મહેશકુમાર એન્ડ પાર્ટીને ઓળખ જરૂરત છે ખરી?

સંઘર્ષથી સફળતા સુધીની સુંદર સફરનો શહેનશાહ એટલે મહેશ કુમાર જે 30થી પણ વધારે અવાજોમાં ગીતો ગાઈ શકતા



ગુજરાતી ફિલ્મ જગતમાં આમ તો અનેક વાસ્તવિક પિતા-પુત્ર, મા-દીકરીની જોડી આપણને જોવા મળે છે પણ ભાઈ-ભાઈ કે બહેન-બહેનની જોડી ભાગ્યે જ જોવા મળે છે. ત્રિવેદી ભાઈઓ એટલે કે અરિવંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી જે પ્રમાણે ગુજરાતી અભિનેતાની પ્રથમ પંક્તિમાં પોંખાતા આવે એવી જ રીતે કનોડિયા બ્રધર્સ એટલે કે મહેશ કુમાર અને નરેશ કુમારને પણ કોઈ ખાસ ઓળખની જરૂરત રહેતી નથી. સંગીતકાર તરીકે મહેશ કુમારે જે ગીતોનું સર્જન કર્યું છે એ આજે પણ માણવા ગમે એવા છે જ્યારે નરેશ કુમારના અભિનયને જરા પણ ઓછું આંકી શકાય એવું નથી. 



આજે (25મી ઑક્ટોબર) મહેશ કુમારની પુણ્યતિથી હોવાથી ફક્ત મહેશ કુમાર અને તેમના ફિલ્મ ક્ષેત્રમાં યોગદાનને યાદી કરીયે તો આજે ‘મહેશકુમાર એન્ડ પાર્ટી’ ને કોઈ ઓળખની જરૂરત નથી, પણ આ ક્ષેત્રમાં તેમની શરૂઆત જરાય સરળ નહોતી. મહેસાણા જિલ્લામાં આવેલા કનોડા ગામે 27 જાન્યુઆરી 1937 ના રોજ જન્મેલા મહેશ કનોડિયા અને તેમના પરિવારનું જીવન અનેક સંઘર્ષો બાદ સફળતાના શિખરે પહોંચ્યું હતું. પિતા હતા મીઠાલાલ રૂપાભાઈ પરમાર અને માતા દલીબહેન. મીઠાલાલ પરમાર વણકર સમાજનું પારંપારિક વણાટકામ કરીને ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં આઠ જણા હતા. મીઠાભાઈ અને દલીબહેન ઉપરાંત, ત્રણ દીકરા શંકર, મહેશ, દિનેશ અને ત્રણ દીકરી નાથીબહેન, પાનીબહેન તેમજ કંકુબહેન. એ વખતે નરેશ કનોડિયાનો જન્મ નહોતો થયો.



બે પૈસા વધુ મળે અને પરિવાર બે ટંકનું ખાઈ શકે તે માટે મોટા દીકરા શંકરભાઈ અમદાવાદ આવ્યા હતા. ત્યાં રંગીલા ગેટ પાસે મહેસાણિયાવાસના લલ્લુ બાપાના છાપરામાં તેઓ રહેતા હતા. એ વખતે અમદાવાદમાં કાપડની મિલો ધમધમતી હતી. શંકરભાઈએ એ મિલોમાં છૂટક કામ કર્યું હતું. થોડા જ દિવસોમાં શંકરભાઈએ મા-બાપ સહિત પરિવારને કનોડાથી અમદાવાદ બોલાવી લીધો. મહેશકુમાર ચાર વર્ષના હતા ત્યારે પરિવાર સાથે મહેસાણિયાવાસના એ ઘરમાં રહેવા આવ્યા હતા. ઘરમાં વીજળી નહોતી. દીવાને અજવાળે રાતો વીતતી અને કૉર્પોરેશનના જાહેર નળની ચકલીઓમાંથી પાણી ભરવા જતા. મકાનનું ભાડું બે રૂપિયા હતું. એક તબક્કો એવો પણ આવ્યો હતો કે દસ મહિનાનું ભાડું માથે ચઢી ગયું હતું.

સ્ત્રી-પુરુષ બંનેના સ્વરમાં ગીતો ગાઈ શકતા મહેશ કનોડિયા અમદાવાદમાં રંગીલા ગેટ પાસેની મ્યુનિસિપલ શાળા નં. 2માં ભણવા જતા હતા. રોજ શાળાની શરૂઆત બાળ મહેશના સ્વરમાં 'મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો' થી થતી. અવાજની મીઠાશથી ખુશ થયેલા શિક્ષકો રોજ બાળ મહેશ પાસેથી જ પ્રાર્થના ગવડાવતા. એ દિવસોમાં તેમના ઘરમાં એ સ્થિતિ રહેતી કે ક્યારેક તો એક બે દિવસ આખું ઘર ભૂખ્યાપેટે રહેતું. ક્યારેક સંબંધીઓ અનાજ-કરિયાણું આપી જતા હતા. ઘરની આર્થિકસ્થિતી સારી ન હોવાથી તેમણે ભણતરને તિલાંજલી આપી રૂપિયા કમાવવા ઘણા વૈતરા કર્યા. રસ્તે ઊભા રહીને ગીતો ગાવાં, મિલમજૂરોને ટિફિન પહોંચાડવાં, ગલીએ ગલીએ જઈને કાગળ-કચરો વીણવાં, બૂટપૉલિશ વગેરે કામો પણ કર્યાં.

મહેશભાઈ અને તેમનાથી બે વર્ષ મોટા કંકુબહેન ખભે કોથળો નાખીને કાગળો વીણવા જતાં. અમદાવાદની અલગઅલગ પોળમાં લોકો જે બાવળનાં દાતણ કરીને ફેંકી દેતાં તેને એકઠાં કરીને સૂકવીને તેનો ઉપયોગ ઘરમાં ચૂલાનાં બળતણ તરીકે થતો. ગલીએ ગલીએ જઈને જે કાગળ-કચરો થેલે ભર્યાં હોય તે મિરઝાપુર વિસ્તારમાં વેચવા જતા. એમાંથી જે પચીસ–ત્રીસ પૈસા મળતા તે ચાર વર્ષના મહેશની જીવનની પહેલી કમાણી હતી.



મહેશ કુમારની સંગીત સફરની વાત કરીયે તો તેમનું નાનપણનું નામ મગન હતું અને મહોલ્લામાં લોકો તેમને પ્રેમથી 'મઘો' કહીને બોલાવતા હતા. તેમના એરિયામાં રહેતા એક સંપન્ન વ્યક્તિના ઘરે ગ્રામોફોન વાગતો અને મઘો એ ગીતો સાંભળતો અને જે-તે ગાયકના સ્વરમાં ગાઈને પણ બતાવતો. ધીરે ધીરે સ્ત્રી-પુરુષના સ્વરમાં ગાવાની તેની ખાસિયત પ્રસિદ્ધી પામવા લાગી અને ઓળખાણથી કાર્યક્રમો મળવા લાગ્યા. કિશોરવયે એ પછી મહેશકુમારે તેમના નાના ભાઈ દિનેશ, કાકાના દીકરા સુરેશ સાથે કાર્યક્રમો આપવાના શરૂ કર્યા. ત્રણેય ગાતા–વગાડતા અને તેમણે પોતાનું એક મ્યુઝિક ગ્રુપ શરૂ કર્યું અને ગ્રુપને નામ આપ્યું 'મહેશકુમાર ઍન્ડ પાર્ટી' અને આ ગ્રુપ શરૂ થયાનું વર્ષ હતું 1947. 

ગુજરાતની શેરીના ચોકમાં કે ઓટલે સાદાં પાથરણાં પાથરીને પેટી, ઢોલક વગેરે મુખ્ય વાજિંત્રો સાથે આ છોકરડાં ગાતાં અને લોકોનું મનોરંજન કરતા અને એમાંથી જે કમાણી થતી એ જ તેમની આજીવિકા બની રહેતી. નાના નાના કાર્યક્રમો કરી, મેળામાં, બેસણામાં ગીતો ગાઈ, મહેશ કુમારે પોતાનો સંઘર્ષકાળ પસાર કર્યો તેમ છતાં પોતાનામાં રહેલા ગાયક અને સંગીતકાર તરીકેના મહેશ કુમાર પર ભરોસો કરી તે પહોંચી ગયા માયાનગરી મુંબઈ. 

મહેશ-નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા સરનેમ સાંભળી હતી. તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે તે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે. આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખી હતી. 80ના દાયકોમાં ગુજરાતી ફિલ્મોમાં મહેશ કુમારે સંગીત આપવાનું શરૂ કર્યું હતું. 1970 માં ભાગ્યોદય ચિત્ર દ્વાર રિલીઝ થયેલી ફિલ્મ ‘વેલીને આવ્યાં ફૂલ’ મહેશ કનોડિયાની સંગીતકાર તરીકે અને નરેશ કનોડિયાની અભિનેતા તરીકે પહેલી ફિલ્મ હતી. આગળ જતાં મહેશ કનોડિયાએ ‘તાનારીરી’ (1975), ‘વણઝારી વાવ’ (1977), ‘તમે રે ચંપો અને અમે કેળ’ (1978), ‘જોગસંજોગ’ (1980), ‘ઢોલા મારુ’ (1983), ‘મેરુ માલણ’ (1985), ‘જોડે રહેજો રાજ’ (1989) જેવી પ્રખ્યાત ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું. 



અંદાજે 30થી પણ વધારે કલાકારોનો સ્વર પોતાના કંઠેથી કાઢી શકનારા મહેશ કનોડિયાએ ન માત્ર ગુજરાતી પણ હિન્દી અને કન્નડ ફિલ્મોમાં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે. લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મહોમ્મદ રફી, મન્ના ડે, યેસુદાસ, કિશોરકુમાર, મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર, સુરેશ વાડકર, કવિતા કૃષ્ણમૂર્તિ, શબ્બીર કુમાર, અનુરાધા પૌડવાલ, ઉદિત નારાયણ, કરસન સાગઠિયા, જેવા નામાંકિત ગાયકોએ તેમના ગીતો ગાયેલાં છે. જે ગીતો લતા દીદી ગાઈ ચૂક્યા છે, એ મહેશ કુમાર લતા દીદીની સામે જ, લતા દીદીના સ્વરમાં જ કઈ રીતે ગાઈ શકે છે એ કરામાત જોવા માટે ખુદ લતા દીદીએ મહેશ કુમારને પોતાના ઘરે પણ આમંત્રિત કર્યા હતા.

મહેશ કુમારને સંગીતકાર તરીકે ફિલ્મ ‘જીગર અને અમી’ માટે (1970-71), ફિલ્મ ‘તાનારીરી’ માટે (1974-75), ફિલ્મ ‘જોગ સંજોગ’ માટે (1980-81) અને ફિલ્મ ‘લાજુ લાખણ’ માટે (1991-92) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે નિર્માતા તરીકે શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ ‘જોગ સંજોગ’ (1980-81) માટે અને શ્રેષ્ઠ પાર્શ્વગાયક માટેનો એવોર્ડ ફિલ્મ ‘અખંડ ચૂડલો’ (1981/82) માટે પ્રાપ્ત થયો હતો. 2021 માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ થી સન્માનિત કર્યા હતા. અનેક સંઘર્ષો બાદ સફળતાના શિખરે પહોંચનારા મહેશકુમાર એન્ડ પાર્ટીના જનેતા કહી શકાય એવા મહેશ કનોડિયા પાટણથી સાંસદ પણ રહ્યા અને લોકસેવા પણ કરી હતી. 



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com




Comments

  1. Superb Article. ઘણી વિગતવાર માહિતી આપી છે. મહેશ નરેશ ને સરસ શ્રદ્ધાંજલિ.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં