સંગીત વિનાની ગુજરાતી ફિલ્મ કલ્પી શકાય?
માત્ર સંગીત જ નહીં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ફિલ્મને એક વેંત ઉંચી લઈ જવામાં પાયાની ભૂમિકા ભજવે છે
શું તમે ક્યારેય ગીત સંગીત વિનાની ફિલ્મ કલ્પી શકો છો? જવાબ આપણે સૌ જાણીયે છીએ.. ના, એ શક્ય નથી. શક્યતા અને અશક્યતાની વાતને બાજુમાં મૂકી કહેવાનું તાત્પર્ય માત્ર એટલું કે આજની તારીખમાં બનતી દરેકે દરેક ફિલ્મ ગીત સંગીત વગર બનવી શક્ય નથી. ઢોલીવૂડમાં હાલમાં એવી ઘણી ફિલ્મો બની છે જે માત્ર ગીત-સંગીતને લીધે લોકોનું ધ્યાન આકર્ષી શકી છે.
વાસ્તવમાં ફિલ્મની વાર્તાને કેન્દ્રસ્થાને રાખીને ગીતકાર ગીતોનું નિર્માણ કરતા હોય છે અને ત્યાર બાદ સંગીતકાર એને સંગીતના બીબામાં ઢાળવાનો પ્રયાસ કરે છે. એમાં પણ સંગીતના સૂર, તાલ, લય, વાંજિત્રોનો જોઈએ એટલો ઉપયોગ જેવા મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખવા પડે છે. ભારતીય અને એમાં પણ ખાસ ગુજરાતી પ્રજા સંગીતઘેલી ખરી એટલે ગીત-સંગીત વિનાની ગુજરાતી ફિલ્મ કલ્પી શકાય એમ નથી. તેમ છતાં કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ ‘વશ’ અને ‘રાડો’ એકપણ ગીત વગર બનેલી એવી ફિલ્મો છે જે સફળતા પામી છે. આ બંને ફિલ્મોમાં કોઈ ઓફિશ્યલ ગીત ન હોવા છતાં માત્ર ફિલ્મના થીમ મ્યુઝિકને લીધે ફિલ્મની વાર્તાને ન્યાય આપવામાં આવ્યો છે. આ બંને ફિલ્મ જોવામાં દર્શકો એવા ખોવાઈ ગયા કે ફિલ્મ ક્યારે શરૂ થઈ અને ક્યારે પતી ગઈ એનો ખ્યાલ પણ રહ્યો નહોતો. માત્ર થીમ મ્યુઝિક કે બેકગ્રાઉન્ડ મ્યુઝિકના આધારે ફિલ્મના સંવાદ ધારદાર બની રહેતા.
ગુજરાતીઓને ગમતા ગરબાનું પ્રમાણ પણ લગભગ દરેક ફિલ્મોમાં આજકાલ જોવા મળી રહ્યું છે. આજની ફિલ્મોમાં ગરબાને બાદ કરતા ઘણા ઓછા એવા ગીત જોવા મળી રહ્યા છે જે લોકોને યાદ રહી જાય વળી, એવા ગીતોની સંખ્યા પણ ઘણી ઓછી છે. ગુજરાતી ફિલ્મો જ્યારથી ફરી બેઠી થવા લાગી હતી ત્યારે પ્રતીક ગાંધીની ફિલ્મ ‘રોંગ સાઇડ રાજુ’ નો ગરબો ‘ગોરી રાધા ને કાળો કાન’ ઘણો વખણાયો હતો અને આજે પણ વખણાય છે. ત્યાર બાદ પ્રતીક ગાંધી, મલ્હાર ઠાકર અને આરોહી પટેલની સુપરહિટ ફિલ્મ ‘લવની ભવાઈ’ નું ગીત ‘વાલમ આવોને’ જેવી અપાર સફળતા મેળવી શક્યું છે, એવી સફળતા તેના પછીની લગભગ કોઈપણ ફિલ્મના કોઈપણ ફિલ્મી ગીતને નથી મળી. હા, આલ્બમ ગુજરાતી સોન્ગની વાત અહીં અલગ પડે છે. આરોહી પટેલની ત્યાર બાદની યશ સોની અને સિદ્ધાર્થ રાંદેરિયા સાથેની ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ ના દરેકે દરેકે ગીત ખાસ કરીને ‘ચાંદને કહો આજે આથમે નહીં’ આજે પણ લાકોને ગણગણવા ગમે એવા રોમાંચક છે.
ઢોલીવૂડની હાલમાં રિલીઝ થયેલી કેટલીક ફિલ્મોની વાત કરીયે તો ફિલ્મ ‘સમંદર’ ને બોક્સ ઓફિસ પર ધાર્યા પ્રમાણે સફળતા ન મળી પણ એ ફિલ્મનું બી. પ્રાગના અવાજમાં ગવાયેલું ગીત ‘તું મારો દરિયો ને કાંઠો એ તું’ અતિલોકપ્રિય થયું હતું. ન માત્ર ‘સમંદર’ પણ મયૂર ચૌહાણની હજુ એક ફિલ્મ જે 2022 માં રિલીઝ થઈ હતી ‘સૈયર મોરી રે’ નો ગરબો ‘ગોરી તમે મનડા લીધા મોહી રાજ’ અને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘હાહાકાર’ નું ગીત ‘મનડો દારુડો’ અર્બન અને રુરલ ગુજરાતી માર્કેટને એકસાથે લાવવામાં પાયાની ભૂમિકા ભજવનારું સાબિત થયું હતું. ફિલ્મ ‘હેલ્લારો’ ના ગરબા આજે પણ શરૂ થતા મનડું ગરબાના તાલે ડોલવા લાગે છે. જેમ જેમ ફિલ્મના ગીતો અને ગીતમાં રહેલા શબ્દો આપણે સમજતા જઈએ છીએ, એમ એમ એ વધારેને વધારે આપણને આકર્ષવા લાગે છે.
ગીતોથી આગળ જઈએ તો ફિલ્મની વાર્તાને જીવંત કરવાનું કામ ડાયલૉગ્સ કરે છે અને એ ડાયલૉગ્સ વધારે અસરકારક ત્યારે લાગે છે જ્યારે એ ડાયલૉગ્સને અનુરૂપ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં એ ખાસ તાકાત હોય છે જે મૌનને પણ વાચા આપે છે. અનેક ફિલ્મોમાં આપણે જોયું છે કે હીરો-હીરોઇન માત્ર એકબીજાને નિહાળી રહ્યા છે અને એ બંને વચ્ચે કોઈ ડાયલૉગ નથી, તેમ છતાં વાર્તાને અનુરૂપ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એ સીનને વધારે ધારધાર બનાવી દેય છે. એ સંગીત મૌનને વાચા આપવાની સાથે દર્શકને એ વાર્તાનો હિસ્સો બનાવવાની સાથે હસાવવાની અને રડાવવાની કળા પણ ધરાવે છે.
બેકગ્રાઉન્ડ મ્યુઝિકની વાત ચાલે છે તો ગયા અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની’ કદાચ 2024 ની બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ધરાવતી ફિલ્મ કહી શકાય એવી છે. આ ફિલ્મની વાર્તા સાધારાણ છે પણ એની સિનેમેટોગ્રાફી, ફિલ્મના ટૂંકા અને અસરકારક સંવાદ સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની કમાલ ફિલ્મને એક વેંત ઉંચી લઈ જવામાં સફળ થાય છે. ફિલ્મના તમામે તમામ કલાકારોની અદાકારી તો કમાલની છે જ પણ શાસ્ત્રીય સંગીત સાથે, એમાં તબલા અને વાયોલિનની જુગલબંદીથી નિર્માણ કરવામાં આવેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એક લાંબા સમય પછી ઢોલીવૂડમાં માણવા મળ્યું છે. આ મ્યુઝિક દર્શકોને ફિલ્મની વાર્તા, પોતાની વાર્તા હોવાની અનુભૂતિ કરાવી રહી છે.
ટૂંકમાં ગુજરાતી ફિલ્મોમાં ન માત્ર ફિલ્મની વાર્તા કે વાર્તા કહેવાના દ્રષ્ટિકોણમાં વધુ સુસંગતતા, નાવિન્યની જરૂરત છે પણ સંગીતના ક્ષેત્રમાં પણ આવી રહેલી નવી નવી ટેક્નિકો, નવા નવા પડકારોનો સામનો કરી આગળ વધવાની જરૂરત છે. આપણા ગુજરાતી સંગીતકારો સતત નવું અને આકર્ષક સંગીત તૈયાર કરવામાં રાત-દિવસની મહેનત કરતા હોય છે અને એ સંગીતની સફળતા ત્યારે જ સિદ્ધ થાય છે જ્યારે તે દર્શકોના મનમાં રહેલા તારને છંછેડે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com000
.jpg)

.jpg)


Comments
Post a Comment