‘હેલ્લારો’ વિના નવરાત્રી ઉજવાય ખરી?

દમદાર વાર્તા, ગીતો અને સિનેમેટોગ્રાફી હોવા છતાં આ ફિલ્મ અનેકો માટે પહેલી જ ફિલ્મ હતી એ વાત માન્યમાં આવે એવી નથી



તાજેતરમાં 71 મા નૅશનલ એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. શાહરુખ ખાન, વિક્રાંત મેસી, રાણી મુખર્જીના દબાદબા સાથે ગુજરાતી ફિલ્મોએ પણ દબદબો દેખાડ્યો હતો. 2023 માં આવેલી ફિલ્મ ‘વશ’ ને અને જાનકી બોડીવાલાને નૅશનલ એવોર્ડ્સ સુપરત કરવામાં આવ્યા હતા. ગુજરાતી સિનેમાજગત માટે આ એક અતિમહત્ત્વનો પ્રસંગ કહેવાય પણ આ નૅશનલ એવોર્ડ્સ મેળવવાની રેસમાં ‘હેલ્લારો’ એ વર્ષો જૂનો દુકાળ નાબૂદ કર્યો હતો એ વાત પણ વીસરવા જેવી નથી. નવરાત્રોત્સવ ચાલી રહ્યા છે અને એવામાં ખાસ ગરબાને કેન્દ્રસ્થાને રાખીને બનેલી નૅશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ ની વાત ન કરીયે તો કેમ ચાલે.

2019માં આવેલી ફિલ્મ ‘હેલ્લારો’ અનેકોની પહેલી જ ફિલ્મ હતી એ વાત ઘણા લોકો જાણે છે. અમદાવાદ આકાશવાણીમાં સ્થાયી નોકરી કરતા અને રંગકર્મી એવા અભિષેક શાહ અને તેમના સાથીમિત્રોની આ પહેલી ફૂલલેન્થ ગુજરાતી ફિલ્મ હતી જે મૂળ હરફનમૌલા ફિલ્મ્સ અને સારથી પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી હતી. અભિષેક શાહે જ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે અને વાર્તા પણ તેમણે જ તૈયાર કરી છે જેનો સંદર્ભ ક્યાંકને ક્યાંક લોકવાર્તા ‘વ્રજવાણીનો ઢોલી’ પરથી લેવામાં આવ્યો હોવાનું કહી શકાય છે.

‘હેલ્લારો’ ગરબા અને પુરુષો દ્વારા બનાવવામાં આવેલી ગરબા અંગેની રૂઢિચુસ્ત પરંપરાઓ પર આધારિત ફિલ્મ છે. લોકકથાઓના આધારે કચ્છની પૃષ્ઠભૂમિ પર આ ફિલ્મ બનાવવામાં આવી છે જે આજે પણ નારીશક્તિ અને પુરુષપ્રધાન સમાજ સામે સવાલ ખડા કરે છે. નોંધનીય વાત એ છે કે આ ફિલ્મ કચ્છની પૃષ્ઠભૂમિ પર બની છે પણ ફિલ્મની ભાષા, તેના સંવાદ સંપૂર્ણપણે કચ્છી નથી. એમાં ગુજરાતી અને કચ્છી બોલીનો લયબદ્ધ સુમેળ જોવા મળે છે. ‘ભાયડાઓની અફિણની તલપ લાગે ને એવી ગરબાની તલપ લાગી છે’, ‘એમની રમતના ભાગ નઈ બનવાનું, ભોગ બન્યા એટલું બસ છે’, જેવા દમદાર સંવાદો આજે પણ લોકોના માનસપટલ પર છવાયેલા છે. ફિલ્મના આવા દમદાર સંવાદો ગીતકાર, અભિનેતા, દિગ્દર્શક સૌમ્ય જોશીએ લખ્યા છે. કોરીયોગ્રાફી સમીર અને હર્ષ તન્નાએ કરી છે જ્યારે સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે. 



પાત્રોની વાત કરીયે તો શ્રદ્ધા ડાંગર અને આર્જવ ત્રિવેદી આ ફિલ્મના મુખ્ય કલાકાર તરીકે દર્શાવવામાં આવ્યા છે પણ ઢોલીના પાત્રમાં જયેશ મોરે દરેક પુરુષ કલાકાર પર ભારે પડે છે. આ ત્રણ કલાકારો ઉપરાંત અન્ય બાર મહિલા અને પુરુષ કલાકારો વિવિધ પાત્ર ભજવતા નજરે પડે છે જેમાં તેજલ પંચાસરા, બ્રિન્દા ત્રિવેદી નાયક, તર્જની ભાડલા, નીલમ પંચાલ રાજડા, કૌશાંબી ભટ્ટ, સ્વાતિ દવે, ડેનીશા ઘૂમરા, સચી જોષી, રિદ્ધિ યાદવ, જાગૃતિ ઠાકોર, કામિની પંચાલ, એકતા બચવાની સહિત મૌલિક નાયક, આકાશ ઝાલા, રાજન ઠાકર, કિશન ગઢવી, શૈલેષ પ્રજાપતિ અને કમલેશ પરમારનો સમાવેશ થાય છે. એશા કંસારાનો એક નાનકડો કેમિયો પણ આ ફિલ્મમાં જોવા મળે છે જે વાર્તાનું બંધારણ ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

ફિલ્મ ‘હેલ્લારો’ ની વાર્તા 1975ના કચ્છના એક ગામડાની એવી 13 સ્ત્રીઓની છે, જેમના પર ગરબા રમવાની પાબંદી છે અને ગામના પુરુષો મા જગદંબા રાજી થાય અને મેઘ વરસે એ માટે ગરબા કરે છે. આ તમામ સ્ત્રીઓના મનમાં પણ ગરબા રમવાની ખેવના છે પણ નિયમો સામે તેઓ નમતું મૂકે છે અને એક દિવસ તેમને એક અજાણ્યા ઢોલી પાસેથી ગરબાના તાલે ઘૂમવાની તક મળી જાય છે. સ્ત્રીઓના ગરબા કરવાનો આ સિલસીલો ચાલુ થઈ જાય છે અને એક દિવસ ગામના પુરુષોને આ વાતની જાણ થતા ઢોલીનું માથુ વાઢી નાખવાની તૈયારી કરવામાં આવે છે. જે રાત્રે ઢોલીને પતાવી દેવાનો હોય છે એ જ રાત્રે સ્ત્રીઓ બંડ પોકારી દરેક પુરુષની સામે ગરબા કરે છે અને મેઘલી વરસે છે. ફિલ્મમાં આ અંતિમ દ્રશ્યને સિનેમેટોગ્રાફર ત્રિભુવનબાબુએ ખૂબ જ ધ્યાનપૂર્વક કેમેરામાં કેપ્ચર કર્યું છે. ન માત્ર આ સીન પણ, શ્રદ્ધાના પાત્ર મંજરીની મક્કમતા અને નીડરતા, તર્જનીના પાત્રએ કરેલા આંખના મીચકારા, બ્રિન્દાએ ભજવેલા વિધવા સ્ત્રીના પાત્રનું બોલતું મૌન, ડેનિશાના પાત્ર દ્વારા વાસ્તવિકતાનો અને પુરુષપ્રધાન સમાજનો ભય, નિલમે ભજવેલા પાત્રની ગરબા માટેની ઉત્સુકતા, આર્જવના પાત્ર અરજણ દ્વારા પુરુષની જડ માનસિકતા અને શારિરીક બડજબરી સાથે મૌલિક નાયકની હળવી શૈલીમાં રમૂજને સહજતાથી દર્શાવવામાં આવી છે.



ઉલ્લેખનીય છે કે કચ્છની લૂ અને ભયંકર ગરમીથી બચવા ફિલ્મનું શૂટિંગ મોટાભાગે સવારના વહેલી પરોઢીયે અને સાંજના કરવામાં આવ્યું હતું. જોકે શૂટ દરમ્યાન કલાકારોની તબિયત નાદુસ્ત થઈ હોવાની પણ બાતમી મળી આવી હતી. વળી શૂટ દરમ્યાન વંટોળ આવ્યા હોવાના કિસ્સા પણ ફિલ્મમેકરે અનેક મુલાકાતમાં જણાવ્યા છે. ફિલ્મમાં પાત્રના કોશ્ચ્યુમ અને તેમાં વપરાયેલા કલર શેડ (કચ્છની ધરતી પર ફિલ્મ બની હોવા છતા અને પુરુષપ્રધાન સમાજ હોવાને લીધે પાત્રના કપડામાં કચ્છી કામ દર્શાવાયું નથી), તેમના ઘરના બંધારણ, તેમની બોલી અંગે ઊંડાણપૂર્વક રિસર્ચ કરવામાં આવી છે. ભૂમિ ત્રિવેદીના સ્વરમાં ‘વાગ્યો રે ઢોલ’, ઐશ્વર્ય મજમુદાર અને મુરાલાલા મારવાડાના સ્વરમાં ‘અસવાર’, શ્રુતિ પાઠક અને આદિત્ય ગઢવીના સ્વરમાં ‘હૈયા’ અને આદિત્ય ગઢવીના એકલ સ્વરમાં ‘સપના વિનાની રાત’ ફિલ્મને સફળતાની વધુ નજીક લઈ જાય છે.

આ ફિલ્મનું જ્યારે નામકરણ કરવામાં આવી રહ્યું ત્યારે ‘હેલ્લારો’ શબ્દ સામાન્ય જનતા કઈ રીતે સમજી શકશે એ પ્રશ્ન ફિલ્મમેકરો સામે હતો. તેમ છતાં શબ્દકોષના મૂળ ‘હેલારો’ શબ્દનું અપભ્રંશ કરી ‘હેલ્લારો’ નામ જ નક્કી કરવામાં આવ્યું અને એ શબ્દ સાથે ફિલ્મ પણ ઈતિહાસ બની ગઈ. ‘હેલારો’ નો અર્થ થાય છે - એક પ્રવાહ, એક મોજુ, એક લહેર જે જુદી જ હોય અને બધું તહેસનહેસ કરવાની તાકાત ધરાવે અને આ ફિલ્મે શીર્ષકને સાર્થક કરી બતાવ્યું છે એમાં કોઈ બેમત નથી.


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 

Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં