એક ઐતિહાસિક ગુજરાતી ગીત અને અરવિંદ પંડ્યા વચ્ચે શું સંબંધ છે?
આજની તારીખે કોઈપણ એવી ગુજરાતી મહેફિલ નહીં હોય જ્યાં એ ગીત ન ગવાતુ હોય કેમ કે વિલન પર ફિલ્માવાયેલું એ રોમેન્ટિક ગીત અજરાઅમર છે
જે સમયે ભારત દેશ આઝાદીની ચળવળમાં વ્યસ્ત હતો એવા સમયે અરવિંદ પંડ્યાનો સિતારો ચમકવાનો શરૂ થયો હતો. 1946 અને 1947 માં પહેલા હિન્દી ફિલ્મોમાં ગાયક તરીકે અને ત્યારબાદ ગુજરાતી ફિલ્મોમાં ગાયક તથા અભિનેતા તરીકે તેમની કારકિર્દી શરૂ થઈ. 1946 માં હિન્દી ફિલ્મ ‘માનસરોવર’ અને 1947 માં ગુજરાતી ફિલ્મ ‘ભક્ત સૂરદાસ’ કર્યા બાદ તેમણે અનેક ગુજરાતી ફિલ્મો કરી.
અરવિંદ પંડ્યાના સંગીત સાથે જોડાયેલી એક વાત 1946 ની છે. આકાશવાણીમાં એ સમયે સંઘ ગાનનું એક ગ્રુપ બનાવવાનું કામ સંગીતકાર અજીત મર્ચન્ટને સોંપવામાં આવ્યું હતું. અજીત મર્ચન્ટ અને અરવિંદ પંડ્યા કોલેજકાળના મિત્રો હતા એટલે સ્વાભાવિક છે કે અજીતભાઈ અરવિંદભાઈના સંગીતથી પરિચિત હતા અને પ્રભાવિત પણ હતા. જ્યારે અજીતભાઈને ઓલ ઇન્ડિયા રેડિયોનું કામકાજ મળ્યું ત્યારે તેમણે અરવિંદભાઈને એ પ્રોજેક્ટમાં સામેલ કર્યા. અજીતભાઈની મદદથી અરવિંદભાઈને સ્વતંત્ર કડીઓ ગાવાની તક પણ મળતી. તેમના સંગીતથી ખુદ આકાશવાણી સંગીત વિભાગના અધિકારી દિનકર રાવ પણ પ્રભાવિત થયા હતા.
અજીત મર્ચન્ટ અને અરવિંદ પંડ્યાની હજુ એક વાત ભાગ્યે જ લોકો જાણતા હશે. ફિલ્મોમાં સંગીતકાર તરીકેની ફરજ બજાવવા ઉપરાંત અજીતભાઈએ તેમના જીવનમાં કેટલીક ફિલ્મોનું નિર્માણ કર્યું હતું, જેમાંની એક ગુજરાતી ફિલ્મ 1950 માં આવી હતી. ફિલ્મ બહુ ચાલી ન હતી પણ એ ફિલ્મનું એક ગીત આજની તારીખે પણ દરેકે દરેક મહેફિલમાં અચૂક ગવાય છે. વાસત્વમાં આ ગીત, ફિલ્મનો એક સંવાદ જ હતો. આ ગીતની ખાસિયત એ છે કે આ ગીતના શબ્દો રોમેન્ટિક છે પણ ફિલ્મનું ચિત્રણ વિલન પર કરવામાં આવ્યું છે એટલે કે એક વિલન રોમેન્ટિક ગીત ગાઈ રહ્યો છે. આ ફિલ્મ એટલે ‘દીવા દાંડી’ અને એ ગીત એટલે ‘તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો.’
