આજની ગુજરાતી ફિલ્મોમાં કશું ખૂટે છે?

એક દાયકાથી કામ કરતી આ ઇન્ડસ્ટ્રી નવા વિષયો અને નવા દ્રષ્ટિકોણ તો લાવે છે પણ લોકસંસ્કૃતિથી જાણે દૂર થઈ રહી છે



આજની ગુજરાતી ફિલ્મોમાં શું કશું ખૂટે છે ખરું?? જો આવો પ્રશ્ન આજના યુવાવર્ગને પૂછવામાં આવે તો તેમના મતે એક અલગ જ જવાબ આપણને જાણવા મળશે જ્યારે આ જ પ્રશ્ન જો એ વર્ગને પૂછવામાં આવે જેમણે ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને અન્ય  ગુજરાતી કલાકારોની, આજની તારીખે જૂની કહેવાતી ગુજરાતી ફિલ્મો માણી છે, તો તેમના જવાબ સંપૂર્ણપણે અલગ હશે. 

સૌથી પહેલા આજની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો આજની ગુજરાતી ફિલ્મો ચાર-પાંચ દાયકા પહેલાની ગુજરાતી ફિલ્મો કરતાં સંપૂર્ણપણે અલગ છે. આ વાતનો પુરાવો આપણને ફિલ્મોની વાર્તા, પટકથા અને નવા-નવા વિષયો સાથે થઈ રહેલા અખતરાઓને જોતા જ મળી રહે છે. જે ગુજરાતી ફિલ્મો છેલ્લા દસેક વર્ષમાં બોક્સ ઓફિસ પર ઉતરી છે તેમાની ઘણી ફિલ્મોએ આ ઇન્ડસ્ટ્રીને ફરી પાછી બેઠી થવા માટે સક્ષમ કરી છે. ન માત્ર ફિલ્મના લેખક પણ ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસરો પણ નવા નવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને લોકોને નવું કોન્ટેક્ટ પીરસી રહ્યા છે. 

આજની તારીખમાં જૂની કહેવતી ફિલ્મો એટલે કે ચાર પાંચ દાયકા પહેલાની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો એ સમયની ફિલ્મો સાહિત્ય અને લોકકથા, લોકસંગીતને વધારે પ્રાધાન્ય આપતી હતી અને એટલે જ એ સમયની ફિલ્મોમાં આપણને ભક્તિ સંગીત અથવા તો સુગમ સંગીતના દાખલા પણ વધારે જોવા મળતા જે આજની ગુજરાતી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. હા, ‘ઝમકૂડી’ (2024) અને ‘છેલ્લો દિવસ’ (2015) જેવી ફિલ્મોમાં કેટલાક પ્રયાસ કરવામાં આવ્યા છે. ફિલ્મ ‘જેસલ તોરલ’ (1971) ના ભજન હોય કે પછી ‘સોનબાઈની ચુંદડી’ (1976) નું ભાઈ બહેનનું ગીત હોય કે પછી ફિલ્મ ‘ખમ્મા મારા વીરા’ (1976) માં પૂનમની રાતે પ્રિયતમને મળવાની આતુરતા હોય, એ તમામ ગીતો આજની તારીખે પણ આઇકોનિક છે અને ગુજરાતી પ્રજાના મન મગજમાં ઘર કરી ગયા છે. 

આજ વાત જો આજની ગુજરાતી ફિલ્મોમાં જોવા જઈએ તો લોકસંગીત અથવા લોકકથાનો એમાં જાજો ઉલ્લેખ જોવા નથી મળતો. હા ભજનની જગ્યાએ ગરબાઓનું સ્થાન અચૂક જળવાયેલું રહ્યું છે તેમ છતાં એ ગરબાઓ એટલી ઊંડી છાપ હજુ સુધી નથી છોડી શક્યા જે ગુજરાતી પ્રજાના મન મગજમાં ઉંડે સુધી ઘર કરી જાય. જોકે આમ કહેવું અતિશયોક્તિ હશે કારણ કે આજની ગુજરાતી ફિલ્મોને ફરી પાછી બેઠી થતા હજુ દાયકો માંડ થયો છે અને એક દાયકામાં ગુજરાતી ફિલ્મોએ ખાસ્સું એવું કાઠું કાઢ્યું છે અને એ દિશામાં હજુ પણ સતત પ્રયત્નો કરી રહી છે. 

કેટલાક વિષયોને લઈને વાત કરીએ તો આજની તારીખે મહિલા પ્રધાન ગુજરાતી ફિલ્મો બની રહી છે. ‘આન્ટીપ્રેન્યોર’ (2025), ‘ઉંબરો’ (2025), ‘કચ્છ એક્સપ્રેસ’ (2023), જેવી અનેક નારી પ્રધાન ફિલ્મો આજની નારીની જીવનીને ધ્યાનમાં રાખીને બની રહી છે જે દર્શકોને ગમી પણ રહી છે. ઢોલીવુડમાં નારી પ્રધાન ફિલ્મો પહેલા પણ બની ચૂકી છે. ફિલ્મ ‘કંકુ’ (1696) એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ગણી શકાય છે. આજની ગુજરાતી ફિલ્મોમાં જ્યાં એક બાજુ સ્ત્રીના અધિકારની વાત છડેચોક કહેવામાં આવી રહી છે, વર્ષો પહેલા એ જ વાત ફિલ્મો દ્વારા એક પડકાર, એક બળવા અને જાણે એક વિદ્રોહના રૂપમાં જોવામાં આવતી હતી. 

ટૂંકમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ છીએ કે જે પ્રમાણે સમાજ બદલાયો છે એ પ્રમાણે ફિલ્મો દ્વારા વાર્તા કહેવાનો દ્રષ્ટિકોણ પણ બદલાયો છે. સ્ત્રીના અધિકાર અને તેના બંડ પોકારવાની વાત તો માત્ર એક ઉદાહરણ છે. એવા હજુ ઘણા વિષયો છે જેને હજુ સુધી ઢોલીવુડમાં રજૂ કરવામાં નથી આવ્યા અને તેના પર કામ થઈ શકે એમ છે. તેમ છતાં આજની ગુજરાતી ફિલ્મોમાં કશું ખૂટતું હોવાની ફરિયાદ કરવી યોગ્ય પણ નથી કારણકે આ સિનેમા જગત જ્યાં પોતાના પાયા મજબૂત કરવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે ત્યાં થોડો વધુ સમય હજુ લાગી શકે એવી શક્યતાઓ છે અને આ ઢોલીવુડ આવનારા સમયમાં બોલીવુડને સામે સીધી ટક્કર લેવા સમર્થ બનશે. ‘વશ’ (2023) જેવી ફિલ્મોએ એ દિશામાં કામ શરૂ પણ કરી દીધું છે.



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 



Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં