શું એક કલાકારનું આંકલન એવોર્ડથી જ થવું જોઈએ?

એવોર્ડ એ કલાકારના જીવનમાં અલ્પવિરામ જેવું પગથિયું હોઈ શકે પણ પૂર્ણવિરામ જેવું ક્યારેય નહીં



ગુજરાતી ફિલ્મો અને ટેલિવિઝન ક્ષેત્રે થતી એવોર્ડ સેરેમની, અન્ય ક્ષેત્રની એવોર્ડ સેરેમનીની સરખામણીમાં ઘણી સાદગીથી પાર પડતી જોવા મળે છે. ફિલ્મ ક્ષેત્રની એક સામાન્ય ફોર્મેટમાં જ આ એવોર્ડ સેરેમની યોજાતી આપણે જોઈ છે જેમાં વર્ષની કેટલીક ફિલ્મોમાંથી બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ડિરેક્ટર જેવી અનેક કેટેગરી નક્કી કરવામાં આવે છે અને એમાંથી ઓડિયન્સના વોટિંગના આધારે અને જ્યૂરીના સિલેક્શનના આધારે વિજેતા નક્કી કરાતા હોય છે. પણ પ્રશ્ન એ છે કે એક એવોર્ડથી શું કોઈ ફિલ્મની કે કોઈ કલાકારની કલાને આંકી શકાય છે ખરી?



કોઈપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા સાબિત કરવા માટે એવોર્ડ એ એક સન્માનરૂપ છે અને એક એવોર્ડ કોઈપણ કલાકાર માટે મોટી પ્રેરણા બની શકે છે. સારા અભિનય, દિગ્દર્શન, સંગીત કે કથાનક માટે મળનારા એવોર્ડ માત્ર એક ટ્રોફી જ નથી, પણ તે કલાકાર કે નિર્માતાને વધારે સારૂ કામ કરવા માટે પ્રેરિત કરે છે. એવોર્ડ મેળવનાર કલાકાર માટે તે માનસિક, વ્યાવસાયિક અને આર્થિક રીતે પણ ફાયદાકારક સાબિત થાય છે. જોકે એવોર્ડ્સ કોઈ પણ ઉદ્યોગ માટે પ્રોત્સાહન તો પૂરું પાડે છે અને કલા જગતની વિશિષ્ટતાઓને ઉજાગર કરવામાં મદદ પણ કરે છે. 

બીજી બાજુ જોવા જઈએ તો કલાકાર કે તેની કલાની મહત્તાને માત્ર એવોર્ડથી જ આંકી શકાય તેમ નથી. એવા ઘણા કલાકારો કે ફિલ્મો હોય છે જેઓ એવોર્ડ ન જીત્યા હોય, પણ પ્રેક્ષકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવવામાં તેઓ સફળ રહ્યા હોય. કેટલાક કલાકારો પોતાના વિશિષ્ટ અભિનય અથવા કૃતિ દ્વારા કલાક્ષેત્રમાં યોગદાન આપતા હોય છે અને એવોર્ડ્સ કે કોઈ સન્માનની જરૂરિયાત વિના પણ લોકપ્રિયતા મેળવી જાય છે. આવા કલાકારોને એવોર્ડ ન મળતા દર્શકવર્ગ પણ આ એવોર્ડ સેરેમની સાથે જોડાવામાં રસ દાખવતો નથી. વળી પાછલા અનેક વર્ષોમાં એવોર્ડ આપવાનો માપદંડ અને પ્રક્રિયા બદલાઈ છે જે ક્યારેક ચર્ચાસ્પદ હોવાનું પણ કહેવામાં આવતું હતું. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે જે કલાકારો કે ડિરેક્ટર્સ, જેમણે પોતાના કામકાજવડે પોતાની એક અલગ ઓળખ નિર્માણ કરી છે, તેમને કમર્શિયલ ફિલ્મોમાં વધારે તક નથી મળતી. હોલીવૂડ અને બીજા દેશોમાં આ માટે અલગ જ્યૂરી પેનલ હોય છે, જે સંપૂર્ણ નિષ્પક્ષ રીતે નિર્ણય લે છે. જોકે, ભારતીય એવોર્ડ્સમાં ઘણીવાર લોકપ્રિયતા અને નેપોટિઝમનો વલણ વધુ જોવા મળે છે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કિસ્સામાં આ વાત વધારે લાગુ થતી નથી કેમ કે આ ઇન્ડસ્ટ્રી પ્રમાણમાં નાની છે અને હજુ વિકસી રહી છે. ગુજરાતી ફિલ્મ મેકર્સ પાસે વળી સંસાધનોનો વિકલ્પ પણ ઘણો મર્યાદિત છે. 



ગુજરાતી સિનેમા અને ટેલિવિઝનના સંદર્ભમાં જ વાત કરીયે તો આ ક્ષેત્ર માટે વધુ વ્યાપક અને ભવ્ય એવોર્ડ સેરેમનીઓ યોજવી જરૂરી છે. જો આ ક્ષેત્રમાં મોટા સ્તરે અને વ્યાવસાયિક રીતે એવોર્ડ્સનું આયોજન થાય, તો એ ફિલ્મઉદ્યોગ માટે ફાયદાકારક બની શકે. આ માટે વર્તમાન કામકાજમાં કેટલાક ફેરફાર કરી, વધુ પારદર્શિતા અને પ્રેક્ષકોની સહભાગિતાને પ્રાધાન્ય આપીને, એવોર્ડ્સને વધુ મહત્ત્વપૂર્ણ અને આકર્ષક બનાવી શકાય. આજકાલ મોટા ભાગના એવોર્ડ શો માટે સ્પોન્સરશીપ અને લોકપ્રિયતા વધુ મહત્ત્વ ધરાવતી થઈ ગઈ છે. 

હાલમં ગુજરાતી ફિલ્મ અને નાટ્ય ક્ષેત્રમાં અત્યારે વિકાસશીલ યુગ ચાલી રહ્યો છે. અનેક ફિલ્મો આજે ન માત્ર ગુજરાત પણ દેશના સીમાડા વટાવી વિશ્વકક્ષાએ પહોંચી ગઈ છે જે આ ક્ષેત્ર માટે નવા ટર્નિંગ સમાન છે. નવા કલાકારોને સાચી તક મળે તે પણ અત્યંત જરૂરી છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવોર્ડ શોની સિસ્ટમ સારી અને પારદર્શક બને, એ જોવું જરૂરી છે. ગુજરાતી સિનેમા અને ટેલિવિઝન ઉદ્યોગની વાહવાહી અને તેમને યોગ્ય પીઠબળ આપવા માટે થતાં એવોર્ડ શો સકારાત્મક દિશામાં જવા માટેનો એક સારો પ્રયાસ કહી શકાય પણ એક કલાકાર માટે આ એવોર્ડ, તેની કલાકાર તરીકેની યાત્રામાં અલ્પવિરામસમુ માત્ર એક પગથિયું કહી શકાય ન કે પૂર્ણવિરામ.


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com



Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં