ક્ષણે ક્ષણે થઈ રહ્યો છે ‘શસ્ત્ર’ નો દુરૂપયોગ
સાઇબર ફ્રોડના શિકાર થાય હોવ તો પણ અને ન થયા હોવ તો પણ આ ફિલ્મ દરેક વર્ગના નાગરિકોએ અચૂક જોવા જેવી છે
આપણમાંના મોટાભાગના લોકો ક્યારેયના ક્યારેક સાઇબર ફ્રોડનો શિકાર બન્યા હોઈશું અથવા સમાચાર પત્રોમાં આપણે સાઇબર ફ્રોડ થયો હોવાના કિસ્સા અવારનવાર વાંચ્યા કે સાંભળ્યા તો હશે જ. આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને ઢોલીવૂડમાં પહેલીવાર સાઇબર ફ્રોડ અથવા તો સાઇબર અટેક જેવા લેટેસ્ટ અને નવીન વિષય પર શુક્રવારે નહીં પણ એક દિવસ અગાઉ એટલે કે ગુરૂવારે એક ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે જેનું શીર્ષક છે ‘શસ્ત્ર’. ગુજરાત દિન તથા મહારાષ્ટ્ર દિનના દિવસે વધારેમાં વધારે લોકો સુધી આ ફિલ્મ પહોંચે એ દ્રષ્ટિકોણથી ફિલ્મ ગુરૂવારે રિલીઝ કરવામાં આવી છે.
ફિલ્મના મુખ્ય કલાકારોમાં પૂજા જોશી, ચેતન ધાનાણી, શ્રેય મરડિયા, પ્રિયલ ભટ્ટ, દીપ વૈદ્ય, હેમીન ત્રિવેદી, ભૂષણ ભટ્ટ, કલ્પેશ પટેલ અને અન્ય કલાકારોનો સમાવેશ થાય છે જ્યારે કેપ્ટન ઓફ ધ શીપ એટલે કે ડિરેક્ટર તરીકેની જવાબદારી કર્તવીય (કર્તવ્ય નહીં) શાહે ભજવી છે. ફિલ્મના સંવાદ ભાર્ગવ ત્રિવેદીએ લખ્યા છે જ્યારે સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે. ફિલ્મંશ મોશન પિક્ચર્સ દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ફિલ્મ ‘શસ્ત્ર’ની વાર્તાની વાત કરીએ તો મધ્યાંતર પહેલાના ભાગમાં સાયબર ક્રાઇમની થતી ઘટનાઓ અને તેના ગેરફાયદાઓ દર્શાવવામાં આવ્યા છે. શોર્ટકટથી રૂપિયા કમાવાની લાલચે આજનો યુવા મોબાઇલમાં અનેક પ્રકારની વેબસાઈટ અને અનેક પ્રકારની લિન્ક પર ક્લિક કરતો હોય છે પણ તેના આ કૃત્ય દ્વારા અજાણતામં કેટલી મોટી તકલીફ થતી થઈ શકતી હોય છે એની જાણ તેને પોતાને હોતી નથી, એમાં પણ નકામા અને વિદેશી એપ્લિકેશનનો તો ખરા જ... જે તે લિંક પર ક્લિક કરીને આપેલો ટાસ્ક પૂરો કરો તો તમને 5000 રૂપિયા મળશે અને જેટલા વધારે ટાસ્ક પૂરા કરશો એટલા વધારે રૂપિયા કમાવવાની તક મળશે. બસ આવી જ સોનેરી હરણ જેવી લાલચ આપીને યુવાઓથી માંડીને વૃદ્ધોને પણ આકર્ષવામાં આવે છે અને સાઇબર અટેક કરવામાં આવે છે જેની જાણ યુઝરને પણ નથી હોતી. ફિલ્મમાં આ પ્રકારના કૃત્ય દ્વારા જે ઘટના ઘટે છે એને પ્રિયલ ભટ્ટ અને શ્રેય મરડિયાના પાત્ર દ્વારા ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. ટૂંકમાં સાયબર અટેકના કારણે કોઈ વ્યક્તિની જિંદગી કઈ રીતે ખરાબ થઈ શકે છે એ ફિલ્મના પહેલા ભાગમાં દર્શાવાયું છે, જોકે ફિલ્મમાં દર્શાવાયેલી ઘટના વાસ્તવિક જીવનમાં પણ ઘટતી જોવા મળે છે.
મધ્યાંતર પછીના ભાગમાં આ બંને પાત્રને વિસરીને સાયબર સેલમાં જોડાયેલા એસીપી રાઘવ એટલે કે ચેતન ધાનાણી કેસને સોલ્વ કરવા માટે જે પ્રયત્ન કરે છે એને મહદઅંશે દર્શાવવામાં આવ્યા છે. તેમના આ પ્રયત્નમાં તેમની પ્રેયસી વૈદેહી એટલે કે પૂજા જોશી, જે પોતે એક સાઇબર સિક્યુરિટીના શિક્ષક છે, મદદ કરતા જોવા મળે છે. હંમેશા શાયરીઓ કરતા એક પોલીસ અધિકારીના કોમિક રોલને હેમીન ત્રિવેદીએ ખૂબ સારી રીતે રજૂ કર્યું છે. જોકે ફિલ્મના મધ્યાંતર પછી સૌથી વધારે ધ્યાન દીપ વૈદ્ય ખેંચી જાય છે કારણ કે તેમનું પાત્ર એક એવી વ્યક્તિનું દર્શાવવામાં આવ્યું છે જે પોલીસને આ સાયબર ક્રાઇમના માસ્ટર માઇન્ડને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને એ પ્રયત્નમાં પોલીસ, સાયબર સિક્યુરિટી એક્સપર્ટ અને હેકર વચ્ચે જે ગડમથલ થાય છે એ જોવા જેવી છે.
જોકે ફિલ્મનો ક્લાઇમેક્સ અને ખાસ કરીને તો છેલ્લી 15-20 મિનિટમાં જે પ્રમાણે વળાંકો પર વળાંકો રજૂ કરવામાં આવે છે એ ફિલ્મને વધારે રસપ્રદ બનાવવામાં કારગર સાબિત થાય છે. હા, કેટલીક જગ્યાએ નિર્માતાઓએ કલાકારોના હાવભાવને બદલે સાયબર સિક્યુરિટીની ટેકનીકાલિટીને એટલે કે કાળી સ્ક્રીન પર લીલા અક્ષરોમાં થતાં તેમના કોડિંગ જેવા લાગતા કામકાજને મોટા પડદે થોડું વધારે બતાવવાનો પ્રયત્ન કર્યો હોત તો દર્શકોની જીજ્ઞાસાને વધારે સંતોષકારક બનાવી શક્યા હોત. તેમ છતાં ઉલ્લેખની વાત એ છે કે નવા વિષયને લઈને ગુજરાતી સિનેમા જગતમાં ફિલ્મો બની રહી છે અને એ દિશામાં થઈ રહેલા પ્રયાસ માટે ફિલ્મ મેકરને સો માંથી સો માર્ક્સ આપવા ઘટે.
કહેવાય છે કે દરેક ક્ષણે સાયબર ક્રાઇમ થતા જ રહે છે અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા અસંભવ છે. પણ જો દરેક વ્યક્તિ પોતે સજાગ રહીને મોબાઇલ નામના યંત્રને મર્યાદામાં રહીને વાપરે તો એ શાસ્ત્રનું કામ કરી શકે છે પણ જો એ જ શાસ્ત્રનો દુરૂપયોગ કરવામાં આવે તો એને ‘શસ્ત્ર’ બનતા વાર નથી લાગતી.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com



.jpg)
Comments
Post a Comment