1952 માં આવેલી ફિલ્મ ‘ભક્ત નરસૈયો’ માં તેમણે અભિનય પણ કર્યો હતો અને ગીતો પણ ગયા હતા. 1946 માં તેમણે હિન્દી ફિલ્મોમાં માત્ર ગાયક તરીકે ફરજ બજાવી હતી પણ 1954 માં અભિનેતા તરીકે તેમની પહેલી હિન્દી ફિલ્મ આવી જેનું નામ હતું તેનો ‘તિલોત્તમા’. આ ફિલ્મના દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રી હતા. 1960 માં આવેલી ફિલ્મ ‘કાદુ મકરાણી’ માં તેમણે કાદુ મકરાણીનું પાત્ર ભજવ્યું હતું જે લોકોએ સહજપણે સ્વીકારી હતું. આ ફિલ્મમાં ભજવેલા બહારવટિયાના પાત્ર બાદ તેમને અનેક ફિલ્મોમાં આ પ્રકારનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો.
અરવિંદભાઈએ કરેલા નાટકોમાં ‘જેસલ તોરલ’, ‘ગઢ જુનો ગીરનાર’, ‘મળેલા જીવ’, ‘પાછલે બારણે’, ‘ઓર્ડર ઓર્ડર’ ના નામ ઉમેરવા રહ્યા જ્યારે અસંખ્ય ગુજરાતી ફિલ્મોના નામ લઈ શકાય છે જેમ કે ‘દીવા દાંડી’ (1950), ‘ભક્ત નરસૈયો’ (1952), ‘કાદુ મકરાણી’ (1960), ‘અખંડ સૌભાગ્યવતી’ (1963), ‘રમત રમાડે રામ’ (1964), ‘મારે જવું પેલે પાર’ (1968), ‘મજિયારા હૈયા’ (1969), ‘હસ્તમેળાપ’ (1969), ‘વિધીના લેખ’ (1969), ‘રાણકદેવી’ (1973), ‘મેના ગુર્જરી’ (1975), ‘જોગીદાસ ખુમાણ’ (1975), ‘તાનારીરી’ (1975), ‘જાલમસંગ જાડેજા’ (1976), ‘ખાપરો ઝવેરી’ (1976), ‘સતી જસમા ઓડણ’ (1976), ‘પારકી થાપણ’ (1979), ‘મોટા ઘરની વહુ’ (1978), ‘આપો જાદરો’ (1979), ‘અલખને ઓટલે’ (1980), ‘માનવીની ભવાઈ’ (1993) (મરણોપરાંત) વગેરે.. આ ઉપરાંત તેમણે ‘ધ મિલ્કી વેવ’ નામની અંગ્રેજી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. 1953 માં તેમની હિન્દી ફિલ્મ ‘નવલખા હાર’ આવી જેમાં મીના કુમારીએ અભિનય કર્યો હતો જ્યારે તેમની બીજી હિન્દી ફિલ્મ ‘એલિફન્ટ ક્વીન’ 1961 માં આવી હતી. આ ફિલ્મમાં તેમની સાથે નિમ્મી, હેલન, ટૂનટૂન, સુંદર જેવા કલાકારો જોવા મળ્યા હતા અને આ જ વર્ષે તેમની ત્રીજી હિન્દી ફિલ્મ આવી ‘જય ચિતોડ’.
સંત, રાજાથી લઈને બહારવટિયા સુધીના દરેક પ્રકારના પાત્રો ભજવનારા અરવિંદ પંડ્યાને ગુજરાત સરકાર તરફથી આઠ વખત શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો અને અરવિંદ પંડ્યાના ગુજરાતી ફિલ્મ પ્રત્યેના અથાગ પ્રયત્નોને લીધે જ વડોદરામાં લક્ષ્મી સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી હતી જેમાં પહેલી ફિલ્મ ‘જાલમસંગ જાડેજા’ નિર્માણ પામી હતી.
વ્યક્તિગત જીવનમાં પણ ભક્તિ, આસ્થા અને જ્ઞાનમાં વિશ્વાસ રાખનારા અરવિંદ પંડ્યાનું 22 જુલાઈ 1980 માં નિધન થયું હતું. આજની તારીખમાં જ્યારે પણ અરવિંદ પંડ્યાનો અભિનય આપણે નિહાળીએ છીએ ત્યારે 56 ઇંચની છાતી વાળો અને મરદ મુછડિયો ગુજરાતી જ નજર પડે છે જે મા ભોમ માટે દુશ્મનો શિરચ્છેદ કરવામાં જરાય પાછળ પડતો નથી.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com




Comments
Post a Comment