દીના પાઠકનો સિક્કો આજે પણ કલાજગતમાં બોલે છે
મુખ્ય અદાકારાથી માંડી ચરિત્ર અભિનય કરી પાત્રોને જીવંત કરનાર આ અદાકારાને આજની પેઢી કદાચ જાણતી પણ નહીં હોય
શાહિદ કપૂરના કઝીન ભાઈ અને નસીરુદ્દીન શાહના દિકરા વિવાનનું નામ સૌ કોઈ જાણે છે પણ એના નાનીનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે. રત્ના પાઠક શાહ અને દીના પાઠક આજે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી રંગમંચે તથા ફિલ્મ શ્રેત્રે સક્રિય છે અને આ બંને બહેનોની મહેનતને પાંખ આપવામાં તેમની જનેતા દીના પાઠકનું ભારોભાર યોગદાન છે.
દીના પાઠક જેમનું નામ સાંભળતા જ આંખ સામે ચહેરા પર જોમ જુસ્સાની સાથે થોડો ગુસ્સો, ભાલે મોટો ચાંદલો, ગુજરાતી સાડી પહેરેલી અને મોં માંથી કડવા વેણ કાઢતી એક પ્રૌઢ સાસુ અથવા જેઠાણી દેખાઈ આવે. સામાન્યપણે હિન્દી ફિલ્મોમાં આપણે પરિવારની એક દુખીયારી વડીલ અને પવિત્ર સ્ત્રીના રૂપમાં દુર્ગા ખોટે અને નિરુપા રૉયને નિહાળી છે પણ દીના પાઠકે એ જ શ્રેણીમાં એક નવો ચીલો ચીતરીને પોતાની અદાકારીના નવા સોપાન સર કર્યા છે. ચાર માર્ચ ૧૯૨૩ના રોજ અમરેલીના એક કપોળ વૈષ્ણવ કુટુંબમાં જન્મેલી દીનાએ પોતાની કારકિર્દીમાં 100 થી પણ વધારે હિન્દી અને 17 થી પણ વધારે ગુજરાતી ફિલ્મો, નાટકો અને ટીવી સિરીયલ્સ કરી છે.
પિતા પૂણેમાં એન્જિનીયર હતા એટલે પ્રાથમિક ભણતર ત્યાં પતાવી ગુજરાત અને મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ પૂરુ કર્યું. પૂણેમાં હતા ત્યારે બાલગાંધર્વના નાટકો અને ગુજરાત શિફ્ટ થતા ગુજરાતી અને પારસી નાટકો તેમણે નાનપણથી જ માણ્યા હતા અને પોતે સંગીત તથા નાટ્યપ્રેમી હોવાને લીધે તેમણે ફિલ્મો કરતા નાટ્યને વધારે પ્રાધાન્ય આપ્યું હતું. જાણીને નવાઈ લાગે એવી વાત છે કે દીનાને શરૂઆતના સમયમાં હિન્દી ફિલ્મોપ્રત્યે અણગમો હતો અને એટલે જ તેમણે ‘ચલ ચલ રે નૌજવાન’ (1944) ને રદિયો આપી દીધો હતો, જેમાં એ સમયના દિગ્ગજ કલાકાર દાદામુનિ અશોક કુમાર લીડ રોલ કરી રહ્યા હતા.
રમેશ સંઘવી નામની વ્યક્તિ સાથે તેમનું લગ્નજીવન માત્ર દોઢ વર્ષ ટક્યુ પણ ત્યાર બાદ બલદેવ પાઠક સાથે પરણી તેમણે રત્ના અને સુપ્રિયાને જન્મ આપ્યો. પોતે સ્વતંત્ર સેનાની હોવાની સાથે તેઓ ઇન્ડિયન પિપલ્સ થિયેટર (ઇપ્ટા) માં ખ્વાજા અહમદ અબ્બાસ, મુલ્કરાજ આનંદ, અલી સરદાર જાફરી, ચેતન આનંદ અને ત્યાર બાદ બલરાજ સહાની, મોહન સહેગલ, અચલા સચદેવ જેવા કલાકારો સાથે સંકળાયેલા હતા. અમદાવાદ જઈ જયશંકર ‘સુંદરી’, રસિકલાલ પરીખ, જશવંત ઠાકર વગેરે સાથે નાટક મંડળી સ્થાપી.
