પારકાઓને પણ પોતાના કરી જાણે એ દીના પાઠક

એક સમયે જે ફિલ્મોને નકારતા હતા તેમને જ એક સમયે નાણાકીય સંઘર્ષ સામે ટકી રહેવા ફિલ્મો સ્વીકારવી પડી

બ્રિટીશ કાળમાં અંગ્રેજો સામે ભવાઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરનારાઓમાં દીના પાઠક પણ એક હતા અને એ માટે તેમને એક નહીં પણ ત્રણવાર જેલવાસો ભોગવ્યો હતો. 1947 માં દેશ આઝાદ થયો ત્યારબાદ 1949 માં સરકારે કેટલાક ડાબેરીઓની ધરપકડ કરી હતી જેમાં દીના પાઠક પણ સામેલ હતા અને ત્યારે તેમણે નવ માસ કારાવાસ ભોગવ્યો હતો. નાટ્યજીવ હોવાને લીધે આ જેલવાસો ભોગવ્યા બાદ 1949 માં જ તેમણે ફરીથી પોતાની નાટ્યપ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. 1949માં તેમણે ‘લોકભવાઈ’ નામનું નાટક લખ્યું એનું દિગ્દર્શન કર્યું અને તેમાં અભિનય પણ કર્યો. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતે આ નાટકને વધાવી લીધું હતું અને તે ખૂબ વખણાયું હતું.  

1950માં દીના અમદાવાદ આવ્યાં અને ગુજરાત વિદ્યાસભાના નાટ્યવિદ્યામંદિરમાં નાટ્યશિક્ષિકા તરીકે જોડાયાં. 1952માં તેમણે નટમંડળની સ્થાપના કરી અને તેનાં નાયબ નિયામક બન્યાં. એ દરમ્યાન જ તેમણે ‘વિરાજવહુ’, ‘લોકશત્રુ’, ‘ભગવદજ્જુકીયમ્’, ‘મેના ગુર્જરી’ (જેની વાત આપણે પાછલા લેખ કરી હતી), ‘મિથ્યાભિમાન’ જેવા નાટકોમાં કામ કર્યું અને એમાંથી કેટલાક નાટકોનું તેમણે દિગ્દર્શન પણ કર્યું હતું. 1957 સુધી તેઓ અમદાવાદમાં જ રહ્યા અને ફરી પાછા માયાનગરી મુંબઈ આવી તેમણે ગુજરાતી, હિંદી અને મરાઠી નાટકોમાં કામ શરૂ કર્યું. 

પણ કહેવાય છે કે દરેક કલાકારના જીવનમાં સંઘર્ષ આવતો-જતો રહે છે. દીના પાઠકના જીવનમાં પણ આવો એક આર્થિક સંઘર્ષ આવ્યો. એક સમયે જે દીના ગાંધીને સામે ચાલીને હિન્દી ફિલ્મો ઓફર થતી અને તે નકારી દેતા હતા, એ જ દીના પાઠકે આર્થિક સંઘર્ષોનો સામનો કરવા ફિલ્મો સ્વીકારવાની શરૂ કરી. એ વખતે દીના જીંદગીની ચાલીસીમાં હતા. નાણાકીય સંઘર્ષો સામે ટકી રહેવા તેમણે બાસુ ભટ્ટાચાર્યની 1965 માં આવેલી ફિલ્મ ‘ઉસ કી કહાની’ ની ઓફર સ્વીકારી લીધી અને ત્યાર બાદ ક્યારેય સિનેમાજગતમાંથી નમતું નહોતું મૂક્યું. આ ફિલ્મ માટે તેમને બંગાળ જર્નાલિસ્ટ્સ અસોસિયેશન એવોર્ડ મળ્યો હતો. 60ના દશકમાં ‘ઉસ કી કહાની’ ઉપરાંત તેઓ અન્ય ત્રણ ફિલ્મો, ઋષિકેશ મુખર્જીની 1969 માં આવેલી ‘સત્યકામ’, અમિતાભ બચ્ચનની ડેબ્યુ ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ અને મર્ચન્ટ આઇવરી પ્રોડક્શનની ‘ધ ગુરુ’ માં તેમણે અભિનય કર્યો હતો. 

પોતાના દમદાર પર્ફોર્મન્સ અને થિયેટર્સના અનુભવને લીધે 70 ના દાયકામાં તેઓ પ્રોડ્યુસરને સફળતા અપાવનારા ફેસ બની ગયા હતા. 1975 માં ગુલઝારની ‘મૌસમ’, 1976 માં ‘ચિત્તચોર’, 1977 માં ‘કિતાબ’, ‘કિનારા’, ‘ભૂમિકા’ અને ‘ઘરોંદા’ જેવી હિટ ફિલ્મો આપી. 1979 માં ‘ગોલમાલ’, 1980 માં ‘ખૂબસુરત’, 1985 માં પોતાની બંને દીકરી રત્ના અને સુપ્રીયા સાથે ‘મિર્ચ મસાલા’, 1986 માં ‘તમસ’ જેવી એકથી એક ચડિયાતી ફિલ્મો કરી જેની એક લાંબી યાદી બની શકે એમ છે. 

ન માત્ર ફિલ્મો પણ સિરીયલ્સ થકી તેઓ દર્શકોનું અભિનય દ્વારા મંનોરંજન કરતા રહ્યા હતા. 1984 માં દૂરદર્શન પર આવતી ‘માલગુડી ડેઝ’ ભૂલી શકાય એમ નથી તો 2002 માં ‘ખીચડી’ સિરીયલમાં તેમના બડી માના પાત્ર દ્વારા આજની પેઢી કદાચ તેમને યાદ રાખી શકી હશે. સુપ્રીયા અને રત્ના આજે પણ તેમની જનેતાની વાતો કરતા થાકતી નથી અને એમને યાદ કરતા તેમની આંખો ભીની થઈ જાય છે. ગુજરાત અને કેન્દ્રની સંગીત નાટક અકાદમીના ઍવૉર્ડ ઉપરાંત વિશ્વગુર્જરી સન્માનથી દીના પાઠકને નવાજવામાં આવ્યા હતા. 

પાળદા પાછળની દીના પાઠક વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે કે તેઓ ગુજરાતી, હિન્દી, મરાઠી અને બંગાળી સ્પષ્ટ રીતે બોલી શકતા. હા, તેઓ ખાવાના ખૂબ શોખીન હતા પણ રાંધવાનો ભારે કંટાળો આવતો. તેમની ખરી કલાકારી તો લોકો સાથે રહીને, તેમને જાણીને, તેમને ઓબઝર્વ કરીને આવતી. આજુબાજુમાં રહેતા પાડોશીઓ હોય, સેટ પર કામ કરતા ક્રૂ મેમ્બર્સ હોય કે પછી કોઈ બિઝનેસ મેન કે રાજકરણી કે પછી કોઈપણ સામાન્ય માણસ હોય, દીના બેન લોકોને બારીકીથી જોતા અને તેમની પાસેથી જે ગુણ મળી રહે એને પોતાના અભિનયમાં સામેલ કરતા. વળી, જે વાત ન ખબર હોય એને છડેચોક નિઃસંકોચપણે સ્વીકારી પણ લેતા. નાટકની ટૂર માટે ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે પાસેની સીટ પર બેસેલી સ્ત્રી સાથે એવી તે મિત્રતા થઈ કે પછીથી તેમના ઘરે આવતા જતા અને તેમના સંતાનોના લગ્નમાં પણ પોતે મદદ કરી હતી. પારકાઓને પણ પોતાના કરી જાણનારા દીના પાઠકની લોકલાગણી, લોકપ્રિયતા અને માનવતાનો દાખલો આપવા માટે આટલી સાબિતી કદાચ પૂરતી રહેશે.


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં