ઢોલીવુડમાં વધી રહ્યો છે ઇન્ફ્લ્યુએન્સર્સનો દબદબો

આ વિવાદાસ્પદ વિષયને લીધે ફિલ્મીક્ષેત્ર બે વર્ગમાં વહેંચાયેલો છે જેમાંનો એક વર્ગ ઇન્ફ્લ્યુએન્સર્સને કલાકાર તરીકે સ્વીકારે છે જ્યારે બીજો નહીં...


એક સમયમાં બોલીવૂડ હોય કે ઢોલીવૂડ સાહિત્ય, સંસ્કૃતિ અને લોકવારસાને આગળ જાળવી રાખવા માટે નાટકો થતા. નટ અને નટી સાથે મળીને ભવાઈ અને ધીમે ધીમે નાટકો કરવા લાગ્યા. સમય જતા મનોરંજનના સંસાધનો વધ્યા. ફિલ્મો અને ટીવી સિરીયલ્સ શરૂ થઈ. આજની તારીખમાં ભલે ટીવીએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું હોય પણ એ નટ-નટીઓએ પોતાનું સ્થાન લગભગ ગુમાવી દેવું પડ્યું છે. ટીવીને પણ ટક્કર આપે એવું સોશ્યિલ મીડિયા આજે દરેક વ્યક્તિના હાથમાં આવી જતા મનોરંજનના જાણે ભૂક્કા બોલાઈ ગયા છે. 



આપણે અનેક નામાંકિત ફિલ્મી કલાકારોને ઇન્ટરવ્યૂમાં કહેતા સાંભળ્યા હશે કે પહેલા તેઓ બે-ત્રણ શિફ્ટમાં ફિલ્મની શૂટિંગ કરતા. ફિલ્મ રિલીઝ થાય ત્યારે માત્ર પ્રિમીયર યોજાતા અને પછી બીજી ફિલ્મના શૂટિંગમાં લાગી જતા. પહેલી ફિલ્મ હિટ થઈ કે ફ્લોપ થઈ એના આંકડા કે એની કોઈ જ માહિતી તેમના સુધી સરળતાથી પહોંચતી નહીં. ફિલ્મ રિલીઝના થોડા ઘણાં સમય પછી તેમને ખબર પડતી ફિલ્મ સફળ થઈ છે કે નહીં. ટૂંકમાં એક ફિલ્મમાં કામ કર્યા બાદ બીજી ફિલ્મના કામમાં પરોવાઈ જતા. 

વિરાજ ઘેલાણી

આજની તારીખમાં આ દરેકે દરેકે પ્રક્રિયા ધરમૂળથી બદલાઈ ગઈ છે. એક આર્ટિસ્ટ ફિલ્મમાં કર્યા બાદ ભલે બીજી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત જતો હોય પણ પોતાની પહેલી શૂટ થયેલી ફિલ્મને સફળ બનાવવાના દરેક પ્રયાસ કરવાના ભાગરૂપે એ પોતાનું યોગદાન આપે છે. વિવિધ શહેરોમાં જઈને, ફિલ્મની જેટલી થાય એટલી માર્કેટિંગ અને જાહેરાત કરી અલગ અલગ પ્રકારે પ્રમોશન કરે છે. દર્શકોને થિયેટર સુધી જવા વિનવે છે, તેમની સાથે સેલ્ફી લેય છે, તેમના માટે રસ્તા પર ડાન્સ પણ કરે છે અને ક્યારેક તો ફિલ્મના લોકપ્રિય બનેલા ગીતની બે-ચાર પંક્તિઓ પણ ગણગણાવે છે. 



ફિલ્મ સંબંધિત સમાચારપત્રો અને મેગેઝિનમાં ખાસ જે-તે ફિલ્મ માટે લેખ લખાતા. કલાકારોની મુલાકાતો લેવાતી અને આ બધી પ્રક્રિયા આજે પણ અકબંધ છે, તેમ છતાં આ બધા પ્રમોશનમાં જે ખાસ વાત નોંધવા જેવી છે એ છે ઇન્ફ્લ્યુએન્સર્સનો દબદબો. વાસ્તવમાં છેલ્લા કેટલાક સમયથી ઇન્ફ્લ્યુએન્સર માર્કેટિંગે દરેક ઇન્ડસ્ટ્રીમાં એક નવો ચીલો ચીતર્યો છે. ઇન્ફ્લ્યુએન્સર એક એવી વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ હોય છે જે ફિલ્મની કે જે-તે બ્રાન્ડની પ્રોડક્ટની વેચવા માટે મદદરૂપ થતી હોય છે. આ ઇન્ફ્લ્યુએન્સરના સોશ્યિલ મીડિયા પર હજારો, લાખો અને કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ હોય છે જેમના દ્વારા તેઓ લાખો અને કરોડો રૂપિયામાં કમાણી પણ કરતા હોય છે. 

કુશલ મિસ્ત્રી અને અમદાવાદી મેનની ટીમ

ફિલ્મ મેકર માટે આ ઇન્ફ્લ્યુએન્સર એક એવો નવો માર્ગ બની ગયો છે કે જેમની મદદથી તેઓ થોડા રૂપિયા ખર્ચીને તૈયાર ઓડિયન્સનું માર્કેટ મેળવી શકે છે. જેમ કપડા, વાસણ અને પર્ફ્યુમ માટે અલગ અલગ દુકાનો હોય છે એમ અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ ઇન્ફ્લ્યુએન્સર પણ હોય છે. કેટલાક ઇન્ફ્લ્યુએન્સર કોમેડી કરવામાં તો કેટલાક ફાઇનૅન્સ સંબંધિત તો વળી કેટલાક ટ્રાવેલ સંબંધિત માહિતી આપવામાં નિપૂણ હોય છે. આ ઇન્ફ્લ્યુએન્સરની મદદથી ફિલ્મ મેકર પોતાની ફિલ્મનું પ્રમોશન કરે છે. આજની લગભગ દરેક ભાષાની ફિલ્મને પ્રમોટ કરવા માટે ઇન્ફ્લ્યુએન્સર માર્કેટિંગનો અચૂક ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણાર્થે યાદ કરીએ તો ‘હું ઈકબાલ’ ની રિલીઝ વખતે અનેક લોકોને ઈકબાલના પોશાક પહેરાવી અમદાવાદના રિવરફ્રન્ટ અને અનેક જગ્યાએ ફેરવવામાં આવ્યા હતા. ફિલ્મ ‘વશ’ ની હિન્દી રિમેક ‘શૈતાન’ રિલીઝ થઈ ત્યારે ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે કાળાજાદુની થીમ કેન્દ્રસ્થાને રાખવામાં આવી હતી. આટલું જ નહીં ‘કાલે લગન છે’, ‘ઉડન છૂ’, જેવી નવી નક્કોર અને લેટેસ્ટ ગુજરાતી ફિલ્મના પ્રમોશન માટે પણ ઇન્ફ્લ્યુએન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રી બાદ ફેશન ઇન્ડસ્ટ્રી પણ આવા અનેક ઇન્ફ્લ્યુએન્સરથી ઉભરાયેલી છે. 



પ્રેક્ટિકલી જોઈએ તો ફિલ્મને સફળ બનાવવા ફિલ્મ મેકર કોઈપણ નીતનવી પદ્ધતિથી માર્કેટિંગ કરી શકે છે અને એમાં કશું ખોટું પણ નથી. પણ સૌથી મોટો પ્રશ્ન ત્યારે આવીને ઊભો રહે છે જ્યારે કોઈ ઇન્ફ્લ્યુએન્સરને જે-તે અભિનેતા કે કલાકારની સમકક્ષાએ રાખવામાં આવે છે. કારણ શક્ય છે કે જે-તે અભિનેતાના સોશ્યિલ મીડિયામાં ફોલોઅર્સ ન હોય અથવા તેઓ પોતે સોશ્યિલ મીડિયામાં એક્ટિવ પણ ન હોય, જ્યારે સામાપક્ષે જે-તે ઇન્ફ્લ્યુએન્સર માત્ર પોતાની સોશ્યિલ મીડિયામાં બળવત્તર હાજરીને લીધે લોકપ્રિયતા, પોતાનો દબદબો ધરાવતો હોય છે. 

મનન દવે

2024માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અનેક ઇન્ફ્લ્યુએન્સર્સ દિગ્ગજ આંતરરાષ્ટ્રીય કલાકારો વચ્ચે પહોંચી જતા હોબાળો થયો હતો અને અનેક ફિલ્મી કલાકારોએ આ ઘટનાને વગોવી હતી અને જનતાને કલકાર તથા ઇન્ફ્લ્યુએન્સર્સ વચ્ચેનો ભેદ સમજવા અપીલ કરી હતી. ભૂતકાળમાં આવા વિવાદાસ્પદ મુદ્દે અનેક તર્ક-વિતર્કો થયા છે અને આજે પણ થાય છે કે એક કલાકાર ઇન્ફ્લ્યુએન્સર ન હોઈ શકે પણ એક ઇન્ફ્લ્યુએન્સરનું નસીબ જો જોર કરતું હોય તો તે અભિનેતા કે અભિનેત્રી બની શકે છે. આપણા ઢોલીવુડમાં અનેક એવા ગુજરાતી ઇન્ફ્લ્યુએન્સર્સ છે જે આજે એક ફિલ્મ અભિનેતા તરીકે પોતાની ઓળખ આપે છે. જોકે કેટલાક પીઢ અભિનેતાઓ છડેચોક ઇન્ફ્લ્યુએન્સરને કલાકાર કે અભિનેતાનો દરજ્જો નથી આપતા કેમ કે તેમના મતે આ ઇન્ફ્લ્યુએન્સર કલા સાથે નહીં પણ સોશ્યિલ મીડિયાની ડિમાન્ડ અને સપ્લાય સાથે જોડાયેલા છે. સામાપક્ષે  ઇન્ફ્લ્યુએન્સર વર્ગનું કહેવું છે કે તેઓ હાર્ડવર્ક નહીં પણ સ્માર્ટવર્ક કરી, આજની લેટેસ્ટ ટેક્નોલોજી અને સુવિધાનો ઉપયોગ કરી ઓછા સમયમાં સફળતા પામી શકતા હોય તો વધારે વર્ષ રાહ જોઈને શું લાભ થવાનો છે?



અન્ય એક લેટેસ્ટ ઉદાહરણ યાદ કરીયે તો હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેલા એક ઇન્ફ્લ્યુએન્સર, જેના સોશ્યિલ મીડિયામાં પચાસ લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ છે, એને વાસ્તવમાં ચૂંટણીમાં 200 મત પણ નહોતા મળ્યા અને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ લેટેસ્ટ ઉદાહરણને ધ્યાનમાં રાખીને અહીં અનેક દલીલો વચ્ચે કોણ સાચું અને કોણ ખોટું, એ વાતનો ન્યાય થિયેટર્સમાં ફિલ્મ જોવા જતા દર્શકોએ કરવાનો છે કે તેમને મોટા પડદે ફિલ્મી કલાકારને અભિનય કરતા જોવા છે અભિનેતાના વાઘા પહેરીને આવેલા કોઈક ઇન્ફ્લ્યુએન્સર્સને? 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com





Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

વશીકરણનો ડબલ ડોઝ લાવી રહી છે ‘વશ લેવલ 2’