ઢોલીવૂડ માટે ‘આશા’ હંમેશા અમર રહેશે
માતા ગુજરાતી હોવાને લીધે આ ભાષા પરની તેમની પકડ પહેલીથી જ મજબૂત રહી છે
![]() |
આશા ભોંસલના નિધનથી એક યાદગાર યુગનો અંત થયો પણ તેમના ગીતો ગુજરાતી પ્રજાના દિલ-ઓ-દિમાગમાં હંમેશા અમર રહેશે. તેમના ગુજરાતી ગીતો આજે પણ એટલા લોકપ્રિય છે કે એ સાંભળતા મન મહેકી ઉઠે. તેમનાં ગીતોમાં ફક્ત સંગીતનો જાદુ જ નહીં, પણ ગુજરાતી સંસ્કૃતિ અને સંબંધોની ભાવના જોડાયેલી છે. આશા ભોંસલે દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ગવાયેલાં ગીતોની ચોક્કસ સંખ્યા જાણવી મુશ્કેલ છે, પણ 1950થી શરૂ કરીને 1991 સુધીમાં તેમણે આશરે ચારસોથી વધુ ગીતો ગાયેલાં છે. આંકડાકીય રીતે જોઈએ તો કોઈ એક જ વર્ષમાં તેમણે ગાયેલાં સૌથી વધુ ગુજરાતી ગીતોની સંખ્યા 53 છે. 1976માં રજૂઆત પામેલી તેમની ગાયકી ધરાવતી કુલ એકવીસ ફિલ્મોમાં તેમણે આટલાં ગીતો ગાયેલાં.
આશા ભોંસલેનો ગુજરાતી સિનેમા અને સંગીત જગત સાથેનો સંબંધ ગડથૂથીથી જોડાયેલો છે કેમ કે તેમની માતા સેવંતી (પછીથી બદલાયેલું નામ સુધામતી) એક ગુજરાતી સ્ત્રી હતા. પરિવારમાં સંગીતનો માહોલ નાનપણથી મળ્યો હોવાને લીધે શબ્દો પરની પકડ મજબૂત થવાની શરૂઆત થઈ ચૂકી હતી. પોતાની મા, નાની–મામા પાસેથી લોકગીતો અને હાલરડાં સાંભળીને તેમણે ગુજરાતી માટે એક વારસાગત લહેકો અને મીઠાશ વિકસાવી હતી. જોકે ઉછેર મરાઠી સંસ્કૃતિ અને પરિવારમાં થયો હોવા છતાં ગુજરાતી ભાષા પરના તેમના ઉચ્ચાર, આલાપ અને હરકતો ગુજરાતી સંવેદનાને એટલા અનુકૂળ બનતાં હતાં કે શ્રોતાને લાગતું કે એ ગીત ગુજરાતી ગાયિકાએ જ ગાયું છે. પંથવર ઓરા આવો ગીતની શરૂઆતમાં પતિને નામ વિના “શીશીશ..” કરીને બોલાવાની જે માદક હરકત કરવામાં આવી છે એના લીધે એ ગીતની રોનક ઔર વધી જાય છે.
આશાજીએ જે ગાયેલા ગુજરાતી ગીતોમાં ‘માડી તારું કંકુ ખર્યું’, ‘છાનું રે છપનું’, ‘“સોના વાટકડી’, ‘પિયરને પિપળેથી આવ્યું પારેવડું’ જેવા લગ્ન, રોમેન્ટિક, અને વિવિધ ભાવો દર્શાવતા અનેક ગીતોનો સમાવેશ થાય છે.
આશા ભોંસલેના ગુજરાતી સુગમ સંગીત, લોકગીતો અને ગરબાએ તો અક ધૂન લગાડી છે. તેમણે અવિનાશ વ્યાસ, ક્ષેમુ દિવેટિયા અને અજીત મર્ચન્ટ સહિતના અનેક ગુજરાતી સંગીતકારો સાથે કામ કરીને ’સોના વાટકડી’, ‘ક્યાં રમી આવ્યા રાસ’, ‘ફળીયામાં પગ નહીં મેલું’, ‘માડી તારું કંકુ ખર્યુ’, ‘પાટણથી પટોળા મોંઘા લાવજો’, ‘રામ તમે સીતાજીની તોલે ન આવો’ અને અન્ય અસંખ્ય ગીતોમાં ગુજરાતી લોકસંગીતને એક નવી ગાયન શૈલી પૂરી પાડી છે. આ ગીતો આજે પણ નવરાત્રીના ગ્રાઉન્ડ, લગ્ન મહેફિલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુંજતાં હોવાથી તેમની લોકપ્રિયતા સ્વાભાવિક રહી છે.
તેમના અવાજમાં અનોખું વૈવિધ્ય હતું—એક તરફ ચંચળતા અને અલ્લડપણું, તો બીજી તરફ સ્થિરતા અને પરિપક્વતા. સંગીતકાર અવિનાશ વ્યાસે તેમના આ ગુણોનો ખૂબ અસરકારક ઉપયોગ કર્યો હતો. ‘પરણેતર’ (1951)માં આઠમાંથી છ અને ‘જય ભદ્રકાલી’ (1962)માં આઠમાંથી પાંચ ગીતો આશાના અવાજમાં હતાં. ‘ઘરની શોભા’ (1963) અને ‘સો દા’ડા સાસુના તો એક દા’ડો વહુનો’ (1980)માં પણ ચાર-ચાર ગીતો તેમણે ગાયા હતાં.
આશાજીની ગુજરાતી ફિલ્મસંગીતમાં એન્ટ્રી બાદ અન્ય ગાયિકાઓ જેમ કે સુમન કલ્યાણપુર, હેમલતા, અલકા યાજ્ઞિક વગેરેના સ્વર પણ ગુજરાતી ગીતોમાં સાંભળવા મળ્યા, છતાં આશાજીની આગવી ઓળખ જાળવાઈ રહી. પ્રણયગીતથી લઈને ગરબા, કવ્વાલી, હાલરડાં અને પરંપરાગત ગીતો સુધી દરેક પ્રકારમાં તેમણે ઉત્તમ અભિવ્યક્તિ આપી. તેમના ગાયનમાં એટલી સહજતા હતી કે જાણે ગુજરાતી તેમની માતૃભાષા હોય.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com


Comments
Post a Comment