ઢોલીવૂડના પાયામાં વસેલી છે જૂની રંગભૂમિ
જૂની રંગભૂમિ આજે ઈતિહાસ બની ગઈ છે પણ કેટલીક ફિલ્મોએ એ વારસાને જાળવવાનું કામ કરી બતાવ્યું છે
વિશ્વ રંગભૂમિ દિવસ હોવાને લીધે આજનો દિવસ રંગકર્મીઓ દિવસ ખાસ હોવાનો જ છે પણ ન માત્ર આ રંગકર્મીઓ પણ સિનેમા, સિરીયલ્સ, વેબ સિરીઝ જેવા જે પણ એન્ટરટેઇમેન્ટના પ્રકાર છે એના પાયામાં ક્યાંકને ક્યાંક જૂની રંગભૂમિ રહેલી જ છે. ગુજરાતી સિનેમાજગત આજે નવી વાર્તા, નવા વિષયો સાથે દર્શકો સામે આવી રહ્યું છે અને એમાંથી ઘણાંય એવા આજના યુવા ગુજરાતી કલાકારો છે જે રંગમંચ સાથે સંકળાયેલા છે, પણ ગુજરાતી રંગભૂમિ અને ઢોલીવૂડનો સંબંધ વર્ષો જૂનો છે.
વર્ષ 1932 માં પહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ રિલીઝ થઈ એ પહેલા રંગભૂમિનો ગોલ્ડન પિરીયડ ચાલી રહ્યો હતો. મુંબઈમાં દેશી નાટક સમાજ,પારસી નાટક સમાજ, નાટક ઉત્તેજક મંડળી, ભાંગવાડીના નામનો સિક્કો પડતો. માસ્ટર અશરફ ખાન, છગન રોમિયો, કાઠિયાવાડી કૂબતર, મોતીબાઈ, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, ભગવાનદાસ જેવા અનેક રંગકર્મી, ગીતકાર, સંગીતકાર તરીકે અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા. એ સમયની વાર્તા, ગીતો એવા તે ફેમસ થતાં અનેકોવાર વન્સમોરની ચિચયારીથી રાતો પસાર થતી અને પો ફાટી નીકળતો.
જોકે સમય જતા કેટલાક ગીતકારો, કલાકારો, આવકની જરૂરિયાતને લીધે રંગભૂમિથી ફિલ્મો તરફ વળ્યા. જ્યારે આ રંગભૂમિના કપરા દિવસો શરૂ થયા ત્યારે ઢોલીવૂડે પોતાની યથાશક્તિથી રંગભૂમિના ગીતોને જાળવી રાખવામાં પાયાની ભૂમિકા ભજવી. 1963 માં આવેલી મનહર રસકપૂરની ફિલ્મ ‘અખંડ સૌભગ્યવતી’ એનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. આ ફિલ્મમાં શમ્મી અને આગા પર એક કોમેડી ગીત દર્શાવવામાં આવ્યું છે. ગીતના શબ્દ છે ‘ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું હું’. આ ગીત મૂળ શ્રી દેશી નાટક સમાજના નાટક ‘વલ્લભીપતિ’ માં પહેલીવાર ઉપયોગમાં લેવાયું હતું. આ નાટક 1927માં રજૂ કરાયું હતું અને આ ગીત કવિ મનસ્વી પ્રાંતિજવાળાએ લખ્યું હતું. 1927 બાદ છેક 1963માં આ ગીતને માણતા ગુજરાતી પ્રજામાં રાજીપો ફરી વળ્યો હતો અને આજની તારીખે પણ આ ગીતની લોકપ્રિયતામાં ઓછપ નથી આવી.
વધું એક દાખલો આપણને 1976 માં આવેલી ફિલ્મ ‘માવલપતિ મુંજ’ માં જોવા મળે છે. ઉપેન્દ્ર ત્રિવેદી અને તનુજાને ફિલ્માવતી આ ફિલ્મમાં મન્ના ડેના સ્વરમાં એક ગીત સામેલ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય રહ્યું હતું. એ ગીત હતું ‘હ્યદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે’. મૂળ આ ગીત 1924 માં કરાયેલા નાટક ‘માલવપતિ મુંજ’ નો ભાગ હતું, જે પ્રભુલાલ દ્વિવેદીની કલમેથી નીકળ્યું હતું. નાટકમાં આ ગીત માલવપતિનો અભિનય કરનારા નટ અશરફ ખાન પર દર્શાવાયું હતું અને સ્વર પણ તેમનો પોતાનો જ હતો.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ 1963ની હોય કે 1976ની આ બંને ફિલ્મોમાં રંગભૂમિના આ બંને ગીતોના ઉપયોગ કરવા બદલ નાટક કંપની અને ગીતકારને પૂરી ક્રેડિટ આપવામાં આવી હતી. ન માત્ર આ બે ફિલ્મો પણ એવી અનેક ફિલ્મો રહી જેમાં રંગભૂમિના ગીતોને અલગ અલગ અંતરા સાથે એક નવા વર્જનનમાં લોકો સામે મૂકવામાં આવ્યા. આજની તારીખમાં હવે ગુજરાતી જૂની રંગભૂમિ માત્ર ઈતિહાસ બનીને રહી ગઈ છે ત્યાં જૂની રંગભૂમિના ગીતો આજે ભાગ્યે જ માણવા મળે એ સ્વાભાવિક વાત છે પણ સારી વાત એ છે કે ઘણાંય નવા ગુજરાતી કલાકારોએ રંગભૂમિ સાથેની પોતાની ગર્ભનાળ જાળવી રાખી છે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com


Comments
Post a Comment