ગુજરાતી રંગમંચ પર દીના પાઠક સક્રિય રહ્યા ત્યારે ‘અલ્લાબેલી’, ‘હંસી’, ‘ઢીંગલી ઘર’ અને આજે પણ ક્યારેક ભજવાતું લોકપ્રિય નાટક ‘મેના ગુર્જરી’ જેવાં નાટકો કર્યા. આ નાટકની ટિકીટ લેવા જે પડાપડી થતી એ આજના નાટકો માટે જાણે દીવાસ્વપ્ન જેવું છે. 1957 માં રાષ્ટ્રપતિ ભવનમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સામે આ નાટક રજૂ કરવામાં આવ્યું હોવાનો દાખલો પણ કલાજગત વિસરી શકે એમ નથી.
આજની યુવા પેઢી આ વાતથી અજાણ હશે કે 1953 માં આવેલી પન્નાલાલ પટેની નવલકથા ‘મળેલા જીવ’ પરથી એ જ નામે બનેલી ફિલ્મમાં જીવીના મુખ્ય પાત્રને દીના પાઠકે જ મોટા પડદે જીવંત કર્યું હતું. આ ઉપરાંત 1948 માં ‘કરિયાવર’ અને ‘શેણી વિજાણંદ’ નું નામ વિસરી શકાય એમ નથી. આ ફિલ્મ, જેનું નામ પણ ભાગ્યે જ આજે કોઈ ફિલ્મ ક્રિટીક કે ફિલ્મ નિર્માતા જાણે છે, માં વિજાણંદનું પાત્ર ઉમાકાંત દેસાઈએ ભજવ્યું હતું જ્યારે શેણીના પાત્રમાં દીના ગાંધીએ અભિનય કર્યો હતો. આ ફિલ્મની પ્રિન્ટ આજે પ્રાપ્ય નથી પણ આ જ વાર્તા પરથી વધું એક ફિલ્મ 2001 માં બનાવવામાં આવી હતી. 1966 માં આવેલી ફિલ્મ ‘મોટી બા’ માં તેઓ વિજય દત્ત અને લક્ષ્મી છાયા સાથે જોવા મળ્યા હતા. 1977 માં ‘ઘેર ઘેર માટીના ચૂલા’ અને એનું બાળગીત ‘જોને ટીનુ મોટી બા’ ગીત આજે લગભગ વિસારઈ ચૂક્યું છે. તો 1969 માં મર્ચન્ટ આઈવરી પ્રોડક્શન્સ ની ફિલ્મ 'ધ પેસેઝ ટૂ ઈન્ડિયા' માં તેઓ બેગમ હમીદુલ્લાહના રોલમાં જોવા મળ્યાં હતાં. વર્ષ 2002 માં તેમણે દીપા મેહતાની ફિલ્મ 'બૉલિવૂડ હૉલીવુડ' માં તેમણે પણ કામ કર્યું.
આ ફિલ્મો તો તેમના કરિયરના માત્ર વીસથી ત્રીસ ટકા કામકાજનું જ ભાથું છે એમ કહી શકાય કેમ કે પોતાની કારકિર્દીમાં 100 થી પણ વધારે દિગ્દર્શક સાથે કામ કરી ચૂકનારા દીના પાઠકે પોતાના પાત્રો દ્વારા હંમેશા દર્શકોની આંખો આંજી નાખે એવા બેનમૂન પાત્રો મોટા પડદે જીવંત કર્યા છે. તેમની હિન્દી ફિલ્મો અને સિરીયલ્સ અંગે વિગતવાર વાત કરીશું આવતા લેખમાં.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com



Comments
Post a Comment