એક અભદ્ર કોમેન્ટને લીધે કોમેડી કોન્ટેન્ટને લાગ્યું છે ગ્રહણ
કોમેડીના નામ દ્વિઅર્થી સંવાદો સ્વીકારી લેવા એ ગુજરાતી પ્રજા માટે કેટલું યોગ્ય?
પાછલા કેટલાક દિવસોમાં કોમેડી કોન્ટેન્ટના નામે જોરદાર હોબાળો જામ્યો હતો અને હવે જે પ્રકારના પગલા લેવાઈ રહ્યા છે એ જોતા લગભગ દરેક કોન્ટેન્ટ ક્રિએટર સાવચેતી જાળવી રહ્યા છે. ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર આ દિશામાં દૂર દૂર સુધી જોડાયેલા જોવા નથી મળ્યા એ સારી વાત છે પણ જે ઘટના બની હતી એના લીધે ઘણા ખરા ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર્સ, યુટ્યૂબર્સ પોતાના કોન્ટેન્ટમાં વધારે ધ્યાન આપવા લાગ્યા છે.
કોમેડીના નામે થયેલી ઉહાપોહ આજે પહેલી વાર થઈ હોય એવું પણ નથી. હિન્દી ફિલ્મોથી માંડી, રિયાલિટી શો અને અનેક ક્ષેત્રમાં કોમેડીના નામે વાર્તા અને ગાળમગાળી પિરસવામાં આવે છે અને ઓડિયન્સ એને છડેચોક માણે પણ છે. શા માટે આવા કોન્ટેન્ટ સામે સર્ટિફિકેટ લાદવામાં નથી આવતા એ વિચારવા જેવો પ્રશ્ન છે. ફિલ્મના પ્રસારણ માટે અને નાટકના પ્રયોગો માટે જે-તે સર્ટિફિકેટની માંગણી કરવામાં આવે છે તો પછી આવા કોમિક શો, કે ઓપન માઇક શો માટે કોઈ સર્ટિફિકેશન સિસ્ટમ શા માટે લાગુ કરવામાં નથી આવી એવો પ્રશ્ન સ્વાભાવિકપણે આવીને ઊભો રહે છે.
ગુજરાતી રંગભૂમિ પર જે કોમેડી પહેલા થતી એ આજે મહદઅંશે બદલાઈ ગઈ છે પણ સારી વાત એ છે કે કેટલાક અપવાદ બાદ કરતા એમાં અભદ્ર ભાષાનો પ્રવેશ થયો નથી. ગુજરાતી સિનેમાના સંદર્ભમાં વાત કરું તો એક સમયે રમેશ મહેતાના દ્વિઅર્થી સંવાદો સામે પણ અનેક વાંધા ઉપાડવામાં આવ્યા હતા પણ એ સમયે મોટાભાગની જનતા ફિલ્મો તરફ ખાસ ધ્યાન આપતી નહોતી અને વાર્તા માણવામાં વધારે ધ્યાન કેન્દ્રિત કરતી હતી. વળી એ સમયે આજની જેમ ઇન્ફ્લુએન્સર્સનો ફાલ પણ ઉગ્યો નહોતો કે નહોતું સોશ્યિલ મિડીયાનું દૂષણ ફેલાએયું, એટલે જાજી માથાકૂટ જોવા પામી ન હતી. આજે ગુજરાતી કોમેડિયનોના નામે આંગણીના વેઢે ગણી શકાય એટલા ફિલ્મી કલાકારો છે જ્યારે બાકીના કોન્ટેન્ટ ક્રિએટર્સ અને ઇન્ફ્લ્યુએન્સર્સની પંક્તિમાં સ્થાન ધરાવે છે.
ટૂંકમાં એટલું તો કહી જ શકાય છે કે આજની જનતા કોમેડીના નામે ગમે એ કોન્ટેન્ટને તો નહીં જ સ્વીકારે પણ જે પ્રકારનો કોન્ટેન્ટ તેમને પીરસવામાં આવે છે એને આંધળી આંખે સ્વીકારવા કરતા એની સામે પોતાનો મત છડેચોક મૂકશે, તો દરેક સર્જક, દરેક ફિલ્મમેકર પણ પોતાનું સર્જન કરતા પહેલા દર્શકોના પ્રતિસાદને વધારે પ્રાધાન્ય આપતો થશે અને દર્શક કંઈક સારો કોન્ટેન્ટ પરિવારસાથે માણી શકશે, નહીં કે પરિવારની ગેરહાજરીમાં કોન્ટેન્ટ જોવાની ઘેલછા રાખશે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com



Comments
Post a Comment