આજના સમયને અનુરૂપ છે ‘ગુણસુંદરી’ ની વાર્તા
1948 સુધીમાં ત્રણ વાર એક જ શીર્ષક સાથે બની ચૂકેલી આ ત્રણેય ફિલ્મોએ સફળતાનો સ્વાદ ચાખ્યો હતો
ગુજરાતી સાહિત્ય જગતને ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાનવલકથા આપનાર ગોવર્ધનરામ ત્રિપાઠીની આ રચના અનેક કૃતિઓના સર્જનમાં મહત્ત્વનો ફાળો આપશે એ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. આજથી લગભગ સવા સો વર્ષ પહેલા એટલે કે 1887 માં ‘સરસ્વતીચંદ્ર’ નો પહેલો ભાગ અને 1901 માં છેલ્લો ભાગ પ્રકાશિત થયો હતો. 15 વર્ષના ગાળામાં રચાયેલી આ મહાનવલકથાનો બીજો ભાગ ‘ગુણસુંદરીનું કુટુંબજાળ’ તરીકે પ્રકાશિત થયો હતો અને આ જ ભાગને ધ્યાનમાં રાખીને ગુજરાતી ફિલ્મમેકરોએ ‘ગુણસુંદરી’ નામની ફિલ્મોનું નિર્માણ કર્યું.
મોટાભાગે જ્યારે પણ આપણે ‘ગુણસુંદરી’ ફિલ્મની વાત કરીયે છીએ ત્યારે 1948 માં આવેલી નિરૂપા રૉય અભિનીત ફિલ્મને જ કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે. તેમ છતાં એ વાતથી મોટાભાગની જનતા અજાણ છે કે 1948 માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘ગુણસુંદરી’ પહેલા એક નહીં પણ બે વાર ‘ગુણસુંદરી’ ફિલ્મ નિર્માણ પામી ચૂકી હતી. બોલપટ ફિલ્મો શરૂ થઈ એ પહેલા 1927 માં ‘ગુણસુંદરી’ નામની ફિલ્મ બની હતી અને જ્યારે ફિલ્મોમાં વાચા ઉમેરાઈ ત્યારે એટલે કે સવાક્ ફિલ્મકાળમાં એ જ ફિલ્મની રિમેક બની જે રિલીઝ થઈ 1934 માં અને ત્યાર બાદ છેક 1948 માં આ જ શીર્ષક સાથે ફિલ્મ ફરી એક વાર મોટા પડદે રિલીઝ કરવામાં આવી, જેમાં નિરૂપા રૉયે અભિનય કર્યો હતો.
ભારતની આઝાદી પહેલા ત્રણ વાર બનીને રિલીઝ થઈ ચૂકેલી અને સફળતા મેળવી ચૂકેલી ‘ગુણસુંદરી’ ફિલ્મની વાત શરૂઆત શરૂ કરીએ. જે સમયમાં મૂક ફિલ્મો બનતી એ સમયના ફિલ્મમેકર્સમાં એક એવી માન્યતા જોવા મળતી કે દર્શકોને આકર્ષવા પૌરાણિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ ફિલ્મો બનાવવી જોઈએ. આ માન્યતા એ સમયે ઘણી ર્દઢ હોવાની પણ માહિતી મળે છે. એ સમયે મુંબઈના ચલચિત્ર ઉદ્યોગમાં પંકાઈ ચૂકેલા યુવા સિને દિગ્દર્શક ચંદુલાલ શાહે સામાજિક મુદ્દાને ધ્યાનમાં રાખીને ફિલ્મ નિર્માણ કરવાનું નક્કી કર્યું. જોકે એ સમયે આ એક પ્રકારનું જોખમ જ હતું. તેમ છતાં એ સમયની ટેક્નોલોજી અને પડકારો સાથે તેમણે માત્ર 22 દિવસની રેકોર્ડ અવધિમાં ફિલ્મનું શૂટિંગ આટોપી આંતરરાષ્ટ્રીયસ્તરે સ્વીકૃતિ પામે તેવી ‘ગુણસુંદરી’ ફિલ્મ પૂરી કરી ને ઇમ્પીરિયલ થિયેટરને સોંપી દીધી હતી. મુંબઈમાં આવેલા કોહિનૂર ફિલ્મ સ્ટુડિયોમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. મિસ. ગૌહરે આ ફિલ્મમાં ગુણસુંદરીની મુખ્ય ભૂમિકા અદા કરી હતી અને જેમનું નામ ભાગ્યે જ સાંભળવા મળે છે એવા ફિલ્મ અભિનેતા, ડિરેક્ટર અને પ્રોડ્યુસર રાજા સેન્ડોવે ગુણસુંદરીના પતિની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત રામપ્યારી, જમુના અને આર.એન. વૈદ્ય નામના કલાકારો પણ આ ફિલ્મમાં જોડાયા હતા.
ફિલ્મની વાર્તા એક એવા દંપતીની છે જેમાં પતિ પોતાની ઓફિસની જવાબદારીઓ વચ્ચે પોતાની પત્ની તરફ બેધ્યાનપણું સેવે છે અને તેની જવાબદારી ઉઠાવવાથી ભાગે છે. પોતાના સામાજિક મૂલ્યોને ભૂલી તે એક ડાન્સિંગ ગર્લની પાછળ ઘેલો બની બેસે છે. પોતાના પતિને સાચા માર્ગે લાવવા પત્ની સામાજિક મૂલ્યો અનુસરવાની સાથે પોતાના માટે નવા જગતના દ્વાર ખખડાવે છે. પૌરાણિક મૂક ફિલ્મની ચાલતી આવતી પરંપરા તોડીને ચંદુલાલ શાહે રિલીઝ કરેલી આ ફિલ્મ ઘણી સફળ રહી અને ફિલ્મ ક્ષેત્રને એક નવી દિશા પણ મળી. કલાકારો અને નિર્માતા માટે પણ આ ફિલ્મ વરદાનરૂપ બની રહી.
આ ફિલ્મની સફળતાને ફરીથી 1934 માં પુનરાવર્તીત કરવામાં આવી. ચંદુલાલ શાહે જ 1934 માં રણજીત ફિલ્મ કંપનીના નેજા હેઠળ હિંદી ભાષામાં ‘ગુણસુંદરી’ ફિલ્મનું નિર્માણ કર્યું જે 1927 ની રિમેક હતી. આ ફિલ્મમાં ગૌહરબાનુએ ગુણસુંદરીની ભૂમિકા અદા કરી હતી. તેમના સિવાય ફિલ્મમાં કેકી બાવા, ઇ. બિલીમોરિયા, રામ આપ્ટે, શાંતા, ગંગાપ્રસાદ, રામપ્યારી, કમલાબાઈ ગોખલે, ચારુબાળા અને દિક્ષીત જેવા કલાકારો હતા. વ્યાવસાયિક દ્રષ્ટિએ આ ફિલ્મ એ સમયમાં સફળ રહી હતી અને બોક્સ ઓફિસ પર સતત 14 અઠવાડિયા પોતાનો ડંકો વગાડ્યો હતો. આ ફિલ્મમાં ‘ગગરી છલક ના જાય’, ‘મુઝે મત છેડો બાર બાર’, ‘જલ ભરને કો મેં ગઈ થી સાવરિયા’, ‘મોરા સૈયા સૌતનીયા કે દ્વાર ગયો રે’, ‘ચલો પત્ઝડ રૂત બીત ગઈ’ જેવા 10 ગીતોનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો.
હવે વાત કરીયે 1948 માં આવેલી ફિલ્મ ‘ગુણસુંદરી’ ની, જેનાથી મોટાભાગની જનતા પરિચીત છે. 1948 માં બનેલી ‘ગુણસુંદરી’ ચંદુલાલ શાહના ભાણેજ રતિલાલ પુનાતરે ડિરેક્ટ કરી હતી. વાસ્તવમાં એ સમયે રતિલાલ પુનાતર રણજીત ફિલ્મના મેનેજર તરીકે કાર્યરત હતા અને ગુજરાતી કલાકાર મનહર દેસાઈ અને મરાઠી કલાકાર બાબુ રાજેએ તેમની સામે પ્રસ્તાવ મૂક્યો કે તેમણે એક ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવું જોઈએ. મનહર દેસાઈ અને બાબુ રાજેના આ પ્રસ્તાવમાં ગૌહરબાનુએ પણ સાથે પૂરાવ્યો. આ કલાકારો પાસેથી મળેલા પીઠબળને આધારે રતિલાલે 1934 ની ફિલ્મ ‘ગુણસુંદરી’ ની પટકથામાં સુધારા-વધારા કરી ફિલ્મને નવો ઓપ આપ્યો. મનહર દેસાઈ અને બાબુ રાજે સહિત નિરૂપા રૉયને ‘ગુણસુંદરી’ ની ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યા. ફિલ્મના ગીત-સંગીત અવિનાશ વ્યાસે તૈયાર કર્યા. આ ફિલ્મની શૂટિંગ અંદાજે 35 દિવસમાં આટોપી લેવાઈ અને મુંબઈના લેમિંગ્ટન રોડ ખાતે આવેલા સ્વસ્તિક થિયેટરમાં રજતજંયતી પણ ઉજવાઈ.
અત્યાર સુધી ‘ગુણસુંદરી’ ની ફિલ્મો બની પણ સરસ્વતીચંદ્રની જીવની સિનેમામાં દર્શાવાઈ નહોતી. 1969 માં ગોવિંદ સરૈયા ‘સરસ્વતીચંદ્ર’ ફિલ્મ લઈને આવે છે જેમાં નૂતન અને મનીષ મુખ્ય પાત્રની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મને બેસ્ટ સિનેમેટોગ્રાફર અને બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો નૅશનલ એવૉર્ડ પણ એનાયત થયો હતો. યુવા પેઢીને આકર્ષવા માટે સંજય લીલા ભણસાલી મોટા પડદાને છોડી નાના પડદે ‘સરસ્વતીચંદ્ર’ નામની સિરીયલ લઈને આવ્યા હતા. જેના 403 એપિસોડ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે આશરે સવા સો વર્ષ પહેલા ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખેલી વાર્તા આજે પણ નિર્માતાઓ માટે સર્જનની નવી તક પૂરી પાડવામાં અગ્રેસર છે.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com




Comments
Post a Comment