ગુજરાતી ફિલ્મોના દાદા મુનિ એટલે અરવિંદ પંડ્યા

જબડું ચિરાઈ ગયું પણ એનાથી કારિકીર્દીમાં ક્યારેય વાંધો ન આવ્યો 



ગુજરાતી સિનેમા જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડીયાનું નામ સુપરસ્ટાર તરીકે આલેખવામાં આવે છે પણ તેમનાથી પણ પહેલા ગુજરાતી સિનેમા જગતમાં કોઈ સુપરસ્ટાર થઈ ગયું હોય તો તે હતા અરવિંદ પંડ્યા જેમને ગુજરાતી સિનેમા જગતના દાદા મુનિ એટલે કે અશોક કુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે. 



અરવિંદભાઈ જો આજે જીવતા હોત તો આજે આપણે તેમનો 102 મો બર્થ ડે ઉજવી રહ્યા હોત. 1923 માં 21 માર્ચના રોજ આણંદના ભાદરણ ગામ ખાતે તેમનો જન્મ થયો હતો. માનું નામ આનંદી બા હતું અને પિતા ગણપતરાવ પંડ્યા બેંક ઓફ બરોડામાં મેનેજર હતા. સમય જતા મૂળ ખંભાતનું આ પરિવાર બરોડા સ્થાયી થયું અને બરોડાની ન્યુએરા સ્કૂલમાં અરવિંદનું શાળા જીવન વીત્યું. કોલેજનું શિક્ષણ મેળવવા તેઓ માયાનગરી મુંબઈ આવ્યા અને અહીંની પ્રતિષ્ઠિત કોલેજ સેન્ટ ઝેવિયર્સમાં એડમિશન લીધું ત્યાંથી તેમણે સંસ્કૃત વિષયમાં ડિગ્રી મેળવી. અહીં તેઓ તેમના ભાઈ પુંઢરીકરાવ સાથે રહેતા. 

સામાન્યપણે આપણે કહેતા હોઈએ છીએ કે જિંદગીમાં ક્યારે પણ, કોઈપણ શીખેલી વસ્તુ કે કલા વ્યર્થ જતી નથી. આ વાત અરવિંદ પંડ્યા માટે સો ટચના જેવી સાબિત થઈ. જે પ્રમાણે લલીતા પાવરને એક લાફો પડતા તેમનો ચહેરો બગડી ગયો હતો એ પ્રમાણે સ્વિમિંગનો શોખ ધરાવતા અરવિંદ પંડ્યાને બરોડાના સુરસાગર તળાવમાં સ્વિમિંગ કરતી વખતે પથ્થરની ધાર ચહેરા પર સહેજ લાગી ગઈ હતી જેની છાપ આજીવન તેમની સાથે રહી. પણ એ ઘાવ તેમની કલા સામે ટકી ન શક્યો પણ તેમની આગવી ઓળખ બની ગયો. બીજીબાજુ અરવિંદ એનસીસીના સ્ટુડન્ટ હોવાથી તેમને રાયફલ ચલાવતા અને ઘોડે સવારી કરતા પણ આવડતી હતી. આ દરેકે દરેક વસ્તુનો ફાયદો તેમને આગળ ફિલ્મમાં અભિનય કરતી વખતે થવાનો હતો જેનો કદાચ તેમને પણ એ સમયે ખ્યાલ નહીં હોય. આટલું જ નહીં કુસ્તીમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ જીતેલા અરવિંદે 1942 ની ચળવળમાં પણ ભાગ લીધો હતો અને અંગ્રેજોની ગોળી પણ ખાધી હતી. સદ્નસીબે એ જીવલેણ સાબિત નહોતી થઈ. વળી ગુજરાતી ભાષા સિવાય સંસ્કૃત અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ. વાંચન અને શાસ્ત્રીય સંગીત ખાસ કરીને દાદરા અને ઠુમરીનો જબરો શોખ. આ શાસ્ત્રીય સંગીત તેઓ માણતા પણ ખરા અને ગાતા પણ ખરા. દેવધર ક્લાસીસમાં તેમણે સંગીતની તાલીમ લીધી અને ત્યારબાદ પંઢરીનાથ કોલ્હાપુરી પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી હતી. 




હવે મૂળ અરવિંદ પંડ્યાની કારકિર્દી તરફ વળીએ તો એ ઘણી રસપ્રદ રહી છે. સેન્ટ ઝેવિયર્સમાં એક જલસા વખતે સંગીતકાર એસ. એન. ત્રિપાઠીએ તેમને સાંભળ્યા હતા ત્યારબાદ તેમને ફિલ્મ ‘માનસરોવર’ માં પાર્શ્વગાયક તરીકે પસંદ કર્યા હતા. 1946 માં આવેલી આ ફિલ્મમાં તેમનું એક ગીત શમશાદ બેગમ સાથે તૈયાર કરવામાં આવ્યું હતું જેના શબ્દ હતા ‘એક ખ્વાબ સુહાના દેખા, પલભર કે લિએ મેને મુશ્કેલ જમાના દેખા’ આ ઉપરાંત તેમનું એક સોલો ગીત પણ આ ફિલ્મમાં તૈયાર કરવામાં આવ્યું હતું જેના બોલ હતા ‘કયોં ઘૂંઘટમેં અટખેલી, લુપછીપ કર ક્યોં દેખ રહી હો મેરી પ્રાણસહેલી’. આ તો હજુ માત્ર શરૂઆત હતી. યુવા અરવિંદનું નસીબ તેને ખોબલે ખોબલે નીતનવી તકો આપવા માટે જાણે પોતે તલપાપડ થઈ રહ્યું હતું. તેમને પહેલી ગુજરાતી ફિલ્મ કઈ રીતે મળી એ કિસ્સો પણ ઘણો રસપ્રદ છે. 

થયું એવું કે પ્રકાશ પિક્ચર્સવાળા વિજય ભટ્ટના નાનાભાઈ અશોક ભટ્ટ જે પોતે પણ દિગ્દર્શક હતા તેમણે કહ્યું હતું કે લગભગ 1947 નો સમય ચાલી રહ્યો હતો. પ્રકાશ પિક્ચર્સમાં રેકોર્ડિસ્ટ તરીકે કામ કરતા વડીલબંધુ દાભુભાઈ ભટ્ટ પાસે એ વખતના નૃત્ય દિગ્દર્શક શરદ શુક્લ એક યુવાને લઈ આવ્યા હતા જેનું નામ હતું અરવિંદ. ઓળખાણ કર્યા બાદ દાભુભાઈએ ત્યાં જ અરવિંદનો વોઇસ ટેસ્ટ કર્યો અને એમના અવાજથી પ્રભાવિત થયા. અરવિંદના એ વોઇસ સેમ્પલ લઈને તેઓ તરત જ નિર્માતા બંધુ શંકર ભટ્ટ અને વિજય ભટ્ટને સંભળાવ્યા અને તેમને પણ આ અવાજ પસંદ પડતા અરવિંદ પંડ્યાને તેમની પહેલી ફિલ્મ ‘ભક્ત સૂરદાસ’ મળી જેમાં તેમણે પોતે ભક્ત સૂરદાસનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ એ જ સમય હતો જ્યારે ફિલ્મી ટેક્નોલોજી ઘણી જટિલ હતી અને પ્લેબેક સિંગીંગ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ હતું માટે ફિલ્મ મેકર્સ પણ એવા જ કલાકારાને પહેલા પસંદ કરતા જેઓ જાતે ગાઈ પણ શકતા હોય. આ વાતનો ફાયદો અરવિંદને મળ્યો અને તેમની સંગીતની તાલિમ તેમના માટે અહીં વરદાનરૂપ સાબિત થઈ કેમ કે ‘ભક્ત સૂરદાસ’ માં તેમની પાસેથી જ ગીતો ગવડાવવામાં આવ્યા હતા. આમ ‘ભક્ત સૂરદાસ’ તેમની પહેલી વહેલી ગુજરાતી ફિલ્મ બની જેના બાદ તેમના કરિયરમાં ફિલ્મોની વણઝાર ચાલી. આ વણઝાર કેવી રહી એના વિશે આવતા લેખમાં વાત કરીશું. 

(ક્રમશઃ)


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 




Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’