1936 માં જ્યારે ‘સ્નેહલતા’ નો વાગ્યો ડંકો
આ ફિલ્મના હિન્દી કરતાં ગુજરાતી વર્જનના ગીત-સંગીતનો જાદુ આજે પણ કાયમ છે.
1932 માં ગુજરાતી ફિલ્મો બનવાની શરૂ થઈ હતી અને જે પહેલી ગુજરાતી ફિલ્મ બનીને લોકો સામે રજૂ થઈ એ હતી ‘નરસિંહ મહેતા’. જોકે આ ફિલ્મ પછી ગુજરાતી ફિલ્મો કાચબાગતિએ બની રહી હતી. ‘નરસિંહ મહેતા’ ઉપરાંત 1932 માં અન્ય એક-બે ફિલ્મ રિલીઝ થાય છે અને 1933 માં એકપણ ગુજરાતી ફિલ્મ રિલીઝ નથી થતી. 1934 અને 1935 માં એક-એક ફિલ્મ રિલીઝ થાય છે અને છેક ચાર વર્ષે 1936 માં ચાર ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે. આ ચાર ફિલ્મોમાંની પહેલી ફિલ્મ એટલે ‘સ્નેહલતા’ જેનુ હિન્દી શીર્ષક હતું ‘ભારત કી બેટી’.
પ્રકાશ પિક્ચર્સના બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ ‘સ્નેહલતા’ ની વાત કરીએ તો આ ફિલ્મ હિન્દી અને ગુજરાતી એમ બે ભાષામાં અલગ અલગ નામે રિલીઝ થઈ હતી, જેના પ્રોડ્યુસર હતા વિજયશંકર ભટ્ટ અને ડિરેક્શન કર્યું હતું બળવંત ભટ્ટે. ઉલ્લેખનીય છે કે ભટ્ટ બ્રધર્સ દ્વારા 1934 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સંસાર લીલા’ ની સફળતા બાદ તેમણે એ જ ફિલ્મના મુખ્ય કલાકારોને લઈને ‘સ્નેહલતા’ નામની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. વળી એ સમયે બોલતી ફિલ્મોનો જમાનો શરૂ થયો હોવાને લીધે ફિલ્મ નિર્માતા હિન્દી અને ગુજરાતી એમ બંને ભાષામાં ફિલ્મ બનાવવાનો આગ્રહ રાખતા, જેથી કરીને બંને વર્ગને આકર્ષી શકાય. આ ઉપરાંત એ સમયમાં હિન્દી ફિલ્મો બનાવવાની રેસમાં ગુજરાતીઓ ન માત્ર પ્રોડ્યુસર કે ડિરેક્ટર તરીકે પણ ફાઇનૅન્સર તરીકે પણ સક્રિય હતા, જેને લીધે ગુજરાતીઓ માટે એક તીર સે દો શિકાર જેવી તક ઊભી થઈ રહી હતી.
જે સમયે મહિલાઓને ઘરની બહાર નીકળવામાં દેવામાં નહોતી આવતી એ સમયે મહિલાઓએ આ ફિલ્મના મુખ્ય કલાકાર તરીકે અભિનય કર્યો હતો. ‘સ્નેહલતા’ માં જયંત (ગબ્બરનો રોલ કરનારા અમજદ ખાનના પિતા), ગુલાબ, પન્ના (સ્નેહલતાના ટાઇટલ રોલમાં), ઉમાકાંત (પહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ માં શ્રીકૃષ્ણનું પાત્ર ભજવનાર કલાકાર), રાજકુમારી, શિરીન બાનુ, લાલોભાઈ, જય રાઇટર, ઇસ્માઇલ, ઝોહરા, જહાંગીર, શોરી, જગમોહન, કોલ અને ઇન્ટરનૅશનલ ડાન્સર રાગિણી દેવી જેવા કલાકારોએ અભિનય કર્યો હતો. એ જમાનામાં સામાજિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનતી અને ‘સ્નેહલતા’ ફિલ્મનો વિષય પણ પ્રણયત્રિકોણ પર આધારિત હતો. સુધાકર નામનો એક સફળ બિઝનેસમેન સ્નેહલતા નામની એક યુવા કોલેજીયન યુવતી પર ઓવારી જાય છે અને સમય જતા એમાં એવો તે પ્રણયત્રિકોણ સર્જાય છે કે વાર્તા કુરણાંતિકા પરિણમે છે.
હિન્દીમાં ‘ભારત કી બેટી’ કરતાં ગુજરાતીમાં ‘સ્નેહલતા’ નામે રિલીઝ થયેલી આ ફિલ્મ ગીત-સંગીતની દ્રષ્ટિએ પણ એક ઐતિહાસિક બની રહી હતી. ફિલ્મના હિન્દી વર્જનમાં જ્યાં માત્ર ચાર ગીતો સામેલ કરવામાં આવ્યા હતા ત્યાં ગુજરાતી વર્જનમાં એ સમયે ચાર-પાંચ નહીં પણ એક ડઝન જેટલા ગીતો સામેલ કરવામાં આવ્યા હતા. વળી હિન્દી કરતાં ગુજરાતી ગીતો વધારે વખણાયા પણ હતા, જેમાંનું એક લોકગીત જે મૂળ ઝવેરચંદ મેઘાણીનું હતું, ‘તમે મારા દેવના દીધેલ છો’, આજે પણ લોકપ્રિયતાના શિખરે બિરાજમાન છે.
હિન્દી અને ગુજરાતીના એમ કુલ 16 ગીતોને લાલુભાઈ નાયકે સંગીતબદ્ધ કર્યા હતા અને ચારેય હિન્દી ગીતોને એ સમયની મહશહૂર ગાયિકા રાજુકમારીએ સ્વર આપ્યો હતો. ગુજરાતી વર્જનમાં પણ રાજકુમારીએ બારમાંથી ચાર ગીતમાં પોતાનો સ્વર આપ્યો હતો જ્યારે એક ગીતમાં લાલુભાઈ નાયકે પોતે અને ઇસ્માઇલે સ્વર આપ્યો હતો. અન્ય ગીતોના સ્વરકારની માહિતી આજની તારીખે પણ પ્રાપ્ય નથી. સૌથી અગત્યની વાત તો એ કે ગીતકાર તરીકે હિન્દી વર્જનમાં વિજયશંકર ભટ્ટે જ ચારેય ગીતો લખ્યા હતા જ્યારે ગુજરાતી વર્જનના બારેય ગીતો રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની કલમેથી નીકળ્યા હોવાને લીધે તે વધારે લોકપ્રિય બન્યા હતા એમ કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / આર.જે. કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com

Comments
Post a Comment