ફિલ્મોની સફળતા-નિષ્ફળતાના માપદંડ કોણ નક્કી કરે છે?
ફિલ્મ કોઈપણ ભાષાની હોય, રિલીઝ થયા બાદ તેને ફ્લોપ, સુપર ફ્લોપ, હિટ, સુપરહિટ અથવા બ્લોક બસ્ટર જેવા વિશેષણ લગાડીને જગજાહેર કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે આવા વિશેષણ મોટાભાગે તેના બોક્સ ઓફિસ કલેક્શન પર આધારિત હોય છે અને આ વિશેષણો જ છે, જે દર્શકોની માનસિકતાને, તેમના ગમા-અણગમાને જાહેર કરે છે. તેમ છતાં એક સવાલ સામાન્ય નાગરિકના મનમાં હંમેશા થતો હોય છે કે એક ફિલ્મની સફળતા કે નિષ્ફળતાના માપદંડ શું હોઈ શકે છે અથવા તો એ જે-તે માપદંડ નક્કી કોણ કરે છે?
આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે તાળી એક હાથ નથી વાગતી. ફિલ્મોની સફળતા અને નિષ્ફળતાના માપદંડનું પણ કંઈક આવું જ છે. સૌથી પાયાની વાત કરીએ તો એક ફિલ્મ જ્યારે રિલીઝ થાય છે ત્યારે શરૂઆતના કેટલાક અઠવાડિયામાં તે બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કરે છે એના પર આપણા સૌ કોઈની નજર રહેતી હોય છે અને એ આંકડાને ધ્યાનમાં રાખીને મોટાભાગે ફિલ્મની સફળતા કે નિષ્ફળતા નક્કી કરવામાં આવતી હોય છે. જોકે આ મુદ્દામાં એક એવી વિચારધારાનો પણ સમાવેશ થાય છે જે વાસ્તવમાં એક ફિલ્મને લોકો સુધી પહોંચતી અટકાવે છે.
હોલીવુડ, બોલીવુડ અથવા તો ટોલીવુડને હાલ પૂરતું બાજુમાં મૂકીને માત્ર ઢોલીવુડની વાત કરીએ તો આપણે ત્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં સારી એવી ફિલ્મો બની રહી છે, સારા એવા વિષયો અને સારા એવા કલાકારો ઇન્ડસ્ટ્રીને મળી રહ્યા છે. પણ મહત્વની વાત એ છે કે આ ફિલ્મો દરેકે દરેક ગુજરાતી સુધી નથી પહોંચી રહી. એક ફિલ્મ જે શહેરમાં પોતાનું પ્રમોશન કરતી હોય એ શહેરમાં ધારો કે એને થિયેટર મળે જ નહીં તો સ્વાભાવિક છે કે એ ફિલ્મની સફળતાને અને એના માપદંડને અસર પડવાની જ છે. વળી એ શહેરના દર્શકો પણ એક હદે વિચારતા થઈ જાય કે ફિલ્મનું પ્રમોશન તો થયું પણ એ ફિલ્મ થિયેટરમાં જોવા મળી જ નહીં.. ક્યારેક એવું પણ બને છે કે એક બે અઠવાડિયા થિયેટરમાં ચાલ્યા બાદ ત્રીજા અઠવાડિયા સુધીમાં એ જે-તે ગુજરાતી ફિલ્મોને માંડ ચાલવા દેવામાં આવે છે અથવા તો એને ઉતારી લેવામાં આવે છે. દર્શકો હોય કે નિર્માતા એક વાત ચોક્કસપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈપણ ફિલ્મ પહેલા જ દિવસે કે માત્ર પહેલા જ અઠવાડિયે હિટ કે સુપરહિટ સાબિત નથી થઈ જતી. ઓછામાં ઓછા બે ત્રણ અઠવાડિયા સુધી ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવું કામકાજ કરે છે એના આધારે તેની સફળતા કે નિષ્ફળતાની દિશા નક્કી કરી શકે છે.
ઘણીવાર આપણે એવું પણ જોયું છે કે ફિલ્મો થિયેટરમાંથી ઉતરી ગયાના અનેક સમય પછી સફળ સાબિત થાય છે અને લોકોની વાહવાહી મેળવે છે જેમાં ‘અમર અકબર એન્થોની’ અને ‘અંદાજ અપના અપના’ જેવી ફિલ્મોના દાખલાથી આપણે સૌ કોઈ પરિચિત છીએ જ. પણ આવી જ પરિસ્થિતિ કઈ ગુજરાતી ફિલ્મોએ ભોગવી છે જો એમ પૂછવામાં આવે તો મોટાભાગના લોકો પાસે એનો જવાબ નહીં હોય. આજના સમયમાં કોલેજીયનોની ફેવરેટ ફિલ્મ ‘છેલ્લો દિવસ’ બોક્સ ઓફિસ પર શરૂઆતના સમયમાં નિર્ધારિત સફળતા નહોતી મેળવી શકી પણ જેમ જેમ સમય વીતતો હોય એમ એમ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું એવું કલેક્શન પણ કરી શકી અને લોકજીભે પણ ચડી શકી. ‘બે યાર’ અને ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ પણ આજે શૃંખલામાંની એક છે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com


.jpg)
Comments
Post a Comment