ઢોલીવૂડમાં જામી રહ્યું છે ડાન્સનું અસ્તિત્વ
ગરબાથી બહાર નીકળી હવે બોલીવૂડની જેમ જોવા મળે છે હૂક સ્ટેપ્સ અને પ્રમોશનલ સોન્ગ્સ, ટૂંક સમયમાં આઇટમ સોન્ગ્સ પણ આવે તો નવાઈ નહીં
આજના ઢોલીવૂડના અનેક એવા પાસા છે જે આપણને પહેલાની ગુજરાતી ફિલ્મોમાં નહોતા જોવા મળતા. 1931 માં જ્યારે પહેલી બોલપટ ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ રિલીઝ થઈ ત્યાર બાદ ઢગલાબંધ ગુજરાતી ફિલ્મોનો સીલસીલો શરૂ થયો હતો. એ તમામ ફિલ્મોની વાર્તા મોટાભાગે પૌરાણિક હતી. પુરુષો સ્ત્રીઓના પાત્ર ભજવતા. ગીત, સંગીત વાર્તાના હાર્દને સજીવન કરતું છતાં તેમાં નૃત્યની અછત વર્તાતી, પણ આજની ગુજરાતી ફિલ્મો ભાગ્યે જ એવી બનતી હશે જેમાં કોઈ ડાન્સ સોન્ગ ન હોય.
મજાની વાત એ છે કે એ અભિનેતાઓની ઝાડની આજુબાજુ ફરવાની એ જમાનાની જે એક્ટિંગ હતી એને આજની તારીખમાં આપણે ડાન્સની શ્રેણીમાં મૂકીયે છીએ. બોલીવૂડ હોય કે ઢોલીવૂડ આઝાદી પછી પણ ફિલ્મોમાં કામ કરવા પ્રત્યે સમાજમાં ઘણા પ્રતિબંધ અને છોછ હતા જ, તેમ છતાં ગુજરાતીઓએ ગરબાના વાઘા પહેરાવી લોકોને આકર્ષિત કરવાનો કિમીયો અમલમાં મૂક્યો અને એ કામ કરી ગયો, જે આજે પણ ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનને અસર કરવામાં મહત્તવની ભૂમિકા ભજવે છે. ફિલ્મ ‘મંગળ ફેરા’ (1949) નો ગરબો ‘તાલીઓના તાલે’, ‘મેના ગુર્જરી’ (1975) માં દર્શાવેલ ગરબો ‘સાથિયા પૂરાવો દ્વારે’ હોય કે પછી હમણાંની લેટેસ્ટ કહેવાતી ફિલ્મ ‘રોંગ સાઇડ રાજુ’ (2016) નો ‘ગરબો ગોરી રાધાને કાળો કાન’ કે પછી ‘ચબૂતરો’ (2022) નો ગરબો ‘મોતી વેરાણા ચોકમાં’ હોય, આ વાતની સાબિતી આપવા પૂરતા છે.
નરેશ કનોડિયા અને સ્નેહલતાની જોડીએ અનેક એવા ડાન્સ સોન્ગ્સ ગુજરાતી સિનેમા જગતને આપ્યા છે જેને આજની તારીખે પણ લોકો માણે છે. સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહેતા વાચકો જાણતા હશે કે ખુદ હિતુ કનોડિયા અને તેમની પત્ની મોના થીબા કનોડિયા તેમના પિતા નરેશ કનોડિયાના ડાન્સ સોન્ગ્સને રિક્રીએટ કરી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી લોકોનું મનોરંજન કરે છે. અરુણા ઈરાની, જયશ્રી ટી જેવા દમદાર કલાકારો જો ફિલ્મનો ભાગ હોય તો તેમનું એકાદું ડાન્સ સોન્ગ ફિલ્મમાં અચૂક જોવા મળે.
આજની ગુજરાતી ફિલ્મોમાં ડાન્સ, હૂક સ્ટેપ્સ સાથે ઓછામાં ઓછું એક ગીત તો તૈયાર કરવામાં આવે જ છે. મલ્હાર ઠાકરની ઓછી યાદ કરાતી ફિલ્મ ‘સોનુ તને મારા પર ભરોસો નઈ’ (2022) નું ટાઇટલ સોન્ગ હોય, ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની’ (2024) નું સોન્ગ ‘આખું ગામ માથે લઈને નાચ’ હોય,કે ‘ઝમકૂડી’ (2024) અને ‘મહારાણી’ (2025) જેવી ફિલ્મના ટાઇટલ સોન્ગ હોય, આજે ડાન્સને તૈયાર કરવા માટે કોરિયોગ્રાફરની મદદ લેવામાં આવે છે અને ઢોલીવૂડની ફિલ્મોને એક નવા શિખરે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવે છે. બોલીવૂડની જેમ ફિલ્મના અંતમાં કે ખાસ કરીને પ્રમોશન માટે બનાવવામાં આવતા પ્રમોશનલ સોન્ગસ ઢોલીવૂડમાં બનવાના શરૂ થઈ ગયા છે અને એથી આગળ વધીને હવે ગુજરાતી દર્શકોને ગુજરાતી ફિલ્મોમાં આઇટમ સોન્ગ્સ પણ જોવા મળે તો નવાઈ નહીં.- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com



Comments
Post a Comment