કે તે દર્શકોના મનમાં આજે પણ જીવંત છે. ફિલ્મની કથા એક ગામથી શરૂ થાય છે, જ્યાં નવા મંદિરની સ્થાપનાને લઈને એક અદ્દભુત પડકાર મૂકવામાં આવે છે — ઝેરી નાગને ઘડામાંથી બહાર કાઢનારને વિશેષ સન્માન મળશે. ગામની નિર્ભય યુવતી રાજુ (દીના સંઘવી) આ પડકાર સ્વીકારી સફળ થાય છે. રાજુની હિંમતથી પ્રસન્ન થયેલા નાગદેવતા તેને વચન આપે છે કે જરૂર પડ્યે તે તેની મદદ માટે આવશે.
આગળ કથામાં પ્રેમ અને સંઘર્ષનો રંગ ચડે છે. માધવ અને રાજુનો પ્રેમ, વીરાની ઈર્ષ્યા અને ચંપાનો ત્યાગ વાર્તાને વધુ ભાવુક અને રસપ્રદ બનાવે છે. ગામમાં પાણી માટે વાવ ખોદવાની ઘટના અને અંતે બલિદાન દ્વારા પાણી ફૂટવાની ઘટના ફિલ્મનું સૌથી અસરકારક પરાકાષ્ઠા બિંદુ બની રહે છે, જે ફિલ્મમાં ક્લાઇમેક્સ તરીકે આપણે જોઈ શકીયે છીએ.
આ ફિલ્મ અભિનેત્રી દીના સંઘવી (દીના પાઠક) ની આ પહેલી ફિલ્મ હોવાનું માનવામાં આવે છે. આ ફિલ્મમાં તેમની સાથે ધુલિયા, શોભા, મુલચંદ ખીચડી, મનહર દેસાઈ,છનાલાલ, ઉર્મિલા, કુસુમ ઠાકુર, કમલકાંત, શ્યામાબાઈ, નરેન્દ્ર દેસાઈ અને અન્ય કલાકારોએ પણ અસરકારક અભિનય કર્યો હતો અને આ ફિલ્મ આજની તારીખે પણ વખણાય છે.
ફિલ્મના સૌથી સફળ પાસા એવા સંગીતની વાત કરીએ તો અજિત મર્ચન્ટે ફિલ્મ ‘કરિયાવર’ માં સુમધુર સંગીત આપ્યું હતું, જેમાં ગીતા દત્ત, મુકેશ અને મીના કપૂર જેવા ગાયકોના લીધે ફિલ્મના ગીતોને વિશેષ લોકપ્રિયતા મળી હતી. ફિલ્મમાં કૂલ 9 ગીતો સામેલ હતા જેમાં ‘મને માર્યા નૈનના બાણ’, ‘ગોરી ઝાઝા ના રહીયે ગુમાનમાં’, ‘આવે ને જાય’, ‘ભોળીને ભરમાવી’, ‘ગોકુળિયું ગામ નાનું’, ‘હે માન ભૂલેલી’, ‘કેસુડાની કળીએ’, ‘મારે સપનાને માંડવડે’, ‘વણઝારારે’ જેવા ગીતો આજે પણ ગુજરાતી સંગીતપ્રેમીઓમાં યાદગાર બની રહ્યા છે. ગીતોના શબ્દો ચૈતન્ય અને નંદકુમાર પાઠકે રચ્યા હતા.
જોવા જઈએ તો ‘કરિયાવર’ એ માત્ર ફિલ્મ નહોતી, પરંતુ તે સમયના ગુજરાતી સમાજની માન્યતાઓ, લોકઆસ્થાઓ અને સંબંધોની ગાથા હતી. પ્રેમ અને બલિદાનના આ સંદેશ સાથે આ ફિલ્મે ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પોતાની આગવી ઓળખ બનાવી અને 1977 માં આ જ વાર્તા એની મૂળ નવલકથાના શીર્ષક સાથે ‘વણઝારી વાવ’ નામે ફિલ્મ બનાવી રિલીઝ કરવામાં આવે છે, જેની વાત કરીશું બીજા કોઈ લેખમાં.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com
.jpg)

Comments
Post a Comment