મહેનતુ નરેશ કનોડિયાની આજે ખોટ વર્તાય છે

જીવવના દરેક તબક્કાનો અનુભવ કરનારા આ કલાકાર સેટ પર ક્રૂ મેમ્બરોનું ધ્યાન પરિવારની જેમ રાખતા



ગુજરાતી ફિલ્મ જગતમાં સંખ્યાબંધ સફળ અભિનેતાઓ થઈ ગયા છે તેમ છતાં દર્શકોના દ્રષ્ટિકોણથી બે કલાકારોના નામ લીધા વિના ગુજરાતી ફિલ્મ જગતનો ઈતિહાસ કદાચ અધૂરો કહેવાશે. એક ઉપેન્દ્ર ત્રિવેદી અને બીજા નરેશ કનોડિયા. નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ જગતમાં જે ફિલ્મો કરી છે એની એક અલગ જ ઓળખ છે. 



 

મહેશ-નરેશની જોડીમાંના નરેશ કનોડિયાનો જન્મ ગુજરાતના કનોડા ગામે 20 મી ઑગસ્ટ 1943 ના રોજ થયો હતો જે ગુજરાતી ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાના નાનાભાઈ છે. પોતાના મોટાભાઈ મહેશની જેમ નાનપણથી જ નરેશે ઘણો સંઘર્ષ કર્યો હતો અને તેમને જે પણ સફળતા મળી છે એ તમામે તમામ સફળતાનો શ્રેય તેમણે પોતાના મોટા ભાઈ મહેશ કનોડિયાને જ આપ્યો છે. નરેશ કનોડિયા જ્યારે છ માસના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું.

ફિલ્મોમાં આવતા પહેલા નરેશ કુમાર બુટપૉલિશ કરતા, એટલું જ નહીં ઘરેઘરે જઈને કચરો વીણતા. સવારે લોકો દાતણ કરતા હોય અને જે દાતણમાંથી ઊલિયું બનાવતા એની ચીરીઓ વીણી લેતા અને પછી એને તડકામાં સૂકવતા અને તે ચૂલામાં નાખતા અને પછી ચા બનતી. મોટાભાઈ મહેશની જેમ નરેશ કુમારે એ વાત સ્વીકારી છે કે ફિલ્મોમાં આવવા માટે તેમણે કોઈપણ પ્રકારની તાલીમ નથી લીધી, કે નથી કશેથી કોઈ ઘોડેસવારી શીખી. ‘મહેશકુમાર ઍન્ડ પાર્ટી’ માં જોડાયા બાદ જે પણ કાર્યક્રમો થતાં એમાં તેઓ અભિનય કરી લોકોનું મનોરંજન કરતા, જે દર્શકોએ સહર્ષ સ્વીકાર્યું. 60 વર્ષથી વધુ સમય સુધી કાર્યરત રહેલી ‘મહેશકુમાર ઍન્ડ પાર્ટી’ એ દેશ અને દુનિયામાં અંદાજે 15 હજારથી પણ વધુ શો કરી લોકોનું મનોરંજન કર્યું હતું. એકબાજુ મહેશ કુમાર આ પાર્ટીનું સંગીત સંભાળતા તો બીજી બાજુ નરેશ કુમાર સ્ટેજ પર આવીને અલગ-અલગ કલાકારોની મિમિક્રી કરતા અને લોકોને હસાવતા હતા. ખાસ કરીને તેઓ જોની વૉકરના ગીત પર નૃત્ય કરતા એટલે લોકો તેમને ‘જોની જુનિયર’ તરીકે ઓળખતા થયા. 



 

નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની ગુજરાતી ફિલ્મી સફર એકસાથે શરૂ થઈ હતી. 1970 માં ભાગ્યોદય ચિત્ર દ્વાર રિલીઝ થયેલી ફિલ્મ ‘વેલીને આવ્યાં ફૂલ’ મહેશ કનોડિયાની સંગીતકાર તરીકે અને નરેશ કનોડિયાની અભિનેતા તરીકે પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મની ક્રેડિટમાં નરેશ કનોડિયાના નામની સાથે ‘જોની જુનિયર’ પણ ખાસ લખવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓ પોતાની પહેલી ફિલ્મથી જ ફિલ્મ સાથે જોડાયેલા તમામ ક્રૂ મેમ્બરોનું પરિવારના સભ્યોની જેમ ધ્યાન રાખતા હોવાના કિસ્સા જગજાહેર છે. આ જ વર્ષે રિલીઝ થયેલી સંજીવ કુમારની સુપરહિટ ફિલ્મ ‘જીગર અને અમી’ માં પણ તેમણે સંજીવ કુમારના મિત્રનો નાનકડો રોલ કર્યો હતો અને તેમના પર એક મુજરો પણ આ ફિલ્મમાં શૂટ કરવામાં આવ્યો હતો. 



આગળ જતા તેમણે ‘જોગસંજોગ’ (1980), ‘મેરૂ મુળાંદે’ (1980), ‘વટ વચન ને વેર’ (1982), ‘ઢોલા મારુ’ (1983), ‘કંકુની કિંમત’ (1983), ‘મરદનો માંડવો’ (1983), ‘હિરણને કાંઠે’ (1984), ‘મેરુ માલણ’ (1985), ‘ઊંચી મેડીના ઊંચા મોલ’ (1985), ‘જોડે રહેજો રાજ’ (1989), ‘વીર બાવાવાળો’ (1990) જેવી લગભગ 100 થી પણ વધારે ફિલ્મો કરી છે. તેમણે લગભગ દરેક ગુજરાતી અભિનેત્રી સાથે કામ કર્યું હતું. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી જેટલી ફેમસ હતી એટલી જ ફેમસ નરેશ કનોડિયા અને સ્નેહલતાની પણ જોડી હતી. માત્ર સ્નેહલતા જ નહીં પણ સ્નેહા, રોમા માણેક, અરૂણા ઈરાની, રીટા ભાદુરી, જયશ્રી પરીખ, પિન્કી પરીખ, મીનાક્ષી સહિત અનેક અદાકારાઓ સાથે તેમણે એકથી એક સુપરહિટ ફિલ્મો ઢોલીવૂડને આપી છે જ્યારે વિલન તરીકે ફિરોઝ ઈરાની તેમની લગભગ દરેક ફિલ્મમાં જોવા મળતા. ગુજરાતી ફિલ્મોમાં હીરોની જે આગવી છટા હોવી જોઈએ એનાથી કંઈક અલગ કરવાનું જોમ નરેશ કનોડિયાના અભિનયમાં હતું. તેમની કપડા પહેરવાની સ્ટાઇલ હોય, ફાઇટ કરવાની સ્ટાઇલ હોય, હીરોઇન સાથે રોમેન્ટિક સીન હોય કે વાળની કોઈક નવી જ સ્ટાઇલ હોય, નરેશ કનોડિયા હંમેશા પોતાની ફિલ્મો થકી કંઈક નવું જ પ્રસ્તુત કરવા માટે અગ્રેસર રહેતા. 



 

બોલીવૂડમાં જે પ્રમાણે મોહમ્મદ રફી શમ્મી કપૂરનો અવાજ કહેવાતા, કિશોર કુમાર રાજેશ ખન્નાનો અવાજ કહેવાતા એમ પ્રફુલ્લ દવે નરેશ કનોડિયાનો અવાજ કહેવાતા. નરેશ કનોડિયાની મોટા ભાગની ફિલ્મોમાં તેમણે જ ગીતો ગાયા છે. પ્રફુલ્લ દવેએ ફિલ્મ ‘તમે રે ચંપો ને અમે કેળ’ (1978) થી નરેશ કનોડિયાની ફિલ્મોમાં ગીતો ગાવાની શરૂઆત કરી હતી. એટલું જ નહીં તેમની ફિલ્મોમાં મોટા ભાગનાં ગીતો કાંતિ અશોકે લખેલાં જે આજે પણ લોકહૈયે વસેલાં છે. ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય’, ‘જાગે રે માલણ જાગ’, ‘લી લેમડી રે લીલો નાગરવેલનો છોડ’, ‘સાંજણ તારાં સંભારણાં’, ‘લાડી તો લાખની સાયબો સવા લાખનો’, ‘મારો સોનાનો ઘડુલો રે’ સહિત અનેક ગીતો આજે પણ ભૂલે ન ભૂલાય એવા છે.



 

વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં નરેશ કનોડિયા વડોદરાની કરજણ (એસ.સી.) સીટ પરથી ભાજપના ધારાસભ્ય બન્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમના હસ્તે 2011 માં મહેશ-નરેશના જીવનની સંઘર્ષયાત્રા વર્ણવતી એવી તેમની આત્મકથા ‘સૌનાં હૃદયમાં હરહંમેશ- મહેશ-નરેશ’ નું વિમોચન કરવામાં આવ્યું હતું. મહેશ-નરેશ આજે આપણી વચ્ચે નથી પણ તેમના પુત્રો હિતુ કનોડિયા અને સૂરજ કનોડિયા તેમના વારસાને આગળ ધપાવી રહ્યા છે. આજની યુવા પેઢી હિતુ કનોડિયાને લગભગ દરેક ફિલ્મમાં એક નવા પાત્ર ભજવતી જુએ છે પછી એ ‘નાસૂર’ હોય, ‘રાડો’ હોય કે ‘વશ’ હોય...

માત્ર નરેશ કનોડિયા જ નહીં પણ મહેશ કનોડિયા માટે આપણે એમ ચોક્કસ કહી શકીયે છીએ કે જીવનના નીચલા તબક્કાથી માંડી ઉપલા તબક્કે જે પણ સમસ્યાઓ સર્જાતી હોય એમાંની મોટાભાગની સમસ્યાઓનો સામનો કરી કનોડિયા બ્રધર્સે સફળતા મેળવી છે અને કદાચ એટલે જ તેમના અભિનયથકી ગુજરાતી ચાહકોમાં તેમનું એક અનેરું સ્થાન આજે પણ જળવાઈ રહેલું છે. 






- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com





Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં