સુપરહિટ નાટક ‘વડિલોના વાંકે’ ની ફિલ્મ ફ્લોપ

 દેશી નાટક સમાજને ફરીથી પગભર કરનારી આ વાર્તાનો દાખલો આજે પણ આપવામાં આવે છે



૧૯૪૭-૪૮ ના ગાળામાં ગુજરાતી સિનેમા જગતમાં એક એવી ફિલ્મ આવે છે જેણે નાટકરૂપે ઘણી વાહવાહી મેળવી પણ ફિલ્મરૂપે તે નિષ્ફળ સાબિત થઈ. પ્રભુલાલ દ્વિવેદી લિખિત અને રામચંદ્ર ઠાકુર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ હતી ‘વડિલોના વાંકે’. જોકે ફિલ્મ કરતા નાટકની વાત વધારે રોચક છે કેમકે એણે દેવામાં ડૂબેલા દેશી નાટક સમાજને ફરીથી સદ્ધર થવામાં મદદ કરી.

ફિલ્મ ‘વડિલોના વાંકે’ ની વાત કરીએ તો આ ફિલ્મમાં મોતીબાઈ, વસંત નાયક, પ્રતિમા દેવી, લતાબાઈ, રમેશ વ્યાસ, અનંત વિન, અમૃત, અંજના, નીલમ, ચુનીલાલ નાયક, માસ્ટર પ્રાણસુખ, બેબી સરોજ, વિજયા, કેશવ પુરોહિત, જયશંકર અને છગન રોમિયોનો અભિનય જોવા મળ્યો હતો. ૧૩૨ મિનિટની આ ફિલ્મમાં મોહન જુનિયર અને પ્રભુલાલ દ્વિવેદીએ સાથે મળીને ગીતો રચ્યા હતા. અને આ  ફિલ્મના તથા નાટકના ગીતો ખૂબ જ વખણાયા હતા અને આજે પણ વખણાય છે. ‘દિલ હોય અમીરી બિરાદર તો’ અને મોતીબાઈએ ગાયેલું ગીત ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા’ આજે પણ ઈતિહાસ થઈ ગયેલા એ જૂના દિવસોને સજીવન કરવા સક્ષમ છે. 

‘વડિલોના વાંકે’ આ મેલોડ્રામેટિક ફિલ્મમાં ભારતીય સમાજના આધુનિકીકરણના સામાજિક પ્રભાવને દર્શાવવામાં આવ્યા હતા. તેમ છતાં ફિલ્મ કરતા નાટકની વાત કરીએ તો બીજી એપ્રિલ ૧૯૩૮ ની રાત્રે ‘વડિલોના વાંકે’ નાટક પહેલીવાર દેશી નાટક સમાજ દ્વારા ભાંગવાડી ખાતે ભજવાયું હતું. ગુજરાતી રંગમંચ પર પૂર્ણપણે નાયિકાનું વર્ચસ્વ હોય એવું આ પ્રથમ નાટક હતું. નાટકની સફળતામાં એની સામાજિક વસ્તુએ પણ મોટો ભાગ ભજવ્યો હતો. નાટકમાં સ્ત્રી અભણ અને પુરુષ ભણેલો એવું અણગમતું જોડું હતું. વળી વ્યવસાયી રંગભૂમિના નાટ્યજગતમાં લોકપ્રિયતાનો વિક્રમ નોંધાવનાર આ નાટકથી જ શ્રી દેશી નાટક સમાજના ઈતિહાસમાં એકધારા 110 પ્રયોગ કરનારૂ પહેલું નાટક બન્યું હતું. કુલ મળી આ નાટકના પાંચસો કરતાં પણ વધારે પ્રયોગો થયા હતા અને આ નાટકથી કંપનીને એટલી સારી કમાણી થઈ કે કંપનીના માથે જે દેવું હતું તે પણ ચૂકવી શકાયું હતું. 

નાટકમાં સમતાનું પાત્ર મોતીબાઈએ, પુષ્કરનું પાત્ર માસ્ટર કાસમે અને સુરેન્દ્રનું પાત્ર માસ્ટર વસંતે ભજવ્યું હતું જ્યારે ખલનાયક કીર્તિકુમારની ભૂમિકા એક પ્રતિભાશાળી કલાકારને શોભે એ રીતે પૂરી સમજદારીથી માસ્ટર ચૂનીલાલ નાયકે ભજવી હતી. માસ્ટર કાસમે અભિનય ઉપરાંત નાટકનું દિગ્દર્શન અને સંગીત દિગ્દર્શન કર્યું હતું. સમય જતા નાટકની પુસ્તિકા પણ પ્રગટ કરવામાં આવી હતી.  જૂની રંગભૂમિ બાદ જ્યારે નવી રંગભૂમિએ રંગમંચ પર પગલા માંડ્યા હતા ત્યારે નવા કલાકારો દ્વારા આ નાટકને ફરીથી ભજવવામાં આવ્યું હતું અને આજે પણ અનેક નાટ્ય અને કલા પ્રેમીઓ વચ્ચે આ વાર્તા, આ નાટક એ પ્રેરણાદાયક સ્ત્રોત બનીને ઉભું છે. તેમ છતાં ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં આ વાર્તા સફળતા નહોતી પામી શકી. 





- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’